અમદાવાદ: ભાડજ વિસ્તારમાં રવિવારે સવારે ‘૫ મિલિયન ટ્રી પ્રોજેક્ટ’ અંતર્ગત એક વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને અન્ય અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ અભિયાનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના ૧,૧૦૦થી વધુ સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કર્યું હતું.

સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમિયાન ચાલેલા આ આયોજનબદ્ધ કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા એક જ દિવસમાં ૩૦,૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ મહાઅભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણનું સંરક્ષણ કરવું, શહેરી વિસ્તારોમાં હરિયાળી વધારવી અને આવનારી પેઢીને સ્વચ્છ તેમજ તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવાનો છે.
BAPS સ્વામિનારાયણ સંસ્થા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આધ્યાત્મિકતાની સાથે-સાથે પર્યાવરણ સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ રાહત જેવા સામાજિક સેવાકાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે. સંસ્થાના ‘બીજાના સુખમાં આપણું સુખ’ના મુખ્ય મંત્રને સાર્થક કરતા સ્વયંસેવકોએ માત્ર વૃક્ષો વાવ્યા જ નથી, પરંતુ તેના યોગ્ય જતન અને સંવર્ધન માટેના પણ સંકલ્પ લીધા હતા. આ પ્રસંગે હરિત ભારતના નિર્માણ માટે સમાજના તમામ નાગરિકોને પર્યાવરણ બચાવવાના આ ભગીરથ કાર્યમાં જોડાવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.






