અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, 8થી વધુના મોતની આશંકા

અમદાવાદ: વસ્ત્રાલમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગનો બનાવ બન્યો. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. આ દુર્ઘટનામાં 8થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હોવાની આશંકા છે. બપોરના સમયે રામોલ-ગતરાડ રોડ પરની મહેમુદપુરા ટેલેન્ટ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. સમગ્ર ઘટનાને પગલે અસલાલી-મીની ફાઇટર, ગજરાજ, એમ્બ્યુલન્સ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી.ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોમાંથી 5ને એલજી હોસ્પિટલ અને 4 લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે ઘટનાની જાણ થતાં મેયર, કમિશનર સ્થળ પર પહોંચ્યા છે. મેહુલ ડોડિયા નામનો વ્યક્તિ ફેક્ટરી ચલાવતો હોવાનું જણાય છે. દુર્ઘટનાને લઈને સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખવામાં આવ્યો છે.

ફટાકડાની ફેક્ટરીમાં 8થી 10 લોકો કામ કરતા હતા

અમદાવાદ ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ રામોલથી ગતરાડ જતા મહેમુદપુરા ટેલેન્ટ પાસે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા પાંચ જેટલી ગાડીઓ અને ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની ગાડીઓએ સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો.

વસ્ત્રાલ RAF કેમ્પમાં ફરજ બજાવતા જવાનો તાત્કાલિક દોડી ગયા

ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવા અંગેનો અવાજ આવતાની સાથે જ વસ્ત્રાલ RAF કેમ્પમાં ફરજ બજાવતા જવાનો પણ તાત્કાલિક દોડી ગયા હતા. કેમ્પની પાછળના ભાગે જ આ ફેક્ટરી આવેલી છે જેમાં ધડાકાનો અવાજ આવતા તેઓ દોડીને આવ્યા હતા અને ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં જે લોકો ઘાયલ થયા હતા અને ફસાયા હતા તેને બહાર કાઢી લીધા હતા.ફેક્ટરીનું લાયસન્સ રદ હોવા છતાં ચાલુ હતી

સેક્ટર 2 જેસીપી જયપાલસિંહ રાઠોડના જણાવ્યા મુજબ રામોલ-ગતરાડ રોડ ઉપર આવેલા RAF કેમ્પની પાછળ ખુલ્લા ખેતરમાં શેડ જેવું બનાવી મેહુલ ડોડીયા નામનો વ્યક્તિ ફટાકડાની ફેક્ટરી ચલાવતો હતો. આ વ્યક્તિનું ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ પહેલાંથી જ રદ કરી દેવામાં આવેલું હતું. તેમ છતાં તેણે ફટાકડાની ફેક્ટરી ચાલુ રાખી હતી. 8 જેટલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. રામોલ પોલીસ દ્વારા સમગ્ર મામલે એક્સપ્લોઝિવ એક્ટ અને અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે.