Home Blog Page 4572

અમદાવાદમાં સોમવાર સુધી સંપૂર્ણ-બંધ; શનિ-રવિ પણ કર્ફ્યૂ

અમદાવાદઃ દિવાળી બાદ અમદાવાદ શહેરમાં કોરોના કેસોનો રાફડો ફાટતાં ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. મહાનગરપાલિકાએ અત્યંત કડક પગલાં લીધા છે. આવતીકાલ, શુક્રવારે રાતે 9 વાગ્યાથી છેક સોમવાર સવાર સુધી શહેરમાં સંપૂર્ણ બંધ રખાશે. શનિવાર અને રવિવારે દિવસ દરમિયાન પણ કર્ફ્યૂ રહેશે. સોમવારે સવારે 6 વાગ્યાથી દિવસે દુકાનો ખુલશે. સોમવારથી રાત્રિ કર્ફ્યુ યથાવત્ રહેશે. અમદાવાદ શહેરમાં આશરે 60 કલાક સુધી સતત કર્ફ્યૂ રહેશે. અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. આ પહેલાં ગઈ એક ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

કોરોના પરિસ્થિતિ વિશે આજે મોડી રાતે સમીક્ષા કર્યા બાદ ગુજરાતના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાએ આ ટ્વીટ બહાર પાડ્યું હતુંઃ

અમદાવાદમાં નવરાત્રિનો તહેવાર ખાસ કરીને શરદપૂનમ બાદ કોરોનાના કેસોમાં એકદમ ઉછાળો આવ્યો હતો. હવે જ્યારે કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. જેને ધ્યાનમાં લઇને આવતી કાલથી રાત્રે 9 કલાકથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હોવાનું ગુજરાતના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું છે. હવે શિયાળાની ઋતુનો પ્રારંભ થયો છે, જેથી કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એ માટે મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ અમદાવાદ માટે ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છો.

આ સાથે બિનજરૂરી લોકોએ બહાર નહીં નીકળવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ટોળે વળતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદના ખાણીપીણી બજારો અને રાત્રિ બજારો ધમધોકાર ચાલી રહ્યાં હતાં, જેમાં ખૂબ ભીડ ઊમટતી હતી અને લોકો માસ્ક અને સામાજિક અંતરનું  ધ્યાન રાખતાં નહોતા, જેથી શહેરમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે.

કોરોના દર્દીઓ માટે વધારાની વ્યવસ્થા

અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં 400 બેડ, સોલા સિવિલમાં 400 બેડ તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરની જુદી-જુદી ખાનગી હોસ્પિટલોમાં વધુ 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ સરકારી હોસ્પિટલોમાં 2237 અને ખાનગી હોસ્પિટલોમાં 400 બેડ- એમ કુલ 2637 બેડ ખાલી છે.

આ ઉપરાંત 108 ઇમર્જન્સી સર્વિસની હાલ 20 એમ્બ્યુલન્સ ઉપરાંત 20 વધારાની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી સરકાર દ્વારા 300 ડોક્ટર અને 300 મેડિકલ સ્ટુડન્ટની ફાળવણી કરવામાં આવી છે.

ડો. રાજીવ ગુપ્તાનું વિડિયો નિવેદનઃ

 

અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત

 

CBI-તપાસ માટે રાજ્ય સરકારની મંજૂરી જરૂરીઃ SC

નવી દિલ્હીઃ કોઈ પણ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન) દ્વારા તપાસ કરાવતાં પહેલાં જે તે રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. કેન્દ્રીય એજન્સી રાજ્ય સરકારની મંજૂરી વગર તપાસ કરી ન શકે. આઠ રાજ્યો દ્વારા સામાન્ય મંજૂરીને પરત લીધા પછી સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. આ જોગવાઈઓ બંધારણના સંઘીય ચરિત્રને સુસંગત છે, જે એની મૂળભૂત રચનાઓમાંની એક હોવાનું માનવામાં આવે છે, એમ જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને બી.આર. ગવઈની ખંડપીઠે કહ્યું હતું.

દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (DSPE) એક્ટની કલમ પાંચ અને છ હેઠળ જે વિશેષ સત્તા અને અધિકાર ક્ષેત્ર માટે સીબીઆઇએ કોઈ પણ કેસની તપાસ પહેલાં સંબંધિત રાજ્ય સરકારથી મંજૂરી લેવી જરૂરી છે. જોકે DSPE એક્ટની કલમ પાંચ કેન્દ્ર સરકારને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપર સીબીઆઇની સત્તા અને અધિકાર ક્ષેત્રનો વિસ્તાર કરવા માટે સક્ષમ બનાવે છે, પણ જ્યાં સુધી DSPE એક્ટની કલમ 6 હેઠળ રાજ્ય સંબંધિત ક્ષેત્રની અંદર આ પ્રકારે વિસ્તાર માટે મંજૂરી નથી આપતું, ત્યાં સુધી એ સ્વીકાર્ય નથી.જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ ગવઈની ખંડપીઠે આ ચુકાદો ઉત્તર પ્રદેશમાં ફર્ટિકો માર્કેટિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને અન્યની સામે સીબીઆઇ દ્વારા નોંધાયેલા કેસ સંભળાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટએ આ ચુકાદો કેટલાક આરોપીઓએ, ખાનગી અને સરકારી સેવકો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સામે આવ્યો છે, જેમાં ભ્રષ્ટાચારના કેસમાં તેમની સામેની સીબીઆઇની તપાસને માન્યતાને પડકારતી હતી કે રાજ્ય સરકારની તપાસ માટે પૂર્વ સંમતિ લેવામાં નથી આવી. આ અપીલમાં ફર્ટિકો માર્કેટિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રા. લિ. અને અન્ય લોકો સામે અલાહાબાદ હાઈકોર્ટે ઓગસ્ટ, 2019માં આપેલા ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. કોર્ટનું અવલોકનને મહત્ત્વ એટલા માટે  વધારે મહત્ત્વનું છે, કારણ કે તાજેતરમાં પંજાબ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ અને છત્તીસગઢની સરકારોએ સીબીઆઇ તપાસની સામાન્ય સંમતિ પાછી ખેંચી હતી.

 

 

 

અક્ષયકુમારે યૂટ્યૂબર પર 500-કરોડનો માનહાનિનો દાવો માંડ્યો

મુંબઈઃ પોતાની વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે એક યૂટ્યૂબ યુઝર પર રૂ. 500 કરોડનો માનહાનિનો દાવો માંડ્યો છે. રાશીદ સિદ્દિકી નામના એ યૂટ્યૂબરે એક ફેક ન્યૂઝમાં એવો દાવો કર્યો હતો કે સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસમાં અભિનેત્રી રીયા ચક્રવર્તીને ભારતમાંથી કેનેડામાં છટકી જવામાં અક્ષય કુમારે મદદ કરી હતી.

સુશાંતસિંહના કેસમાં આ પહેલાં ખોટા સમાચાર ફેલાવવા બદલ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને રાજ્યના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેનું નામ ઢસડવા બદલ સિદ્દિકીની ધરપકડ કરવામાં આવી હતી. એણે પોતાના અનેક વિડિયોમાં અક્ષય કુમારનું નામ અનેક વાર લીધું હતું અને એની વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. એક વિડિયોમાં એણે એમ કહ્યું હતું કે સુશાંતસિંહને ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ જેવી મોટી ફિલ્મો મળતી હોવાથી અક્ષય નારાજ હતો. અક્ષયે આદિત્ય ઠાકરે અને મુંબઈ પોલીસ સાથે ગુપ્ત બેઠકો યોજી હતી.

સિદ્દિકી બિહારનો સિવિલ એન્જિનીયર છે. માનહાનિના કેસમાં એને આરોપી ગણાવાયો છે. કહેવાય છે કે સિદ્દિકીએ આવા વિડિયો પોસ્ટ કરીને ચાર મહિનાના ગાળામાં રૂ. 15 લાખની કમાણી કરી હતી અને એના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 2 લાખથી વધીને 3 લાખ થઈ ગઈ હતી.

દુકાનદારને દુકાનના નામમાં ‘કરાચી’ શબ્દ ઢાંકવો પડ્યો

મુંબઈઃ અહીંના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં આવેલી ‘કરાચી સ્વીટ્સ’ નામની મીઠાઈની દુકાનના નામમાંથી ‘કરાચી’ શબ્દને ઢાંકી દેવાની તેના માલિકને ફરજ પડી છે. શિવસેનાના નેતા નીતિન નાંદગાંવકરે દુકાનમાં જઈને તેના માલિકને કહ્યું હતું કે તમને વિનંતી સાથે કહું છું કે તમે તમારી દુકાનના નામમાંથી કરાચી શબ્દ કાઢી નાખો, કારણ કે પાકિસ્તાનનું એ શહેર ત્રાસવાદીઓની ધરતી છે અને ત્યાંના ત્રાસવાદીઓને કારણે આપણા જવાનોના જાન જાય છે.

પોતે જ ફેસબુક પર શેર કરેલા વિડિયોમાં નાંદગાંવકર દુકાનમાલિકને એવું કહેતા સંભળાય છે કે તમે મુંબઈમાં ભલે ધંધો કરો, પણ દુકાનના નામમાં કરાચી શબ્દ ન રાખો. કરાચી શબ્દથી અમને બહુ તકલીફ થાય છે. તમારી દુકાનને તમારું કે તમારા પરિવારનું નામ આપો, પણ કરાચી શબ્દ નહીં ચાલે. હું તમને એ માટે સમય આપું છું. તમારે નામ બદલવું જ પડશે. તમે કરાચી નામ બદલી નાખશો તે પછી હું તમારી દુકાનમાં આવીશ અને ખાઈશ.

દુકાનમાલિકે પોતાનું નામ જાહેર કરવાની અનિચ્છા બતાવી છે, પણ એમણે બાદમાં પોતાની દુકાનના બોર્ડ પરના નામને છાપાના કાગળોથી ઢાંકી દીધું હતું. વિડિયોમાં એ નાંદગાંવકર સમક્ષ એવો ખુલાસો કરતા હતા કે ભારતના ભાગલા થયા એ પહેલાં એમના પૂર્વજો કરાચીમાં રહેતા હતા. પૂર્વજોની યાદને ખાતર એણે દુકાનના નામમાં કરાચી શબ્દ રાખ્યો છે, બાકી પાકિસ્તાન સાથે અમારે કશી લેવાદેવા નથી. દુકાનદારે બાદમાં પત્રકારોને કહ્યું કે નીતિન નાંદગાંવકરે એકદમ નમ્રતાપૂર્વક વાત કરી હતી અને નામ બદલી નાખવાનું કહ્યું હતું. હું આ મુદ્દે કોઈ મુસીબત ઊભી થાય એવું ઈચ્છતો નથી. દુકાનના નામમાંથી કરાચી શબ્દ કાઢી નાખવો કે નહીં એ વિશે હું મારા વકીલો સાથે મસલત કરીશ.

પાકિસ્તાનસહિત 12-દેશો માટે UAEનો વિઝા-પ્રતિબંધ; ભારત બાકાત

ઇસ્લામાબાદઃ સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)એ પાકિસ્તાન સહિત 12 દેશોના પ્રવાસીઓ માટે નવા વિઝિટ વિઝા જારી કરવા માટે હંગામી ધોરણે પ્રતિબંધ મૂક્યો છે. આ 12 દેશોમાં ભારતનો સમાવેશ કરાયો નથી. પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે બુધવારે આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે યુએઈના અધિકારીઓ દ્વારા લેવામાં આવેલો નિર્ણય દેશમાં કોરોના વાઇરસની બીજી લહેરને સંબંધિત માનવામાં આવે છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હાફિસ ચૌધરીએ કહ્યું હતું કે યુએઈએ પાકિસ્તાન સહિત 12 દેશો માટે હંગામી ધોરણે નવા પ્રવાસી વિઝા જારી કરવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે તેમણે કહ્યું હતું કે પહેલેથી જારી કરાયેલા વિઝા માટે આ પ્રતિબંધ લાગુ નહીં પડે.

યુએઈ સરકારે પાકિસ્તાન ઉપરાંત તુર્કી, ઈરાન, યમન, સિરિયા, ઈરાક, સોમાલિયા, લિબિયા, કેન્યા અને અફઘાનિસ્તાનના લોકો પર પ્રવાસી વિઝા જારી કરવા માટે પ્રતિબંધ મૂક્યો છે. યુએઈ સરકારનો આ નિર્ણય પાકિસ્તાનમાં કોવિડ-19ના કેસો વધી જતાં લેવામાં આવ્યો છે.

ગયા જૂનમાં યુએઈએ પાકિસ્તાનમાં કોરોનાના કેસ વધી જતાં પ્રવાસી સેવાઓ પર હંગામી રીતે પ્રતિબંધની ઘોષણા કરી હતી. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 3,65,927 કેસ નોંધાયા છે.

