વર્ષાંત સુધીમાં ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ સંપૂર્ણપણે બંધ કરાશે

ન્યૂયોર્કઃ ટેક્નોલોજી ક્ષેત્રની જાયન્ટ ગૂગલ કંપનીએ સંગીત માટેની એની પોપ્યુલર એપ ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ને બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એને બંધ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. જોકે એ ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું, જ્યારે કંપનીએ યૂટ્યૂબ મ્યુઝિકનો પ્રારંભ કર્યો હતો. કંપનીએ ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ને આઠ વર્ષ પહેલાં 2011માં લોન્ચ કરી હતી. કેટલોક સમય સુધી એને બીટામાં રાખ્યા બાદ 2011ના જ નવેમ્બરમાં એને ફાઇનલ લોન્ચ કરવામાં આવી હતી. જોકે આ એક ડહાપણભર્યું પગલું છે, કેમ કે બંને એપ સ્પષ્ટ રૂપે એક જ કામ કરે છે. એટલે સમાન સર્વિસ આપવા માટે ટેક્નિકલી બે એપની આવશ્યકતા નથી.

આ વર્ષના ઓગસ્ટમાં ગૂગલે કહ્યું હતું કે કંપની હવે ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ (GPM)ને ધીમે-ધીમે બંધ કરશે. ઓક્ટોબર ચાલી રહ્યો છે અને કંપની એના વચન મુજબ એને યૂટ્યૂબ મ્યુઝિકથી રિપ્લેસ કરી રહી છે. જોકે ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ને આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.

જોકે GPM ડેટા યુઝર્સ માટે ડિસેમ્બર, 2020 સુધીમાં ઉપલબ્ધ રહેશે. વળી, ‘ગૂગલ પ્લે મ્યુઝિક યુઝર્સ’ કે જેમણે  સપ્ટેબર કરતાં પણ વધુ સમય માટે સબસ્ક્રિપ્શન ભર્યું છે, તેમને ‘ગૂગલ પ્લે સ્ટોર ક્રેડિટ’માં તબદિલ કરી આપવામાં આવશે.

કેટલોક સમય પહેલાં ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ને અમેરિકામાં વિન્ડોઝ યુઝર્સ માટે બંધ કરવામાં આવી હતી અને હવે એન્ડ્રોઇડ પોલિસીનો એક રિપોર્ટ પણ એ પુષ્ટિ કરે છે કે એન્ડ્રોઇડ એપ માટે પણ એ બંધ કરવાની તૈયારી કરી રહી  છે.

સત્તાવાર શટડાઉન

હવે કંપની ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ને સત્તાવાર શટડાઉન કરવા જઈ રહી છે. ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ એપ ઓપન કરવા પર આ સર્વિસના શટડાઉન કરવાના મેસેજ આપવામાં આવી રહ્યા છે. જોકે તમે ‘ગૂગલ પ્લે મ્યુઝિક’થી યુટ્યુબ મ્યુઝિકમાં ટ્રેક્સને માઇગ્રેટ કરી શકો છો. એપને ઓપન કરવા પર ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ નોં લોંગર અવેલેબલ –મોટા શબ્દોમાં લખેલું છે.

કન્ટેન્ટ યુટ્યુબ મ્યુઝિકમાં ટ્રાન્સફર
અહીંથી ‘ગૂગલ પ્લે મ્યુઝિક’નું કન્ટેન્ટ યુટ્યુબ મ્યુઝિકમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. અહીં મેનેજ યોર ડેટાનો ઓપ્શન પણ આપવામાં આવી રહ્યો છે. એના હેઠળ ‘ગૂગલ પ્લે મ્યુઝિક’ની તમારી લાઇબ્રેરી ડાઉનલોડ થઈ શકશે. અહીં તમે રેકમન્ડેશન હિસ્ટરી પણ ઇચ્છો તો ડિલીટ કરી શકો છો. યુટ્યુબ મ્યુઝિક આવ્યા પછી પ્લે મ્યુઝિકનો કોઈ ખાસ વપરાશ નથી બચ્યો.

યુટ્યુબ મ્યુઝિકની વાત કરીએ તો અહીં તમારી પાસે સબસ્ક્રિપ્શનનો ઓપ્શન છે. પૈસા આપીને તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો. જોકે ગીતો ઇન્ટરનેટ કનેક્ટ કરીને ફ્રીમાં સાંભળી શકો છો, પરંતુ ફ્રી વર્ઝનમાં કોઈ ફીચર નથી મળતા.