કંગનાનાં બંગલામાં તોડકામના ઓર્ડરને હાઈકોર્ટે ફગાવી દીધો

મુંબઈઃ બોલીવૂડ ‘ક્વીન’ અભિનેત્રી કંગના રણોતનાં અત્રેનાં નિવાસસ્થાનમાં તોડકામની કાર્યવાહી માટે મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ 7 અને 9 સપ્ટેમ્બરે ઈસ્યૂ કરેલી નોટિસને મુંબઈ હાઈકોર્ટે આજે રદબાતલ ઠેરવી દીધી છે અને કહ્યું કે તોડકામની કાર્યવાહી બદઈરાદા સાથે હાથ ધરવામાં આવી હતી.

કંગનાએ કરેલા કેસમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ.જે. કાથાવાલા અને આર.આઈ. ચાગલાની વિભાગીય બેન્ચે આજે પોતાનો ફેંસલો સંભળાવતા કહ્યું કે કંગનાનાં નિવાસસ્થાનની અંદર એણે બનાવેલી ઓફિસમાં તોડકામની કાર્યવાહીને કારણે જે નુકસાન થયું છે એનું મૂલ્યાંકન કરવાનું રહેશે અને કંગનાને એ નુકસાન મહાનગરપાલિકા તંત્રએ ભરપાઈ કરવાનું રહેશે. કંગના પોતાની ઓફિસને ફરીથી બનાવી આપવાનું બીએમસીને જણાવી શકે છે. તેમજ ઓફિસમાં જે હિસ્સા તોડવામાં આવ્યા નથી તેને પણ પાલિકાતંત્રએ ફરીથી ઠીક કરી આપવાના રહેશે.

કોર્ટે કંગનાને પણ ચેતવણી આપી છે કે એણે સમજી-વિચારીને નિવેદનો કરવા જોઈએ અને સોશિયલ મિડિયા પર પોસ્ટ મૂકવી જોઈએ. કંગનાનાં નિવેદનો બેજવાબદાર તો છે, પરંતુ આવા નિવેદનોની અવગણના કરવી એ જ સાચો ઉપાય કહેવાય.