ઠંડા પવનો શરૂ થતાં જ ગરમ કપડાં બજારમાં દેખાવા માંડ્યાં

અમદાવાદઃ નવેમ્બરનો અંત અને કારતકની શરૂઆત થતાં જ વહેલી સવારે અને સંધ્યા ટાણે ઠંડીનો અહેસાસ થવા લાગે છે. ઠંડા પવનો પણ ફૂંકાવા માંડ્યા છે. એક તરફ શિયાળાની ઋતુના આગમન થઈ ગયું છે,  બીજી તરફ શહેરના માર્ગો પર ગરમ કપડાંનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે.

દરેક ઋતુની શરૂઆત થાય એની સાથે જ વાતાવરણને અનુકૂળ કપડાં બજારોમાં દેખાવા માંડે. એમાંય ઠૂંઠવાતી ઠંડી પડે એ પહેલાં ગરમ કપડાંનું બજાર દરેક શહેરમાં લાગી જાય છે. આ વર્ષે પણ શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કોરોના રોગચાળાને કારણે આ વર્ષે અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં લાગતું તિબેટિયન સ્વેટર બજાર લાગ્યું નથી. જોકે દિલ્હીમાં તૈયાર થયેલા જેકેટનું વેચાણ કરવા યુપી, દિલ્હીના યુવાનો શહેરના ફૂટપાથો પર આવી ગયા છે. દરેક વિસ્તારોની લારીઓમાં જુદા-જુદા મટીરિયલમાં તૈયાર થયેલાં સ્વેટર, જેકેટનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. બ્રાન્ડેડ શો રૂમ અને મોલ કરતાં ગરમ કપડાંનું વેચાણ માર્ગો પરની ફૂટપાથો, લારીઓ અને ચોક્કસ સ્થળો પર ભરાતાં ગરમ કપડાંનાં બજારોમાં વધારે થાય છે.

દર વર્ષે  ગરમ ટોપીઓ, હાથ મોજાં અને ગરમ કપડાંની જે વરાઇટી જોવા મળતી હતી, પણ ગરમ કપડાંનું બજાર આ વર્ષે ઠંડું છે. બજારમાં લારીઓ, પાથરણાં અને શોરૂમમાં ગરમ કપડાંનું વેચાણ શરૂ થઈ ગયું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]