Home Blog Page 4562

પંચાંગ 28/11/2020

(મયંક રાવલ)

ભારતમાં આર્થિક મંદી છેઃ જીડીપીમાં 7.5%નો ઘટાડો

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2020-21ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશના GDPમાં 7.5 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં આ ઘટાડો 23.9 ટકા હતો, જે છેલ્લાં 40 વર્ષમાં સૌથી વધુ હતો. દેશમાં GDPમાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઘટાડો આવવાથી દેશ ટેક્નિકલ રિસેશનના દોરમાં ચાલી ગયો છે. જોકે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GDPમાં 8.9 ટકાના ઘટાડાનો અંદાજ હતો. જોકે GDPના આંકડા અર્થતંત્રની હાલની સ્થિતિ કોવિડની પ્રતિકૂળ અસર બતાવે છે, એમ મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણિયને કહ્યું હતું.

GDPમાં Q1માં આવેલા નોંધપાત્ર ઘટાડાનું મુખ્ય કારણ કોરોના રોગચાળાને કારણે દેશમાં લગાવવામાં આવેલું લોકડાઉન હતું. લોકડાઉન ખૂલ્યા પછી આર્થિક કામગીરીએ ધીમે-ધીમે ઝડપ પકડી હતી. રિઝર્વ બેન્ક પણ અહેવાલમાં કહી ચૂકી છે કે પહેલી વાર અર્થતંત્રમાં સતત બે ત્રિમાસિકમાં GDPમાં ઘટાડાને કારણે ટેક્નિકલ રિસેશન આવ્યું છે.

GVAમાં સાત ટકાનો ઘટાડો

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GDP 33.14 લાખ કરોડ રહેવાનું અનુમાન છે. આનાથી ગયા નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં GDP 35.84 લાખ કરોડ હતી. આ રીતે  ગયા નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકની તુલનાએ GDPમાં 7.5 ટકા ઘટી છે. બીજા ત્રિમાસિકમાં ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) રૂ. 30.49 લાખ કરોડ રહેવાનું અનુમાન છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં એ 32.78 લાખ કરોડ હતી.

સતત બે ત્રિમાસિક સુધી જીડીપી વધવાને બદલે ઘટતો રહે તો કબૂલ કરવું પડે કે દેશ આર્થિક મંદીની ઝપટમાં છે. આમ ભારતીય અર્થતંત્ર પણ હાલ મંદીના દોરમાં છે. જોકે કોરોના વાઇરસની અસરમાંથી અર્થતંત્ર બહાર આવી રહ્યું છે. આવનારા ત્રિમાસિક ગાળામાં સ્થિતિ વધુ સુધર એવી આશા છે. આ પ્રકારે છેલ્લા ત્રિમાસિક ગાળામાં GDPમાં ગ્રોથ સકારાત્મક રહે એવી આશા છે.

ઓસ્ટ્રેલિયા સામે પહેલી વન-ડેમાં ભારતનો પરાજય…

સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 27 નવેમ્બરે રમાઈ ગયેલી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66-રનના તફાવતથી પરાજય આપ્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાએ 3-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. બીજી મેચ 29 નવેમ્બરે સિડનીમાં જ રમાશે. ભારતનો પરાજય કંગાળ બોલિંગને કારણે થયો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી બે બેટ્સમેન સદી ફટકારી ગયા.

અંતિમ સ્કોરઃ ઓસ્ટ્રેલિયાઃ 374-6 (50). કેપ્ટન આરોન ફિન્ચ 114, સ્ટીવ સ્મીથ 105, ડેવિડ વોર્નર 69, ગ્લેન મેક્સવેલ 45. મોહમ્મદ શમી 59 રનમાં 3 વિકેટ. ભારતઃ 308-8 (50). હાર્દિક પંડ્યા 90, શિખર ધવન 74, નવદીપ સૈની 29, રવીન્દ્ર જાડેજા 25, મયંક અગ્રવાલ 22, કેપ્ટન વિરાટ કોહલી 21. એડમ ઝમ્પા 54 બોલમાં 4 વિકેટ, જોશ હેઝલવુડ 55 રનમાં 3 વિકેટ.

