ભૂતિયા હોસ્ટેલ’: વિદ્યાર્થીઓ, સ્ટાફ નહીં, છતાં કરોડોનું સરકારી અનુદાન

મુંબઈઃ  મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ થયેલા CAG ના કોમ્પ્લાયન્સ ઓડિટ રિપોર્ટ-2024માં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ રાજ્યની છ ‘ઘોસ્ટ હોસ્ટેલ’ (માત્ર કાગળો પર ચાલતી હોસ્ટેલ) છેલ્લાં ચાર વર્ષથી વાસ્તવમાં કાર્યરત ન હોવા છતાં કુલ 1.62 કરોડ રૂપિયાનું સરકારી અનુદાન મેળવતા રહી હતી. જાલના, બુલઢાણા અને લાતુર જિલ્લાની આ હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓ રહેતા હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, જ્યારે સરકારી નોંધોમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફની હાજરી દર્શાવવામાં આવી હતી. આવો, જાણીએ કે આખો મામલો શું છે.

દેશમાં સરકારી નાણાંના દુરુપયોગના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે, પરંતુ મહારાષ્ટ્રમાં સામે આવેલો આ કિસ્સો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. CAGના રિપોર્ટ મુજબ રાજ્યમાં એવી છ “ઘોસ્ટ હોસ્ટેલ” મળી આવી છે, જ્યાં એક પણ વિદ્યાર્થી રહેતો નહોતો. તે છતાં આ હોસ્ટેલોને ચાર વર્ષ દરમિયાન કુલ 1.62 કરોડ રૂપિયાનું સરકારી અનુદાન આપવામાં આવ્યું હતું. એટલે કે સરકારી દસ્તાવેજોમાં હોસ્ટેલ કાર્યરત દર્શાવવામાં આવી હતી, વિદ્યાર્થીઓ અને સ્ટાફની નોંધ પણ હતી, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં ઇમારતો બંધ હતી, રૂમોમાં ધૂળ જામી ગઈ હતી અને બેડ ખાલી પડ્યા હતા.

CAG રિપોર્ટમાં શું સામે આવ્યું?

મહારાષ્ટ્ર વિધાનસભામાં 10 જુલાઈએ રજૂ કરાયેલા CAGના કોમ્પ્લાયન્સ ઓડિટ રિપોર્ટ-2024માં પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે સંચાલિત સરકારી અને સહાય પ્રાપ્ત હોસ્ટેલોની વ્યવસ્થામાં ગંભીર ખામીઓ સામે આવી છે. રિપોર્ટ મુજબ આ હોસ્ટેલોમાં માળખાકીય સુવિધાઓ, સુરક્ષા, સ્વચ્છતા અને નાણાકીય વ્યવસ્થાપન સંબંધિત અનેક અનિયમિતતાઓ જોવા મળી હતી. ઓડિટ ટીમે 18 સરકારી અને 21 સહાયપ્રાપ્ત હોસ્ટેલોની તપાસ કરી હતી, જેમાં અનેક ગંભીર ખામીઓ સામે આવી હતી.

કયા હોસ્ટેલમાં સૌથી મોટો ગોટાળો મળ્યો?

CAG રિપોર્ટમાં જાલના જિલ્લાની મોદીખાન હોસ્ટેલને સૌથી ગંભીર કેસોમાંનો એક ગણાવવામાં આવ્યો છે. ઓડિટ દરમિયાન આ હોસ્ટેલ સંપૂર્ણપણે જર્જરિત અને બંધ હાલતમાં મળી હતી, જ્યાં કોઈ વિદ્યાર્થી રહેતો હોવાના કોઈ પુરાવા નહોતા. છતાં સરકારી નોંધોમાં અહીં 38 વિદ્યાર્થીઓ અને એક સુપરિન્ટેન્ડન્ટ હાજર હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે રાજ્ય સરકારે આ બંધ પડેલી હોસ્ટેલને છેલ્લાં ચાર વર્ષ દરમિયાન 18 લાખ રૂપિયાનું માનદ વેતન (માનધન) ચૂકવ્યું હતું.