Home Blog Page 4608

ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે પ્રકાશ ન. શાહ ચૂંટાયા

અમદાવાદઃ ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે પ્રકાશ ન. શાહ વિજેતા થયા છે. મહાત્મા ગાંધીજી જે સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂક્યા છે એ સાહિત્ય પરિષદની આજે ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જેમાં પ્રકાશ ન. શાહ 562 મત મેળવી પ્રમુખપદ વિજેતા જાહેર થયા છે. તેમને કુલ 1292 મતોમાંથી 562 મતો પ્રાપ્ત થયા હતા. એ પછી તેમના હરીફ ઉમેદવારોમાં હર્ષદ ત્રિવેદીને 533 તથા હરિકૃષ્ણ પાઠકને 197 મત મળ્યા હતા. કુલ 1337 મતોમાંથી 45 મતો રદબાતલ જાહેર થયા હતા.

શાહ સાહિત્ય પરિષદના પ્રમુખપદે ત્રણ વર્ષ

શાહ સાહિત્ય પરિષદના પ્રમુખપદે ત્રણ વર્ષ સુધી રહેશે. સાહિત્ય પરિષદના પ્રમુખપદે આ પહેલા સિતાંશુ યશશ્ચંદ્ર હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટેની આ ચૂંટણી દર ત્રણ વર્ષે યોજવામાં આવે છે.

આમ તો મોટે ભાગે બિનહરીફ યોજાતી ચૂંટણીમાં આ વર્ષે પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. જેમાં પ્રકાશ ન. શાહનો વિજય થયો છે. ચૂંટણી અધિકારી પ્રવીણ ત્રિવેદીએ પ્રકાશ ન. શાહના સર્વાધિક 562 મત જાહેર કર્યા હતા.

મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારો માટે રૂ.10,000 કરોડનું રાહત પેકેજ

મુંબઈઃ મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધાના અમુક દિવસો બાદ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતો સહિત તમામ પૂરગ્રસ્તો માટે રૂ. 10 હજાર કરોડના રાહત પેકેજની આજે જાહેરાત કરી છે.

ઠાકરેએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે દિવાળી તહેવાર પૂર્વે ખેડૂતો અને ગામજનોને વળતર ચૂકવી દેવું.

આજે પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે ઠાકરેએ કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને રૂ. 38,000 કરોડ ચૂકવવાના નીકળે છે. જો એણે આ રકમ રાજ્યને ચૂકવી દીધી હોત તો અમને રાહત પેકેજ જાહેર કરવામાં મુશ્કેલી નડી ન હોત. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે તે મહારાષ્ટ્ર સરકારને ચૂકવવાની નીકળતી રકમમ વહેલી તકે છૂટી કરે.

ઉદ્ધવ ઠાકરેએ વિરોધપક્ષોને પણ વિનંતી કરી છે કે તેઓ રાહત અને પુનર્વસન કાર્યોની બાબતમાં રાજકારણને વચ્ચે ન લાવે. મારે શિવસેના પ્રમુખ તરીકે જે કંઈ કહેવાનું છે તે હું દશેરના દિવસની રેલીમાં કહીશ.

ઠાકરેએ એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે કોરોના વાઈરસ સામેના જંગમાં PPE કિટ્સ અને N-95 માસ્ક માટે મહારાષ્ટ્ર સરકારને પૈસા આપવાનું પણ બંધ કરી દીધું છે. એને કારણે રાજ્ય સરકારે રૂ. 300 કરોડ કાઢવા પડ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મહારાષ્ટ્રના પુણે, ઔરંગાબાદ અને કોંકણ વિભાગોમાં અતિવૃષ્ટિ, પૂરને કારણે ઓછામાં ઓછા 48 જણના જાન ગયા હતા અને લાખો હેક્ટરમાં ઉગાડવામાં આવેલો પાક-ખેતી નાશ પામ્યા હતા.