પ્રભાસ, દીપિકા અભિનીત ફિલ્મમાં અમિતાભનો સંપૂર્ણ રોલ હશે

મુંબઈઃ પ્રભાસ અને દીપિકા પદુકોણને મુખ્ય ભૂમિકામાં ચમકાવનાર એક આગામી ફિલ્મ, જેનું શીર્ષક હજી નક્કી કરાયું નથી, તેમાં અમિતાભ બચ્ચન પણ સામેલ હશે એવી જાહેરાત વૈજયંતી મૂવીઝ પ્રોડક્શન કંપનીએ ગયા મહિને જાહેરાત કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન જાણીતા તેલુગુ દિગ્દર્શક નાગ અશ્વિન કરવાના છે.

ફિલ્મનાં સહ-નિર્માત્રી પ્રિયંકા દત્તાએ એક ન્યૂઝ પોર્ટલને કહ્યું છે કે આ ફિલ્મ, જેનું નામ અગાઉ આદિપુરુષ હોવાનું કહેવાયું હતું, પરંતુ હવે તે શીર્ષકવિહોણી હોવાનું કહેવાય છે, તેમાં અમિતાભ બચ્ચનનો રોલ નાનો-સૂનો કે મહેમાન કલાકારનો નહીં હોય, પણ સંપૂર્ણ સ્તરનો હશે. અમિતાભ કઈ ભૂમિકામાં હશે એ વિશે પ્રિયંકા દત્તાએ કંઈ કહ્યું નથી, પરંતુ એટલું કહ્યું કે ત્રણેય મુખ્ય કલાકારો – અમિતાભ, પ્રભાસ અને દીપિકા માટે ઘણા એક્શન દ્રશ્યો હશે. દક્ષિણ ભારતની ત્રણ ભાષામાં અમિતાભ બચ્ચનના અવાજને મેચ કરે એવો કોઈ અવાજ શોધવાનો અમારી સમક્ષ મોટો પડકાર છે.

આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રજૂ કરાશે અને તે 2022માં રિલીઝ થશે.

કોરોના-રસી નિર્માણ પ્રક્રિયાની સમીક્ષા: મોદી શનિવારે 3-શહેરની મુલાકાતે

અમદાવાદઃ દેશ-વિદેશમાં કોવિડ-19ની અસરકારક રસી બનાવવા માટે તીવ્ર કામગીરી-પ્રયત્નો ચાલી રહ્યા છે. ભારતમાં પણ 3 શહેરમાં કોરોનાન-રસી બનાવવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના રસીના નિર્માણની પ્રક્રિયા કેટલી આગળ વધી છે એનો તાગ મેળવવા માટે આવતી કાલે ત્રણ શહેરોની મુલાકાત લેવાના છે. મોદી અમદાવાદમાં આવેલા ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લેવાના છે. એ પછી હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લેવાના છે.

વડા પ્રધાનની મુલાકાતને લઈને અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઝાયડસના પ્લાન્ટ ફરતે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે  તેમ જ તેમના માટે એક હેલિપેડ પણ તૈયાર કરાવવામાં આવ્યું છે.

સવારે નવ વાગ્યે અમદાવાદ

વડા પ્રધાન મોદી આવતી કાલે સવારે લગભગ 8.55 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાર બાદ તેઓ પ્લાન્ટની મુલાકાત લેવા જશે.

કેડિલા કંપની દ્વારા વેક્સિન 

ઝાયડસ કેડિલા કંપની દ્વારા ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમિડ ડીએનએ વેક્સિન છે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની બે ટ્રાયલ પૂર્ણ કરી લેવામાં આવી છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા દવાઓનો 10 કરોડ ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરવામાં આવ્યો છે.

અમદાવાદથી પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ જશે મોદી 

વડા પ્રધાન મોદી અમદાવાદ પછી બપોરે 12:30 કલાકે પુણે જશે. ત્યાં તેઓ સીરમ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. જ્યાં લગભગ એક કલાક સુધી રહેશે. ત્યાંના રોકાણ દરમિયાન મોદી કોરોના રસી નિર્માણમાં થયેલી પ્રગતિ વિશેની જાણકારી મેળવશે. પુણે બાદ તેઓ હૈદરાબાદ માટે જવા રવાના થશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પુણેમાં ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગમાં ‘કોવિશીલ્ડ’ નામે કોરોના રસી બનાવે છે. હૈદરાબાદની ભારત બાયોટેક કંપની ‘કોવેક્સિન’ નામની રસી બનાવે છે જ્યારે અમદાવાદની ઝાયડસ-કેડિલા તેના પ્લાન્ટમાં ‘ઝાયકોવ-ડી’ નામની રસી બનાવે છે.

