અમદાવાદઃ રાજ્યના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દાનપેટીમાંથી થયેલી ચોરીના મામલે હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. CCTV ફુટેજ મુજબ મંદિરમાં થયેલી ચોરી કોઈ એક દિવસની ઘટના નહોતી, પરંતુ લાંબા સમયથી ચાલતી એક સુનિયોજિત ગતિવિધિ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફુટેજમાં મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર ખૂબ જ ચાલાકીપૂર્વક દાનની રકમ ચોરતો જોવા મળે છે.
સાત મેએ ચોરીનો મામલો સામે આવ્યો
મંદિરના CCTV વિડિયોએ મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને મોનિટરિંગ સિસ્ટમ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વિડિયોમાં મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર કથિત રીતે નોટોના બંડલને પોતાના પગ નીચે છુપાવીને બાદમાં પોતાના પાયજામામાં મૂકતો દેખાય છે. આ ફુટેજ 21 એપ્રિલસ 2026નું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યારે અંબાજી મંદિરની ચોરીનો મામલો સાત મેએ સામે આવ્યો હતો.
મે મહિનામાં એક લાખથી વધુ રૂપિયાની ચોરી
પ્રાપ્ત માહિતી મુજબ સાત મેએ દાનની ગણતરી દરમિયાન અંદાજે રૂ. 1.04 લાખની ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. આરોપ છે કે ગણતરી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી ચિરાગ ઠાકોર રૂપિયા પોતાના કપડાંમાં છુપાવીને બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન તેના કપડાંમાંથી કેટલીક નોટો નીચે પડી જતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.
#Ambaji: आस्था पर विधिक चोट! गुजरात के अंबाजी मंदिर में पैर के नीचे नोटों का बंडल छिपाते कैमरे में कैद हुआ कर्मचारी। मंदिर प्रशासन ने 3 पर दर्ज कराई FIR। घटना के बाद सोशल मीडिया पर चढ़ावे का बहिष्कार कर जरूरतमंदों की मदद करने की विधिक मुहिम तेज। pic.twitter.com/Q6XPItnPne
— Shubham Tripathi 📚📚 (@Shubham9250500) July 14, 2026
ત્રણેય આરોપીઓ જામીન પર મુક્ત
પોલીસ તપાસ દરમિયાન ચિરાગ ઠાકોર ઉપરાંત મંદિરના અન્ય બે કર્મચારીઓ વિવેક શર્મા અને નિકુંજ પટેલનાં નામ પણ સામે આવ્યા હતા. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર બંને વાયરમેન તરીકે ટેકનિકલ કામગીરી સાથે જોડાયેલા હતા. તેમના પર CCTV સિસ્ટમ સાથે કથિત છેડછાડ કરવાનો પણ આરોપ છે. તપાસ એજન્સીઓએ ત્રણેય આરોપીઓને ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા, પરંતુ બાદમાં તેમને જામીન મળી ગયા હતા. હાલ ત્રણેય આરોપીઓ જામીન પર બહાર છે.
મે મહિનામાં CCTV કેમેરા બંધ મળ્યા
આ સમગ્ર ઘટનામાં સૌથી શંકાસ્પદ બાબત એ સામે આવી છે કે મે મહિનામાં જ્યારે ચોરી થઈ હતી ત્યારે ભંડારગૃહમાં લગાવવામાં આવેલા CCTV કેમેરા રહસ્યમય રીતે બંધ હાલતમાં હતા. હવે એપ્રિલ મહિનાના સામે આવેલા CCTV ફૂટેજે તપાસને નવો વળાંક આપ્યો છે. ફૂટેજના આધારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોપીઓ ઘણા મહિનાઓથી માતા અંબાના ખજાનામાંથી રકમની ચોરી કરતા હતા. જોકે, આ અંગે તપાસ એજન્સીઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે જો છેલ્લા એક વર્ષના CCTV ફૂટેજની વિગતવાર તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાની મહાચોરીનો મોટો ભંડાફોડ થઈ શકે છે.






