અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બાયોડાઈવર્સિટી પાર્કનું લોકાર્પણ…

અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર વાસણા વિસ્તારના બ્રિજના છેડે નવનિર્મિત બાયોડાઈવર્સિટી પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

મેયર બીજલબેન પટેલ અને અગ્રણી ઓની ઉપસ્થિતિમાં પાર્ક લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

સૃષ્ટિના સંતુલન માટે દરેક પ્રકારના જીવોને એકબીજાના પૂરક બનાવવા ખૂબ જ જરુરી છે. જીવવિજ્ઞાન સાથે જોડાયેલા લોકો તેમજ પર્યાવરણ પ્રેમીઓ જૈવિક વિવિધતા ઉપર સતત જુદા જુદા સંશોધન કરતા રહે છે. સંશોધનકર્તા, જાણકારો પોતે અભ્યાસ કરી જીજ્ઞાસુ લોકો માટે પણ માહિતી તૈયાર કરી પ્રયોગશાળા કે વાસ્તવિક ઉદ્યાન તૈયાર કરે છે.

વેલ, આવું જ એક ઉદ્યાન… અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર બાયોડાયવર્સિટી પાર્ક રુપે તૈયાર થઇ ગયું છે. સાબરમતી નદીને કાંઠે ઇવેન્ટ સેન્ટર, ફ્લાવર પાર્કના થોડા અંતર પછી વાસણા બેરેજની એકદમ નજીક બાયોડાયવર્સિટી પાર્ક તૈયાર કરાયો છે.

જૈવિક વિવધતાથી ભરપૂર આ પાર્ક સાથે જોડાયેલા આસિફભાઇ ‘ચિત્રલેખા.કોમ’ને જણાવે છે કે રિવરફ્રન્ટ પરના આ પાર્કમાં પહેલા જ ફેસમાં સાત હજાર જેટલા વૃક્ષ, વનસ્પતિ, છોડનું વાવેતર કરાયું છે. જેમાં 125 જાતની વેરાઇટીનો સમાવેશ થાય છે. અરીઠા, અરડુશી, નાગોડ, સીગ્રેપ્સ, અંજીર, પાઇનેપલ, કાજુ, મોસંબી, ગુંદા, બદામ જેવી અનેક ચીજ વસ્તુઓને ઉછેરી માવજત કરાઇ રહી છે. આ પાર્કમાં અનેક પ્રકારના પક્ષીઓ, જીવ જંતુઓ સહ અસ્તિત્વ માણી રહ્યા છે.

બાયોડાયવર્સિટી પાર્કમાં કામ કરતાં મેહુલભાઇ કહે છે એકદમ કુદરતી રીતે તમામ પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છતા, રસધરાવતા વિદ્યાર્થીઓ માટે આ પાર્ક ખૂબ જ ઉપયોગી થઇ પડશે. અહીંના મોટાભાગના પ્લાન્ટેશનની ઓળખ થાય એ રીતે લખાણ તૈયાર કરવામાં આવશે. ઝાડ પર નામ સાથેની પ્લેટ મુકવામાં આવશે.

અત્યારે એક ફેસ તૈયાર કરાયો છે, બીજા ફેસમાં વિશાળતા અને વિવિધતા વધારાશે. વિદ્યાર્થીઓની સાથે વૃધ્ધો સહિતના લોકો જૈવિક વિવિધતાથી ભરપૂર અમદાવાદનો આ પાર્ક ખુલ્લો મુકાયા બાદ અનોખી ઉર્જા મેળવી શકશે.

– પ્રજ્ઞેશ વ્યાસ