રાહત પેકેજની વહેંચણી આ મુજબની રહેશેઃ

રૂ. 5,500 કરોડ – કૃષિ માટે

રૂ. 2,635 કરોડ – રસ્તાઓ અને પૂલ બાંધવા માટે

રૂ. 300 કરોડ – શહેરી વિકાસ વિભાગને

રૂ. 239 કરોડ – વીજળી વપરાશ માટે

રૂ. 102 કરોડ – પાણી સંસાધન માટે

રૂ. 1000 કરોડ – ગ્રામીણ રસ્તાઓ અને પાણી પુરવઠા માટે

નરેશ કનોડિયાના અવસાનની ખોટી અફવા ફેલાઈ

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના એક સમયના સુપરસ્ટાર નરેશ કનોડિયા કોરોના પોઝિટિવ થયા બાદ તેમની અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે. પરંતુ, એમનું અવસાન થયાનો એક સંદેશ વોટ્સએપ પર રિલીઝ થતાં જ એ વાઇરલ થયો હતો. સોશિયલ મિડિયામાં ફરી રહેલા આ સમાચાર સદંતર ખોટા છે. નરેશ કનોડિયાની તબિયત હાલ સ્થિર છે એવી એમના પુત્ર હિતુ કનોડિયાએ એક વિડિયો નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી.

નરેશ કનોડિયા વેન્ટિલેટર પર

નરેશ કનોડિયાની તબિયત વધુ ગંભીર થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. નરેશ કનોડિયાની એક તસવીર હાલ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ છે. જેમાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ તસવીરમાં તેઓ ઓક્સિજન માસ્ક સાથે નજરે આવી રહ્યા છે. તેમના પુત્ર અને ઈડર મતવિસ્તારના ધારાસભ્ય હિતુ કનોડિયાએ એમના પિતા નરેશ કનોડિયાના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવાની ટ્વિટર પર પ્રશંસકોને અપીલ કરી હતી.

વર્ષાંત સુધીમાં ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ સંપૂર્ણપણે બંધ કરાશે

ન્યૂયોર્કઃ ટેક્નોલોજી ક્ષેત્રની જાયન્ટ ગૂગલ કંપનીએ સંગીત માટેની એની પોપ્યુલર એપ ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ને બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એને બંધ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. જોકે એ ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું, જ્યારે કંપનીએ યૂટ્યૂબ મ્યુઝિકનો પ્રારંભ કર્યો હતો. કંપનીએ ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ને આઠ વર્ષ પહેલાં 2011માં લોન્ચ કરી હતી. કેટલોક સમય સુધી એને બીટામાં રાખ્યા બાદ 2011ના જ નવેમ્બરમાં એને ફાઇનલ લોન્ચ કરવામાં આવી હતી. જોકે આ એક ડહાપણભર્યું પગલું છે, કેમ કે બંને એપ સ્પષ્ટ રૂપે એક જ કામ કરે છે. એટલે સમાન સર્વિસ આપવા માટે ટેક્નિકલી બે એપની આવશ્યકતા નથી.

આ વર્ષના ઓગસ્ટમાં ગૂગલે કહ્યું હતું કે કંપની હવે ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ (GPM)ને ધીમે-ધીમે બંધ કરશે. ઓક્ટોબર ચાલી રહ્યો છે અને કંપની એના વચન મુજબ એને યૂટ્યૂબ મ્યુઝિકથી રિપ્લેસ કરી રહી છે. જોકે ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ને આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.

જોકે GPM ડેટા યુઝર્સ માટે ડિસેમ્બર, 2020 સુધીમાં ઉપલબ્ધ રહેશે. વળી, ‘ગૂગલ પ્લે મ્યુઝિક યુઝર્સ’ કે જેમણે  સપ્ટેબર કરતાં પણ વધુ સમય માટે સબસ્ક્રિપ્શન ભર્યું છે, તેમને ‘ગૂગલ પ્લે સ્ટોર ક્રેડિટ’માં તબદિલ કરી આપવામાં આવશે.

કેટલોક સમય પહેલાં ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ને અમેરિકામાં વિન્ડોઝ યુઝર્સ માટે બંધ કરવામાં આવી હતી અને હવે એન્ડ્રોઇડ પોલિસીનો એક રિપોર્ટ પણ એ પુષ્ટિ કરે છે કે એન્ડ્રોઇડ એપ માટે પણ એ બંધ કરવાની તૈયારી કરી રહી  છે.

સત્તાવાર શટડાઉન

હવે કંપની ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ને સત્તાવાર શટડાઉન કરવા જઈ રહી છે. ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ એપ ઓપન કરવા પર આ સર્વિસના શટડાઉન કરવાના મેસેજ આપવામાં આવી રહ્યા છે. જોકે તમે ‘ગૂગલ પ્લે મ્યુઝિક’થી યુટ્યુબ મ્યુઝિકમાં ટ્રેક્સને માઇગ્રેટ કરી શકો છો. એપને ઓપન કરવા પર ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ નોં લોંગર અવેલેબલ –મોટા શબ્દોમાં લખેલું છે.

