
(મયંક રાવલ)

(મયંક રાવલ)
કેવડિયા (ગુજરાત): ‘દેશમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી એ માત્ર વિચારવિમર્શનો મુદ્દો નહીં બલકે દેશની આવશ્યકતા છે અને આ વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે,’ એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું. તેમણે રાજ્ય વિધાનસભાઓમાં અધ્યક્ષપદ સંભાળતા અધિકારીઓ (પ્રિસાઈડિંગ ઓફિસર્સ)ના 80મા અખિલ ભારતીય સંમેલનના સમાપન સત્રને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કર્યું હતું. બે-દિવસીય સંમેલન બુધવારે શરૂ થયું હતું, જેનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું હતું. 
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘વન નેશન, વન ઇલેક્શન’ માત્ર ચર્ચાનો વિષય નથી, બલકે ભારતની આવશ્યકતા છે. દરેક મહિને ભારતમાં ક્યાંકને ક્યાંક ચૂંટણી થતી રહે છે, જેનાથી વિકાસ કાર્યો પર અસર પડે છે. આવામાં ‘વન નેશન, વન ઇલેક્શન’ મુદ્દા પર મંથન કરવાની જરૂર છે. લોકસભા, વિધાનસભા તથા અન્ય ચૂંટણીઓ માટે માત્ર એક જ મતદારયાદી હોવી જોઈએ. આપણે મતદારયાદીઓ પાછળ સમય અને પૈસા શા માટે વેડફી રહ્યા છીએ?’ મોદીએ સંસદ અને વિધાનસભાઓના ડિજિટલકરણ ઉપર પણ ભાર મૂક્યો હતો અને આ દિશામાં પગલાં લેવા કહ્યું હતું. તેમણે કહ્યું કે આનું સંપૂર્ણ ડિજિટાઇઝેશન કરવાનો સમય આવી ગયો છે.
તેમણે કહ્યું હતું કે આપણા કાયદાની ભાષા બહુ સરળ અને સામાન્યજનને સમજમાં આવે એવી હોવી જોઈએ. એવી પ્રક્રિયા લાગુ કરવી જોઈએ કે જેવો આપણે જૂના કાયદામાં સુધારો કરીએ એટલે જૂનો કાયદો આપોઆપ રદ થઈ જાય. પ્રિસાઈડિંગ ઓફિસરોના રાષ્ટ્રીય સંમેલનની શરૂઆત 1921માં કરવામાં આવી હતી. આમ, આ તેનું શતાબ્દી વર્ષ છે.
બલાલી (હરિયાણા): દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા કુસ્તીબાજ કોચ મહાવીર ફોગાટની નાની દીકરી સંગીતાએ કુસ્તીબાજ બજરંગ પુનિયા સાથે લગ્ન કરી લીધાં છે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી બંનેએ સાદાઈથી લગ્ન કર્યા છે. ગઈ કાલે બુધવારે યોજાઈ ગયેલા લગ્ન સમારંભમાં મહેમાનોની સંખ્યા પણ ઓછી રખાઈ હતી. સંગીતાએ એની મોટી બહેનો – બબીતા અને ગીતાની જેમ લગ્નના સાતને બદલે આઠ ફેરા ફર્યાં હતાં.
બજરંગ (26) અને સંગીતા (22), બંને જણ વ્યાવસાયિક કુસ્તીબાજ છે. આવતા વર્ષે ટોકિયોમાં યોજાનાર ઓલિમ્પિક્સ માટે બજરંગે તૈયારીમાં શરૂ કરી દીધી છે. બંને જણ ઓલિમ્પિક્સ બાદ લગ્ન કરવા ઈચ્છતા હતા, પણ કોરોના વાઈરસને કારણે ઓલિમ્પિક્સ ગેમ્સ આ વર્ષે યોજાઈ નહીં અને આવતા વર્ષ સુધી મુલતવી રખાઈ છે એટલે બંનેએ આ જ વર્ષે હવે લગ્ન કરી લેવાનો નિર્ણય લીધો. બંને જણ પહેલાં સોનીપતમાં કુસ્તીબાજો માટેની એક તાલીમ શિબિરમાં મળ્યાં હતાં. સંગીતા જાણીતી કુસ્તીબાજ બહેનો ગીતા અને બબીતાની નાની બહેન છે અને મિક્સ્ડ માર્શલ આર્ટ્સની સ્ટાર રીતુ ફોગાટ અને રિયો-2016 ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર કુસ્તીબાજ વિનેશ ફોગાટની પિતરાઈ બહેન છે.
બજરંગે લગ્નની તસવીરો પોતાના સોશિયલ મિડિયા પર શેર કરી છે. લગ્ન માટે બજરંગ અને સંગીતા પર અભિનંદનનો વરસાદ વરસ્યો છે.