ત્રણ-ચાર મહિનામાં કોરોના-રસી આવી જશેઃ ડો.હર્ષવર્ધનને વિશ્વાસ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતાના પ્રધાન ડો. હર્ષવર્ધને આજે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોવિડ-19 રસી આવતા ત્રણ-ચાર મહિનામાં તૈયાર થઈ જશે. એમણે એમ પણ કહ્યું કે દેશના તમામ 135 કરોડ નાગરિકોને આ રસી પૂરી પાડવામાં આવશે અને વૈજ્ઞાનિક મૂલ્યાંકનના આધારે રસી આપવામાં પ્રાધાન્ય નક્કી કરવામાં આવશે.

કોરોના વાઈરસ અંગે FICCI FLO દ્વારા આયોજિત એક વેબિનારમાં સંબોધન કરતી વખતે ડો. હર્ષવર્ધને કહ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રના કર્મચારીઓ અને કોરોના યોદ્ધાઓને રસી પહેલા આપવામાં આવશે. ત્યારબાદ મોટી ઉંમરવાળા લોકોને તથા રોગના શિકાર બનવાનું જોખમ વધારે હોય એવા લોકોને આપવામાં આવશે રસીકરણ માટે વિસ્તૃત આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ બાબતમાં બ્લુપ્રિન્ટ તૈયાર કરવા વિશે ચર્ચા કરવા એક ઈ-વેક્સિન ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મની રચના પણ કરવામાં આવી છે. એવી આશા છે કે 2021નું વર્ષ આપણા સહુના માટે વધારે સારું બની રહેવું જોઈએ.

ડો. હર્ષવર્ધને વધુમાં કહ્યું કે આવતા વર્ષના જુલાઈ-ઓગસ્ટ સુધીમાં 25-30 કરોડ લોકો માટે કોરોના વેક્સિનના 40-50 કરોડ ડોઝ ઉપલબ્ધ કરવામાં આવશે. આપણા વિજ્ઞાનીઓ કોરોના રસીને વિક્સાવવાના સંશોધનમાં અન્ય કરતાં ઘણા આગળ છે. આવતા બે મહિનામાં તો આપણી પાસે રસી આવી જશે એવો અમને વિશ્વાસ છે.

એટીએમ કેશ-વેન લૂંટઃ 3ની ધરપકડ, 4.25 કરોડ પાછા મેળવાયા

મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લા-શહેરમાં એક એટીએમ મશીનમાં રીફિલ કરવા માટેની આશરે રૂ. 4.25 કરોડની રકમની લૂંટના સંબંધમાં પોલીસે ત્રણ જણની ધરપકડ કરી છે. આમાં કેશ વેનના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. પકડાયેલાઓના નામ છે – રોહિત આરુ, અક્ષય પ્રભાકર મોહતે અને ચંદ્રકાંત ગુલાબ ગાયકવાડ.

પાલઘરના એક એટીએમ મશીનમાં રીફિલ કરવા માટેના રૂપિયા 4 કરોડ 25 લાખની રોકડ સાથેની કેશ વેન સાથે ડ્રાઈવર ગઈ 12 નવેમ્બરે ફરાર થઈ ગયો હતો. ફરિયાદ નોંધાવાયા બાદ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરાઈ હતી અને ચાંપતું પેટ્રોલિંગ શરૂ કરાયું હતું. તે વેન ગઈ કાલે સવારે લાવારિસ હાલતમાં મળી આવી હતી. વેનમાંથી રૂ. 2.33 કરોડ મળી આવ્યા હતા જ્યારે બાકીના રૂ. 1.88 કરોડ આરોપી ડ્રાઈવરની ધરપકડ બાદ જપ્ત કરાયા હતા.

ડ્રાઈવરને આ ગુનામાં સાથ આપનાર એના બે મિત્રની પણ ધરપકડ કરાઈ છે. સિક્યુરિટી કંપની પાસેથી ડ્રાઈવર વિશેની માહિતી મેળવ્યા બાદ પોલીસે વધુ તપાસ આદરી હતી અને એના એક મિત્રની પૂછપરછ કરી હતી. ડ્રાઈવર એના એક મિત્રના ઘરમાં રહેતો હતો. પોલીસે ત્યાં જઈ એને પકડી લીધો હતો.