કન્ટેન્ટ યુટ્યુબ મ્યુઝિકમાં ટ્રાન્સફર
અહીંથી ‘ગૂગલ પ્લે મ્યુઝિક’નું કન્ટેન્ટ યુટ્યુબ મ્યુઝિકમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. અહીં મેનેજ યોર ડેટાનો ઓપ્શન પણ આપવામાં આવી રહ્યો છે. એના હેઠળ ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ની તમારી લાઇબ્રેરી ડાઉનલોડ થઈ શકશે. અહીં તમે રેકમન્ડેશન હિસ્ટરી પણ ઇચ્છો તો ડિલીટ કરી શકો છો. યુટ્યુબ મ્યુઝિક આવ્યા પછી પ્લે મ્યુઝિકનો કોઈ ખાસ વપરાશ નથી બચ્યો.

યુટ્યુબ મ્યુઝિકની વાત કરીએ તો અહીં તમારી પાસે સબસ્ક્રિપ્શનનો ઓપ્શન છે. પૈસા આપીને તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો. જોકે ગીતો ઇન્ટરનેટ કનેક્ટ કરીને ફ્રીમાં સાંભળી શકો છો, પરંતુ ફ્રી વર્ઝનમાં કોઈ ફીચર નથી મળતા.

 

 

 

નવરાત્રીમાં રંગનું મહત્ત્વઃ બોલીવૂડ બ્યૂટીઝની પસંદ…

નવરાત્રી-2020 તહેવાર ચાલુ છે ત્યારે લીલા રંગનાં આઉટફિટ્સમાં સજ્જ થયેલી બોલીવૂડ અભિનેત્રીઓ – દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, તાપસી પન્નૂ, સોનમ કપૂર-આહુજા, કંગના રણોત, શુભાંગી અત્રે (અંગૂરીભાભી)ની ઈન્ટરનેટ પર વાઈરલ થયેલી તસવીરો. લીલો રંગ સકારાત્મક્તાના પ્રતીકસમાન ગણાય છે.

આ છે, પીળા રંગના આઉટફિટ્સમાં સજ્જ થયેલી બોલીવૂડ અભિનેત્રીઓ – આલિયા ભટ્ટ, કરીના કપૂર, કરિશ્મા કપૂર, અનન્યા પાંડે, સોનાક્ષી સિન્હા, સારા અલી ખાન, તારા સુતરિયા, ક્રિતી સેનન, જેક્લીન ફર્નાન્ડિસ. પીળો રંગ સૂર્યના પ્રકાશના કિરણના પ્રતીકસમાન ગણાય છે.

કોરોના રસી માટે કેન્દ્રનું રૂ.50,000 કરોડનું બજેટ

નવી દિલ્હીઃ મોદી સરકાર દેશના બધા નાગરિકોને કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટેનું બજેટ તૈયાર કરી રહી છે. કોરોના વેક્સિનના નિર્માણ પર પ્રતિ વ્યક્તિ 6-7 ડોલરનો ખર્ચ થવાની શક્યતા છે. એના માટે સરકારે કુલ રૂ. 500 અબજ એટલે કે રૂ. 50,000 કરોડનું બજેટ નક્કી કર્યું છે. સરકાર આ બજેટની ફાળવણી ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં કરી દેશે, એમ એક અહેવાલ કહે છે.

દેશની પહેલી વેક્સિનને ત્રીજા તબક્કામાં માનવ પરીક્ષણ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. ભારત બાયોટેક ઇન્ડિયા લિ. (BBIL)એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને ‘કોવેક્સિન’ વેક્સિન વિકસિત કરી છે. આશરે ત્રણ મહિના પહેલાં જુલાઈમાં ભારત બાયોટેકને પહેલા અને બીજા તબક્કામાં માનવ પરીક્ષણ કરવા માટે મંજૂરી મળી હતી.

ત્રીજા તબક્કાનું માનવ પરીક્ષણ આવતા મહિને શરૂ થવાની આશા છે. મંગળવારે ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કમિટીએ વેક્સિન પર વિચારવિમર્શ કર્યો હતો અને માનવ પરીક્ષણની પ્રક્રિયામાં મામૂલી બદલાવની સલાહ આપતાં મંજૂરી આપી હતી.