નવી દિલ્હીઃ કોવિડ-19ને લીધે ઓટો ઇન્ડસ્ટ્રી માટે વર્ષ 2020 ઘણું ખરું નિરાશાજનક રહ્યું છે. માત્ર તહેવારોની સીઝનમાં ઓટો કંપનીઓનું વેચાણ નોંધપાત્ર રહ્યું હતું. ટાટા મોટર્સ માટે વર્ષ 2021 બહુ ખાસ રહેવાનું છે, કારણ કે આવતા વર્ષે કંપની કેટલીક શાનદાર નવી કારોને લોન્ચ કરવાની છે. આજે આપણે ટાટા મોટર્સની એ નવી કારો પર નજર નાખીશું, જે વર્ષ 2021માં લોન્ચ થવાની છે.
ટાટા ગ્રેવિટાસ SUV
ટાટા હેરિયર SUVની જબરદસ્ત સફળતાને જોતાં ટાટા મોટર્સ ટૂંક સમયમાં ટાટા ગ્રેવિટાસ SUV 2021ના પ્રારંભમાં લોન્ચ કરવાની છે. આ SUV હેરિયરથી ઘણી મોટી છે અને એમાં પાવરફુલ એન્જિન છે. આ SUV જે લોકોના મોટા પરિવાર છે, તેમને માટે ગ્રેવિટાસ એક પરફેક્ટ SUV સાબિત થવાની છે. ગ્રેવિટાસને સૌથી પહેલાં ઓટો એક્સ્પો 2020માં રજૂ કરવામાં આવી હતી, ત્યારે ભારતીય ગ્રાહકો એના લોન્ચિંગની રાહ જોઈ રહ્યા છે. 
ટાટા અલ્ટ્રોઝ EV લોન્ચ થશે
કંપની હવે હેચબેકનો ઇલેક્ટ્રિક અવતાર માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટાટા અલ્ટ્રોઝ EVમાં 30 KWHની ક્ષમતાની લિથિયમ-આયર્ન બેટરીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી EV કુલ ચાર્જ થવા પર 350 કિલોમીટર સુધી ચાલશે. આ કારની કિંમત રૂ. 10 લાખની આસપાસ હોવાની શક્યતા છે. આ સાથે ટાટા ટિગોર EV ફેસલિફ્ટ અને ટાટા ટિએગો EV ફેસલિફ્ટ પણ લોન્ચ કરશે. આ કાર ફુલ ચાર્જિંગમાં 213 કિલોમીટરની રેન્જ આપવામાં સક્ષમ હશે. જોકે આ કાર 2021ના અંત ભાગમાં લોન્ચ થશે. આ ઉપરાંત ટાટા અલ્ટ્રોઝ ટર્બો પેટ્રોલ વેરિયન્ટમાં લોન્ચ કરે એવી શક્યતા છે. આ કારની કિંમત રૂ. આઠ લાખથી શરૂ થશે.
મુંબઈઃ દેશ અને સમગ્ર દુનિયા ભયાનક કોરોના વાઈરસ રોગચાળાથી ગ્રસ્ત અને પરેશાન છે. આ મહાબીમારીને રોકવા માટેની રસી નિર્માણ ઉપર પણ ભારત સહિત અનેક દેશોમાં કામ ચાલુ છે ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે કોરોના રસી વહેલી તકે ઉપલબ્ધ થાય અને દુનિયા કોરોના મહાબીમારીમાંથી મુક્ત થાય એ માટે આજે દેવઉઠી એકાદશી નિમિત્તે પંઢરપુર યાત્રાધામના વિઠોબા મંદિરમાં જઈને પૂજા કરી હતી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજીત પવારે એમના પત્ની સુનેત્રા પવાર સાથે સોલાપુર જિલ્લામાં આવેલા પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમાં જઈને કાર્તિકી એકાદશી નિમિત્તે ભગવાન વિઠોબા અને માતા રુકમિણીની પરંપરાગત મહાપૂજા કરી હતી. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે – 17,95,959. મુંબઈમાં આ રોગના કેસની સંખ્યા 2,78,590 પર પહોંચી છે.
બાદમાં પવારે એક નિવેદનમાં કહ્યું હતું કે આજે આખું જગત કોવિડ-19ના પડકારનો સામનો કરી રહ્યું છે. આપણે પણ એ પડકારનો સક્ષમ રીતે સામનો કરી રહ્યા છીએ… કોવિડ-19 રસી વહેલી તકે ઉપલબ્ધ થાય અને દુનિયા આ રોગચાળાથી મુક્ત થઈ જાય એવી મેં ભગવાનને પ્રાર્થના કરી છે. મને વિશ્વાસ છે કે ભગવાન આ તકલીફનો અંત લાવી દેશે. તેવી જ રીતે, આ વર્ષે ભારે વરસાદને કારણે જે ખેડૂતોને માઠી અસર પડી છે એમને પણ સરકાર પર્યાપ્ત રાહત પૂરી પાડી શકે એવી શક્તિ આપવાની પણ ભગવાનને પ્રાર્થના કરી છે.