હાર્દિક પંડ્યા(90)ની ફાંકડી બેટિંગ; ભારત વતી વિક્રમસર્જક બન્યો

સિડનીઃ અહીં ઓસ્ટ્રેલિયા સામે આજે રમાતી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની આગવી આક્રમક શૈલીમાં બેટિંગ કરીને શાનદાર 90 રન ફટકાર્યા હતા. જોકે વન-ડે કારકિર્દીમાં એ પોતાની પહેલી ફટકારવામાંથી વંચિત રહી ગયો. સ્પિનર એડમ ઝમ્પાની બોલિંગમાં મિચેલ સ્ટાર્ક દ્વારા એ કેચઆઉટ થયો હતો. મેચમાં ઓસ્ટ્રેલિયાએ મૂકેલા 375 રનના ટાર્ગેટ સામે ભારતની સ્થિતિ નબળી હતી, પણ કારકિર્દીમાં 55મી વન-ડે મેચ રમતા હાર્દિક પંડ્યા ઓસી બોલરો પર છવાઈ ગયો. એણે તેના 90 રન 76 બોલમાં કર્યા હતા, જેમાં 4 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ તેનો વ્યક્તિગત બેસ્ટ સ્કોર થયો છે. આ પહેલાં 83 રન હતો.

વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપે 1,000 રન પૂરા કરનાર હાર્દિક પંડ્યા પહેલો જ ભારતીય બેટ્સમેન બન્યો છે. એણે પોતાના પહેલા 1000 રન પૂરા કરવા માટે માત્ર 857 બોલ લીધા હતા. વિશ્વમાં સૌથી ઝડપે 1000 રન પૂરા કરનાર ટોપ-પાંચ બેટ્સમેનોમાં હવે હાર્દિક પંડ્યાનું પણ નામ આવ્યું છે. ટોચના ચાર બેટ્સમેન છેઃ આન્દ્રે રસેલ (વેસ્ટ ઈન્ડિઝ) 787 બોલ, લ્યુક રોન્ચી (ન્યૂઝીલેન્ડ) 807 બોલ, શાહીદ આફ્રિદી (પાકિસ્તાન) 834 બોલ અને કોરી એન્ડરસન (ન્યૂઝીલેન્ડ) 854 બોલ.

હાર્દિક પંડ્યા જ્યારે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો ત્યારે ભારતનો સ્કોર 4 વિકેટે 101 રન હતો. હાર્દિક અને ઓપનર શિખર ધવને મળીને પાંચમી વિકેટ માટે 128 રન ઉમેર્યા હતા. ધવન 86 બોલમાં 74 રન કરીને આઉટ થયો હતો. એ પહેલાં, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના ટોચના બેટ્સમેનોએ ભારતની બોલિંગને ખૂબ ઝૂડી કાઢી હતી અને 50 ઓવરમાં 6 વિકેટે 374 રનનો ખડકલો કરી દીધો હતો. ઓપનર ફિન્ચે 124 બોલમાં 114 અને સ્ટીવન સ્મીથે 66 બોલમાં 105 રન ફટકાર્યા હતા. અન્ય ઓપનર ડેવિડ વોર્નરે 69 રન કર્યા હતા અને ફિન્ચ સાથે મળીને પહેલી વિકેટ માટે 156 રન ઉમેર્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 59 રન આપીને 3 વિકેટ લીધી હતી.

દરમિયાન, સિડનીમાં ભારત પહેલી વન-ડે મેચ 66-રનથી હારી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ 3-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. બીજી મેચ 29 નવેમ્બરે સિડનીમાં જ રમાશે.

અંતિમ સ્કોરઃ

ઓસ્ટ્રેલિયાઃ 374-6 (50). કેપ્ટન આરોન ફિન્ચ 114, સ્ટીવ સ્મીથ 105, ડેવિડ વોર્નર 69, ગ્લેન મેક્સવેલ 45. મોહમ્મદ શમી 59 રનમાં 3 વિકેટ.

ભારતઃ 308-8 (50). હાર્દિક પંડ્યા 90, શિખર ધવન 74, નવદીપ સૈની 29, રવીન્દ્ર જાડેજા 25, મયંક અગ્રવાલ 22, કેપ્ટન વિરાટ કોહલી 21. એડમ ઝમ્પા 54 બોલમાં 4 વિકેટ, જોશ હેઝલવુડ 55 રનમાં 3 વિકેટ.