અંતિમ તબક્કામાં માનવ પરીક્ષણમાં 28,500 લોકો સામેલ હશે

દેશમાં થનારા અંતિમ તબક્કાના માનવ પરીક્ષણમાં 28,500 લોકો સામેલ થશે. અહેવાલ મુજબ વોલેન્ટિયરને 28 દિવસોના અંતરાલમાં પ્રયોગાત્મક ધોરણે વેક્સિનનો બે ડોઝ આપવામાં આવશે. કોવેક્સિનનું પરીક્ષણ દિલ્હી, મુંબઈ, પટના અને લખનઉ સહિત 19 જગ્યાઓ પર થશે.

કોરોના વાઇરસ સામેની લડાઈ માટે ‘કોવેક્સિન’ ભારતની પહેલી સ્વદેશી વેક્સિન છે. હૈદરાબાદની કંપનીએ વિક્સિત કરેલી ‘કોવેક્સિન’ નિષ્ક્રિય વેક્સિનની શ્રેણીમાં આવે છે. એનો અર્થ એ છે કે વેક્સિને વાઇરસને નિષ્ક્રિય કરી દીધો છે અને કોઈ પણ શખસને સંક્રમિત કરવાની ક્ષમતા નહીં હોય.

કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના દંતકથાસમાન કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કપિલ દેવે તેમના સુકાનીપદ હેઠળ 1983માં ભારતને પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડ કપ અપાવ્યો હતો.

હોસ્પિટલમાં કપિલ દેવ પર એન્જિયોપ્લાસ્ટી સારવાર કરવામાં આવી છે. એમની તબિયત સ્થિર છે અને ભયમુક્ત છે.

1983ની પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધાની ફાઈનલ મેચમાં કપિલ દેવની આગેવાની હેઠળ ભારતે વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચાટતું કર્યું હતું. ભારત અને એશિયાની કોઈ ટીમનું એ પહેલું જ વર્લ્ડ કપ વિજેતાપદ હતું.

કપિલ દેવે એમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં ટેસ્ટ ક્રિકેટમાં 5000થી વધુ રન કર્યા હતા અને 434 વિકેટ લીધી હતી.

ટેસ્ટ ક્રિકેટમાં કપિલ સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર છે.

કોરોનાના 54,366 નવા કેસ, 690નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 77 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 54,366 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 690 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 77,61,312 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,17,306 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 69,48,497 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 73,979 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 6,95,509એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 89.52 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.51 ટકા થયો છે.

સ્વદેશી કોરોના વેક્સિનનું અંતિમ તબક્કાનું ટ્રાયલ

સ્વદેશી કોરોના વેક્સિનનું અંતિમ તબક્કાનું ટ્રાયલ આવતા મહિને શરૂ થાય એવી શક્યતા છે. ભારત બાયોટેકને ડ્રગ રેગ્યુલેટર તરફથી ત્રીજા તબક્કા માટે ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. DGCIની એક્સપર્ટ કમિટીની મંગળવારે બેઠક હતી. તેમાં રસીના અંતિમ ટ્રાયલને મંજૂરી મળી ગઈ છે. ભારતમાં વેક્સિનના ટ્રાયલમાં 25,000થી વધુ લોકો સામેલ થાય તેવી સંભાવના છે. તેમને 28 દિવસના અંતરાલ પર રસીના બે ડોઝ અપાશે. શરૂઆતના ટ્રાયલમાં રસીનાં પરિણામોએ આશા જગાવી છે. Covaxin પહેલી સ્વદેશી કોરોના વાયરસ રસી છે. તેને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને બનાવી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

કોર્ટ વિશે ટ્વીટ કરવા બદલ કંગના સામે FIR દાખલ

મુંબઈઃ સ્થાનિક કોર્ટના આદેશ પછી ગઈ કાલે એક વકીલે કોર્ટ વિશે અપમાનજનક ટ્વિટ પોસ્ટ કરવા બદલ બોલિવુડ એક્ટ્રેસ કંગના રણોતની સામે એક ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી છે. આ પહેલાં બાંદરા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટના આદેશ પર તેની સામે એક વધુ કેસ નોંધ્યા પછી પોલીસે આવતા સપ્તાહે કંગના રણોત અને તેની બહેનને પૂછપરછ માટે બોલાવી છે. કંગના પર ધાર્મિક ભાવના ભડકાવવાનો અને કલાકારોને હિન્દુ-મુસલમાનોમાં વહેંચવાનો અને સામાજિક દ્વેષને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે.  