બર્લિનઃ એશિયામાં ભ્રષ્ટાચારનો સૌથી વધુ દર ભારતમાં છે અને જાહેર સેવાઓનો ઉપયોગ કરનારા લોકોમાં વ્યક્તિગત સંબંધનો ઉપયોગ કરવાવાળાઓની સંખ્યા સૌથી વધુ છે, એમ ભ્રષ્ટાચારના દૂષણ પર દેખરેખ રાખતી સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલનો અહેવાલ કહે છે.
ગ્લોબલ કરપ્શન બેરોમીટર (GCB)-એશિયાને માલૂમ પડ્યું છે કે લાંચ ચૂકવનાર આશરે 50 ટકા લોકોએ એમ કહ્યું કે એમને કામ કરાવવા માટે લાંચ આપવા જણાવાયું હતું, જ્યારે 32 ટકા એવા લોકો છે જેમણે એમના અંગત સંબંધોનો ઉપયોગ કર્યો હતો, કારણ કે એમને ખાતરી હતી કે એમ નહીં કરે તો એમનું કામ નહીં થાય. આ સર્વે આ વર્ષની 17 જૂનથી 17 જુલાઈની વચ્ચે ભારતમાં 2000 લોકો પર કરવામાં આવ્યો હતો. ભારતમાં ભ્રષ્ટાચારનો દર 39 ટકા છે, જે એશિયામાં સૌથી ઊંચો છે. જ્યારે અંગત સંબંધોનો ઉપયોગ કરીને કામ કઢાવનારાઓનો દર 46 ટકા છે. દેશમાં જાહેર સેવાઓમાં ભ્રષ્ટાચાર પ્લેગના રોગની જેમ પ્રસરેલો છે. સરકારી નોકરોની ધીમી અને જટિલ કાર્યપદ્ધતિ, બિનજરૂરી કાયદા-કાનૂન અને અસ્પષ્ટ રેગ્યુલેટરી માળખાઓને કારણે નાગરિકો પરિચિતો મારફત કે ભ્રષ્ટાચારના નેટવર્કના માધ્યમથી પાયાની સેવાઓ મેળવવા માટે વૈકલ્પિક સમાધાન મેળવવા મજબૂર થાય છે.
આ સર્વેમાં આશરે 63 ટકા લોકોનું માનવું હતું કે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરસ રીતે કામગીરી બજાવી રહી છે, જ્યારે 73 ટકા લોકોએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર-વિરોધી એજન્સી ભ્રષ્ટાચારની વિરુદ્ધ સારી કામગીરી બજાવી રહી છે. 63 ટકા લોકોનું એવું માનવું છે કે જો તેઓ લાંચ નહીં ચૂકવે તો સરકારી કર્મચારીઓ એમની સામે વેર લેશે એવો તેમને ડર રહે છે. 17 દેશોમાં કરવામાં આવેલા ફીલ્ડવર્કને આધારે GCB કુલ મળીને આશરે 20,000 નાગરિકોનું સર્વેક્ષણ કર્યું હતું. ભારત પછી કંબોડિયા 37 ટકા સાથે બીજા ક્રમે આવે છે. ત્યાર બાદ ઇન્ડોનેશિયા 30 ટકા, નેપાળ 12 ટકા, દક્ષિણ કોરિયા 10 ટકા આવે છે. માલદીવ અને જાપાનમાં ભ્રષ્ટાચારનો દર સૌથી ઓછો છે – બે ટકા.
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીના કેસોની સંખ્યા દેશમાં ફરી વધી જતાં અને આ રોગ સંબંધિત મરણનો આંક પણ વધી જતાં કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ પર મૂકેલો પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે.
દેશમાં નાગરી વિમાનસેવા ક્ષેત્રની રેગ્યુલેટર સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) મારફત સરકારે આ નિર્ણય લીધો છે. આનો મતલબ એ કે 31 ડિસેમ્બર સુધી દેશમાંથી કોઈ પેસેન્જર ઈન્ટરનેશનલ ફ્લાઈટ ઉપડશે નહીં કે વિદેશમાંથી ભારતમાં આવશે નહીં.
જોકે આ સમયગાળા દરમિયાન ‘વંદે ભારત મિશન’ અંતર્ગત વિમાન સેવા ચાલુ રહેશે. આ મિશન અંતર્ગત ભારત સરકાર સ્પેશિયલ ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.