કંગનાનાં બંગલામાં તોડકામના ઓર્ડરને હાઈકોર્ટે ફગાવી દીધો

મુંબઈઃ બોલીવૂડ ‘ક્વીન’ અભિનેત્રી કંગના રણોતનાં અત્રેનાં નિવાસસ્થાનમાં તોડકામની કાર્યવાહી માટે મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ 7 અને 9 સપ્ટેમ્બરે ઈસ્યૂ કરેલી નોટિસને મુંબઈ હાઈકોર્ટે આજે રદબાતલ ઠેરવી દીધી છે અને કહ્યું કે તોડકામની કાર્યવાહી બદઈરાદા સાથે હાથ ધરવામાં આવી હતી.

કંગનાએ કરેલા કેસમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ.જે. કાથાવાલા અને આર.આઈ. ચાગલાની વિભાગીય બેન્ચે આજે પોતાનો ફેંસલો સંભળાવતા કહ્યું કે કંગનાનાં નિવાસસ્થાનની અંદર એણે બનાવેલી ઓફિસમાં તોડકામની કાર્યવાહીને કારણે જે નુકસાન થયું છે એનું મૂલ્યાંકન કરવાનું રહેશે અને કંગનાને એ નુકસાન મહાનગરપાલિકા તંત્રએ ભરપાઈ કરવાનું રહેશે. કંગના પોતાની ઓફિસને ફરીથી બનાવી આપવાનું બીએમસીને જણાવી શકે છે. તેમજ ઓફિસમાં જે હિસ્સા તોડવામાં આવ્યા નથી તેને પણ પાલિકાતંત્રએ ફરીથી ઠીક કરી આપવાના રહેશે.

કોર્ટે કંગનાને પણ ચેતવણી આપી છે કે એણે સમજી-વિચારીને નિવેદનો કરવા જોઈએ અને સોશિયલ મિડિયા પર પોસ્ટ મૂકવી જોઈએ. કંગનાનાં નિવેદનો બેજવાબદાર તો છે, પરંતુ આવા નિવેદનોની અવગણના કરવી એ જ સાચો ઉપાય કહેવાય.

રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડમાં તપાસ માટે SITની રચના

રાજકોટઃ અહીંની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં થયેલી આગની દુર્ઘટના અને પાંચ જણના નિપજેલા મોતની ચોંકાવનારી ઘટનાની તપાસ માટે શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. આ SITમાં DCP મનોહરસિંહ જાડેજા અધ્યક્ષ સ્થાને રહેશે તથા ACP તથા SOG PI સભ્ય તરીકે કામગીરી બજાવશે. SITનો રિપોર્ટ મળ્યા બાદ આ મામલે વધુ તપાસ પણ કરાશે. દરમિયાન આ દુર્ઘટનાની તપાસ માટે ગાંધીનગરમાંથી એક ઉચ્ચ સ્તરીય ટીમ પણ રાજકોટ પહોંચી છે. રાજ્યના સચિવ કક્ષાના અધિકારી દ્વારા આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે. રાજ્ય સરકારે આ માટે એ.કે. રાકેશને આ દુર્ઘટનાની તપાસ સોંપી છે. તેમણે કહ્યું હતું હતું કે આ દુર્ઘટનાની તપાસના રિપોર્ટ બેથી ત્રણ દિવસમાં આવી જશે. 

PGVCLની ટીમ પહોંચી તપાસ હાથ ધરી

ઉદય શિવાનંદ હોસ્પિટલે PGVCLની ટીમે હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી કે અન્ય કારણોસર એ અંગે તપાસ હાથ ધરી છે. આ હોસ્પિટલમાં 11 કિલોવોટની લાઇનમાંથી ગેરકાયદે વીજજોડાણ લેવાયું હતું. માલવિયાનગર પોલીસે પણ આકસ્મિક મોતનો કેસ નોંધ્યો છે અને FSL રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ગુજરાતમાં ચાર મહિનામાં પાંચ હોસ્પિટલમાં આગ, 13નાં મોત  

ઓગસ્ટ મહિના બાદ ગુજરાતની આ પાંચમી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગ લાગી એ પહેલાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ, સુરતની ટ્રાયસ્ટાર હોસ્પિટલ, જામનગરની જીજી હોસ્પિટલ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે. રાજ્ય સરકાર દ્વારા આમાંથી એક પણ હોસ્પિટલ સામે હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. આ આગની ઘટનાઓમાં કુલ 13 લોકોનાં મોત થયાં છે.

