એમેઝોન પર સાત દિવસના પ્રતિબંધની માંગ

નવી દિલ્હીઃ પોતાના પ્લેટફોર્મ પર વેચાણ માટે મૂકેલી પ્રોડક્ટ પર ફરજિયાત રીતે ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ની માહિતી નહીં પૂરી પાડવા બદલ એમેઝોન ઇન્ડિયા પર માત્ર રૂ. 25,000ના મામૂલી દંડથી પરેશાન કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ એમેઝોન અને અન્ય મોટી ઈ-કોમર્સ કંપનીઓ પર નિયમો અને નીતિઓના ઉલ્લંઘન માટે સાત દિવસના પ્રતિબંધની માગ કરી છે. CAITએ કહ્યું છે કે દંડ લગાવવાનો અર્થ એ છે કે અપરાધીઓને એ અપરાધનો અહેસાસ થાય. આ કંપનીઓ પર આટલા દંડનો કોઈ અર્થ નથી. એને બદલે એમને દાખલારૂપ સજા કરવામાં આવવી જોઈએ.

(પ્રતીકાત્મક તસવીર)

ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરનાર ઈ-કોમર્સ કંપનીઓ પર આટલો ઓછો દંડ ફટકારવો એ આપણી ન્યાય વ્યવસ્થા અને વહીવટી તંત્રની હાંસી ઉડાવવા સિવાય કંઈ નથી, એમ CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને સચિવ જનરલ પ્રવીણ ખંડેલવાલે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું. આ કંપનીઓને દંડ આપણા અર્થતંત્રને અનુરૂપ હોવી જોઈએ અને એ વિદેશી ઈ-કોમર્સ કંપનીઓને સ્પષ્ટ કડક સંદેશ આપતી સજા હોવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

કેન્દ્રએ 26 નવેમ્બરે એમેઝોન પર- એ ઉત્પાદનોનું વેચાણ કર્યું હતું, જેમાં એ પ્રોડક્ટ પર કયા દેશની એનો ઉલ્લેખ નહોતો- જે ઉલ્લેખ કરવો ફરિજયાત છે, એના પર દંડ ફટકાર્યો હતો. એમેઝોન અને ફ્લિપકાર્ટ બંનેને ગ્રાહકોને લગતી બાબતોના મંત્રાલય દ્વારા ઓક્ટોબરમાં આ સંબંધમાં નોટિસ આપવામાં આવી હતી. આ દંડ નવેમ્બરના આદેશમાં લગાવવામાં આવ્યો હતો.