અંધેરી કોર્ટમાં વકીલ અલી કાસિફ ખાન દેશમુખે રણોત પર બે ધાર્મિક જૂથો વચ્ચે વિવાદ ઊભા કરવા માટે રાજદ્રોહ અને તેના પર ટ્વીટ કરવાના આરોપ મૂક્યા હતા. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે બોલીવૂડ અભિનેત્રી ભારતના વિવિધ ધાર્મિક જૂથો અને સત્તાવાર સરકારી સંસ્થાઓનું સન્માન નથી જાળવતી અને તેણે કોર્ટની પણ મજાક ઉડાવી હતી.

આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે બાંદરા કોર્ટે પોલીસને કંગના રણોતની સામે રિપોર્ટ સુપરત કરવાના આદેશ પછી  તેણે કોર્ટની સામે બદઇરાદાપૂર્વક અને અપમાનજનક ટ્વીટ પોસ્ટ કરી હતી અને પપ્પુ સેના કહી હતી. આ મામલાની સુનાવણી 10 નવેમ્બરે અંધેરી કોર્ટમાં થશે.

બાંદરા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે શનિવારે પોલીસને કાસ્ટિંગ કાઉચના ડિરેક્ટર મુનવ્વર અલી સૈયદની ફરિયાદ પર તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આ ફરિયાદમાં કંગના રણોત અને તેની બહેન દ્વારા કરવામાં આવેલાં ટ્વીટ્સ અને અન્ય નિવેદનોનો ઉલ્લેખ છે.

 

 

 

 

IPL2020: ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કરો-યા-મરો પરિસ્થિતિ

શારજાહઃ ભૂતકાળમાં 3 વાર ચેમ્પિયન બની ચૂકેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આ વખતની આઈપીએલ સ્પર્ધામાં સૌથી નિરાશાજનક દેખાવ કરીને પોઈન્ટ્સ ટેબલમાં તળિયે છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની આ ટીમ અત્યાર સુધીમાં 10 મેચ રમી ચૂકી છે, પણ 7માં પરાજય સાથે પોઈન્ટ્સ ટેબલમાં સાવ છેલ્લા, 8મા ક્રમે છે.

પ્લે-ઓફ્ફમાં સ્થાન મેળવવાનું એનું સપનું લગભગ ચકનાચૂર થઈ ગયું છે, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેની છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને પરાજય આપતાં એને માટે આશાનું એક કિરણ દેખાયું છે. હવે ચેન્નાઈ ટીમે આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમને હરાવવી પડે. મુંબઈ ટીમ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

આજની મેચ જ નહીં, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સે તેની બાકીની બધી – એટલે કે ચારેચાર જીતવી પડે અને સાથોસાથ એવી પ્રાર્થના કરવી પડે કે અન્ય મેચોમાં પરિણામ પોતાની તરફેણમાં આવશે.

હાલની સ્પર્ધામાં ચેન્નાઈ ટીમે મુંબઈ ટીમને બંને વચ્ચેના છેલ્લા મુકાબલામાં પરાજય આપ્યો હતો, પરંતુ એ પછી ધોનીની ટીમ સતત નિરાશાજનક દેખાવ કરતી આવી છે.

અધૂરામાં પૂરું, ટીમનો ધરખમ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ઈજાને કારણે સ્પર્ધામાંથી આઉટ થઈ ગયો છે. બેટ્સમેન ફાફ ડુ પ્લેસી સરસ ફોર્મમાં છે, પણ શેન વોટસન, અંબાતી રાયડુ અને ખુદ કેપ્ટન ધોની બેટિંગમાં ઝળકી શક્યા નથી.

બોલરો – દીપક ચાહર, શાર્દુલ ઠાકુર અને જોશ હેઝલવુડ કરકસરભરી બોલિંગ કરી રહ્યા છે, પણ બેટ્સમેનો મોટો સ્કોર ખડો કરતા નથી તેથી લડત આપવામાં બોલરો નિષ્ફળ જાય છે.