વડા પ્રધાને પણ શોક વ્યક્ત કર્યો

રાજકોટની ઉદય હોસ્પિટલમાં આગમાં પાંચ જણનાં મોત અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે, ‘જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે જે લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે, તેઓ જલદી સ્વસ્થ થાય. વહીવટીતંત્ર આ દુર્ઘટનામાં અસર પામેલા લોકોને દરેક સંભવ મદદ કરી રહ્યું છે.’ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ કહ્યું હતું કે રાજકોટ શહેરમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, એ અંગે મારી સંવેદનાઓ પ્રગટ કરું છું.

 

 

 

રાજકોટ હોસ્પિટલમાં અગ્નિકાંડઃ SC દ્વારા કેન્દ્રની ઝાટકણી

નવી દિલ્હીઃ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ-19 હોસ્પિટલમાં ગઈ કાલે રાતે થયેલી આગની દુર્ઘટના અને એમાં પાંચ દર્દીના નિપજેલા મોતના સમાચારની સુપ્રીમ કોર્ટે આજે ગંભીર નોંધ લીધી હતી અને કેન્દ્ર સરકારને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો તથા ગુજરાત સરકાર પાસેથી અહેવાલ માગ્યો છે.

કેન્દ્ર સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે ભારતમાં કોરોના રોગના વધી ગયેલા કેસોને રોકવા માટે નીતિઓ, માર્ગદર્શિકાઓ તથા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ (SOPs)ને લાગુ કરવા માટે કડક પગલાં ભરવાનો સમય આવી ગયો છે. ન્યાયાધીશો અશોક ભૂષણ, આર.એસ. રેડ્ડી અને એમ.આર. શાહે કહ્યું કે રોગચાળાનો સામનો કરવા માટે રાજ્ય સરકારોએ રાજકારણને બાજુએ મૂકી ઉત્તમ કામગીરી બજાવવાની છે. અમે અહીંયા સુનાવણી કરીએ છીએ અને બહાર 80 ટકા લોકો યા તો માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે અથવા તો માસ્કને દાઢી પર લટકાવી રાખ્યો છે. સરકારે માત્ર SOPs બનાવી દીધી છે, એના અમલની કોઈને પડી નથી. પરિસ્થિતિ ખરાબમાંથી અતિ ખરાબ બની રહી છે.

તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે કેન્દ્રીય ગૃહ સચિવ શનિવાર સુધીમાં મીટિંગ બોલાવશે અને દેશભરમાં સરકારી હોસ્પિટલોમાં આગના જોખમ સામે સુરક્ષાનાં પગલાં લેવા આદેશો બહાર પાડશે.

કોરોના કેસોની સંખ્યા 93 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 93 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 43,082 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 492 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 93,09,787 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,35,75  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 87,18,517 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24  કલાકમાં 39,379 દર્દીઓ આ ખતરનાક બીમારીથી સ્વસ્થ થયા છે. પાછલા 24 કલાકમાં 36,367 દર્દીઓ સ્વસ્થ થયા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,55,555એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.75 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.46 ટકા થયો છે.

ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સ્વયંભૂ બંધ

રાજ્યમાં કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે સરકાર આકરાં પગલાં ભરી રહી છે. આ સાથે લોકો પણ કોરોનાને કાબૂમાં લેવા માટે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોના કેસ, વધતાં ખાનપુર લીમડિયા બાકોરમાં સ્વયંભૂ બંધનું એલાન કરવામાં આવ્યું છે, જ્યારે નડિયાદના નરસંડા અને પીપલગમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. જ્યારે બોડેલીના કોસિન્દ્રામાં લોકડાઉનનો આજે બીજો દિવસ છે. કોસિન્દ્રાના બજાર સ્વયંભૂ બીજે દિવસ પણ બંધ રહ્યા હતા. રાજકોટ જિલ્લામાં ગામડાઓ આંશિક લોકડાઉન જાહેર કરાયું હતું. જ્યારે સાબરકાંઠામાં કોરોના સંક્રમણ વધતા બજારો બંધ કરવામાં આવ્યા છે. હિંમતનગર અને તલોદમાં વેપારીઓનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે મહેસાણાના વિજાપુરમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે. કુકરવાડામાં અડધા દિવસનું સ્વયંભૂ લોકડાઉન લાગુ કરાયું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.