રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડમાં તપાસ માટે SITની રચના

રાજકોટઃ અહીંની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં થયેલી આગની દુર્ઘટના અને પાંચ જણના નિપજેલા મોતની ચોંકાવનારી ઘટનાની તપાસ માટે શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. આ SITમાં DCP મનોહરસિંહ જાડેજા અધ્યક્ષ સ્થાને રહેશે તથા ACP તથા SOG PI સભ્ય તરીકે કામગીરી બજાવશે. SITનો રિપોર્ટ મળ્યા બાદ આ મામલે વધુ તપાસ પણ કરાશે. દરમિયાન આ દુર્ઘટનાની તપાસ માટે ગાંધીનગરમાંથી એક ઉચ્ચ સ્તરીય ટીમ પણ રાજકોટ પહોંચી છે. રાજ્યના સચિવ કક્ષાના અધિકારી દ્વારા આ દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે. રાજ્ય સરકારે આ માટે એ.કે. રાકેશને આ દુર્ઘટનાની તપાસ સોંપી છે. તેમણે કહ્યું હતું હતું કે આ દુર્ઘટનાની તપાસના રિપોર્ટ બેથી ત્રણ દિવસમાં આવી જશે. 

PGVCLની ટીમ પહોંચી તપાસ હાથ ધરી

ઉદય શિવાનંદ હોસ્પિટલે PGVCLની ટીમે હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી કે અન્ય કારણોસર એ અંગે તપાસ હાથ ધરી છે. આ હોસ્પિટલમાં 11 કિલોવોટની લાઇનમાંથી ગેરકાયદે વીજજોડાણ લેવાયું હતું. માલવિયાનગર પોલીસે પણ આકસ્મિક મોતનો કેસ નોંધ્યો છે અને FSL રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ગુજરાતમાં ચાર મહિનામાં પાંચ હોસ્પિટલમાં આગ, 13નાં મોત  

ઓગસ્ટ મહિના બાદ ગુજરાતની આ પાંચમી હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે. રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગ લાગી એ પહેલાં અમદાવાદની શ્રેય હોસ્પિટલ, સુરતની ટ્રાયસ્ટાર હોસ્પિટલ, જામનગરની જીજી હોસ્પિટલ અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બની ચૂક્યા છે. રાજ્ય સરકાર દ્વારા આમાંથી એક પણ હોસ્પિટલ સામે હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. આ આગની ઘટનાઓમાં કુલ 13 લોકોનાં મોત થયાં છે.

વડા પ્રધાને પણ શોક વ્યક્ત કર્યો

રાજકોટની ઉદય હોસ્પિટલમાં આગમાં પાંચ જણનાં મોત અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે, ‘જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે જે લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે, તેઓ જલદી સ્વસ્થ થાય. વહીવટીતંત્ર આ દુર્ઘટનામાં અસર પામેલા લોકોને દરેક સંભવ મદદ કરી રહ્યું છે.’ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ કહ્યું હતું કે રાજકોટ શહેરમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, એ અંગે મારી સંવેદનાઓ પ્રગટ કરું છું.