અમદાવાદમાં કારઅકસ્માતમાં સાઇકલચાલકનું મોત

અમદાવાદઃ શહેરના નહેરુ બ્રિજ પરથી પસાર થતા અજાણ્યા સાઇકલચાલક પર કાર ફરી વળતાં ઘટના સ્થળે જ એનું મોત નીપજ્યું હતું. શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય માટે જુદી-જુદી યોજના હેઠળ સરકારે મોટી સંખ્યામાં વાહનો ભાડે લીધાં છે. આજે ‘ વડીલો ની સુખાકારી’ નામક યોજના ની અલ્ટો કાર લાલ દરવાજાથી આશ્રમ રોડ તરફ જતી હતી એ વેળા એ કારનો સાઇકલ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સાઇકલચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જાતાં નહેરુ બ્રિજ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળ પર આવી ઝીણવટ ભરી તપાસ કરી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે એક્સિડન્ટ રિસર્ચ કરતી ટીમ પર આવી પહોંચી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજ દબાણો ના થાય , વાહનો પાર્ક કરી લોકો અડિંગો ના જમાવે એ માટે પોલીસ પેટ્રોલિંગ જરૂરી છે. અજાણ્યા સાઇકલચાલક પર જે કાર ફરી વળી એ ખાનગી ભાડાની કાર પર ‘એએમસી ઓન ડ્યુટી ‘નું કાગળ ચોંટાડવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

કોરોનાના કેસોની સંખ્યા 89 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 89 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,576 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 585 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 89,58,483 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,31,578  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 83,83,602 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,43,303એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.58 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.

કોરોના કેસનો રાફડો

વડોદરાના નોડલ ઓફિસર શીતલ મિસ્ત્રીએ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે આગામી 15 દિવસમાં કોરોના કેસનો રાફડો ફાટશે. દિવાળીમાં નિયમ ભંગથી સ્થિતિ વિકટ બની રહી છે. તેમણે નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. કોરોના વિસ્ફોટ માટે તહેવારોમાં બજારોમાં લોકોએ માર્ગદર્શિકાનો કરેલ ભંગ કારણભૂત હોવાનો ખુલાસો કર્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ અથડામણમાં ચાર આતંકવાદીને ઠાર કર્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના નગરોટામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. સવારે પાંચ કલાકે આશરે અથડામણ શરૂ થઈ હતી. હાલ આ અથડામણ પૂરી થઈ ગઈ છે, પણ સર્ચ ઓપરેશન જારી છે. જમ્મુ-કાશ્મીર હાઇવેને બંધ કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે ચાર આતંકવાદીઓ ટ્રકમાં છુપાયેલા હતા અને ટ્રકમાં તેમને ઢેર કરવામાં આવ્યા હતા. જોકે આ અથડામણમાં એસઓજીના બે જવાન પણ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે જીએમસીમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને બાજુથી કેટલાય રાઉન્ડ ધુંઆધાર ફાયરિંગ થયું હતું.

મોટી દુર્ઘટના ટળી

પ્રાપ્ત માહિતી અનુસાર ચારે આતંકવાદીઓ એક ટ્રકમાં સવાર હતા, જેવું ફાયરિંગ શરૂ થયું કે તરત સુરક્ષા દળોએ સક્રિયતા બતાવતાં ટ્રકને ઘેરી લીધી હતી અને આતંકવાદીઓને ટ્રકથી બહાર નીકળવા નહોતા દીધા, કેમ કે આ જંગલ વિસ્તાર હતો. જો આતંકવાદીઓ ટ્રકમાંથી બહાર આવી જાત તો અથડામણ લાંબી ચાલત. સુરક્ષા દળોની ચપળતાએ આતંકવાદીને ટ્રકથી બહાર નહીં આવવા દીધા, જેથી મોટી દુર્ઘટના ટળી ગઈ. આતંકવાદીઓ પાસે આધુનિક હથિયાર હતાં, પણ સુરક્ષા દળોએ આતંકવાદીઓને બે કલાકમાં જ આતંકવાદીઓને ખતમ કરીને ઓપરેશન ખતમ કર્યું હતું.
હાલ સુરક્ષા દળો એ વાતની ખાતરી કરી રહ્યા છે કે આતંકવાદીઓની સંખ્યા ચાર હતી. એના માટે તેઓ જંગલોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આના પહેલાં 31 જાન્યુઆરીએ પણ આ પ્રકારે ટ્રકમાં આતંકવાદીઓ આવ્યા હતા અને તેઓ જંગલોમાં છુપાઈ ગયા હતા. જોકે સુરક્ષા દળોએ તેમને પણ ઢેર કર્યા હતા.