અક્ષયકુમારે યૂટ્યૂબર પર 500-કરોડનો માનહાનિનો દાવો માંડ્યો

મુંબઈઃ પોતાની વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે એક યૂટ્યૂબ યુઝર પર રૂ. 500 કરોડનો માનહાનિનો દાવો માંડ્યો છે. રાશીદ સિદ્દિકી નામના એ યૂટ્યૂબરે એક ફેક ન્યૂઝમાં એવો દાવો કર્યો હતો કે સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસમાં અભિનેત્રી રીયા ચક્રવર્તીને ભારતમાંથી કેનેડામાં છટકી જવામાં અક્ષય કુમારે મદદ કરી હતી.

સુશાંતસિંહના કેસમાં આ પહેલાં ખોટા સમાચાર ફેલાવવા બદલ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને રાજ્યના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેનું નામ ઢસડવા બદલ સિદ્દિકીની ધરપકડ કરવામાં આવી હતી. એણે પોતાના અનેક વિડિયોમાં અક્ષય કુમારનું નામ અનેક વાર લીધું હતું અને એની વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. એક વિડિયોમાં એણે એમ કહ્યું હતું કે સુશાંતસિંહને ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ જેવી મોટી ફિલ્મો મળતી હોવાથી અક્ષય નારાજ હતો. અક્ષયે આદિત્ય ઠાકરે અને મુંબઈ પોલીસ સાથે ગુપ્ત બેઠકો યોજી હતી.

સિદ્દિકી બિહારનો સિવિલ એન્જિનીયર છે. માનહાનિના કેસમાં એને આરોપી ગણાવાયો છે. કહેવાય છે કે સિદ્દિકીએ આવા વિડિયો પોસ્ટ કરીને ચાર મહિનાના ગાળામાં રૂ. 15 લાખની કમાણી કરી હતી અને એના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 2 લાખથી વધીને 3 લાખ થઈ ગઈ હતી.