નવી દિલ્હીઃ મુંબઈ પરના આતંકવાદી હુમલાની આજે 12મી વરસી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત 2008ની 26 નવેમ્બરે કરાયેલા એ હુમલા દરમ્યાન થયેલાં જખમોને ક્યારેય ભૂલશે નહીં અને દેશ હવે નવી નીતિઓની સાથે આતંકવાદનો સામનો કરી રહ્યો છે. આ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા પોલીસ કર્મચારીઓ અને નાગરિકોને મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. 2008ની 26 નવેમ્બરે પાકિસ્તાનના આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો હતો, જેમાં 166 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આશરે 300 લોકો ઘાયલ થયા હતા.
પાકિસ્તાનસ્થિત લશ્કરે તૈયબા (LeT) સંગઠનના આતંકવાદીઓએ મુંબઈમાં ચાર દિવસ સુધી 12 સ્થળે ગોળીબાર કર્યો હતો અને બોમ્બ હુમલા કર્યા હતા. આ હુમલામાં છ અમેરિકન અને નવ આતંકવાદીઓ સહિત કમસે કમ 166 લોકો માર્યા ગયા હતા. ત્રાસવાદીઓએ તાજ હોટેલ, ટ્રાઈડેન્ટ (ઓબેરોય) હોટેલ, લિયોપોલ્ડ કેફે, યહુદીઓના પ્રાર્થના સ્થળ નરિમાન (છાબડ) હાઉસ, છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ હુમલા કર્યા હતા.
મોદીએ આજે દેશના બંધારણની શક્તિ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસ રોગચાળો ફેલાયો હોવા છતાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજવી શક્ય બની છે. દુનિયાના દેશોએ પણ જોયું કે કોવિડ-19 સંકટમાં પણ આપણું ચૂંટણી તંત્ર કેટલું મજબૂત છે. આવા સમયમાં ચૂંટણી યોજવી, સમય પર પરિણામો જાહેર કરવા અને નવી સરકારની રચના સુચારુ રૂપે કરવી એ સરળ કામ નથી. આપણા બંધારણમાંથી આપણને તાકાત મળે છે અને મુશ્કેલ કાર્યોને સરળ બનાવે છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.
મુંબઈઃ 2008ની 26 નવેમ્બરે મુંબઈ શહેરમાં કરવામાં આવેલા ભયાનક ત્રાસવાદી હુમલાઓની આજે સમગ્ર દેશ 12મી વરસી મનાવી રહ્યો છે. 12 વર્ષ પહેલાં બરાબર આજના જ દિવસે પાકિસ્તાનમાંથી ઘૂસી આવેલા 10 ત્રાસવાદીઓએ મુંબઈમાં અનેક સ્થળોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને બોમ્બ વિસ્ફોટો કર્યા હતા. તે આત્મઘાતી હુમલાઓમાં ત્રાસવાદીઓએ દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલી તાજ હોટેલને પણ ટાર્ગેટ બનાવી હતી. અંદર ઘૂસી ગયેલા ત્રાસવાદીઓએ અનેક કલાકો સુધી ગોળીબાર કરીને નિર્દોષ લોકોની હત્યા કરી હતી.
આજે એ હુમલાઓની વરસીએ તાજ હોટેલની પિતૃ કંપની તાજ સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે. એમણે ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં લખ્યું છે કે, ‘દુશ્મનો પર જીત હાંસલ કરવામાં જે લોકોએ મદદ કરી હતી, અમે એમના બલિદાનને હંમેશાં યાદ રાખીશું.’ રતન ટાટાએ મુંબઈના શહેરવાસીઓના જુસ્સાની સરાહના કરી છે અને કહ્યું છે કે આપણી આ એકતાને આપણે સંભાળી રાખવાની જરૂર છે.
રતન ટાટાએ પોતાની પોસ્ટ સાથે તાજ હોટેલની તસવીર શેર કરી છે અને એની પર અંગ્રેજીમાં લખ્યું છેઃ ‘અમને યાદ છે.’ એમણે વધુમાં લખ્યું છે કે, આજથી 12 વર્ષ પહેલાં જે વિનાશ થયો હતો, એને ક્યારેય ભૂલી શકાશે નહીં. પરંતુ વધારે યાદગાર છે તે એ છે કે એ દિવસે આતંકવાદ અને વિનાશનો ખાત્મો કરવા માટે મુંબઈના લોકો તમામ મતભેદો ભૂલી જઈને સંગઠિત થયા હતા. આપણે જેમને ગુમાવ્યા, જેમણે દુશ્મનો પર જીત હાંસલ કરવા માટે બલિદાન આપ્યું, એમનો આપણે જરૂર શોક કરીશું, પરંતુ આપણે તે એકતા, દયાભાવ અને સંવેદનશીલતાની પણ સરાહના કરવી પડશે જેને આપણે યથાવત્ રાખવી જોઈએ અને આશા રાખું છું કે આવનારા દિવસોમાં એમાં વધારો થતો રહેશે.