હાર્દિક પંડ્યા(90)ની ફાંકડી બેટિંગ; ભારત વતી વિક્રમસર્જક બન્યો

સિડનીઃ અહીં ઓસ્ટ્રેલિયા સામે આજે રમાતી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની આગવી આક્રમક શૈલીમાં બેટિંગ કરીને શાનદાર 90 રન ફટકાર્યા હતા. જોકે વન-ડે કારકિર્દીમાં એ પોતાની પહેલી ફટકારવામાંથી વંચિત રહી ગયો. સ્પિનર એડમ ઝમ્પાની બોલિંગમાં મિચેલ સ્ટાર્ક દ્વારા એ કેચઆઉટ થયો હતો. મેચમાં ઓસ્ટ્રેલિયાએ મૂકેલા 375 રનના ટાર્ગેટ સામે ભારતની સ્થિતિ નબળી હતી, પણ કારકિર્દીમાં 55મી વન-ડે મેચ રમતા હાર્દિક પંડ્યા ઓસી બોલરો પર છવાઈ ગયો. એણે તેના 90 રન 76 બોલમાં કર્યા હતા, જેમાં 4 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ તેનો વ્યક્તિગત બેસ્ટ સ્કોર થયો છે. આ પહેલાં 83 રન હતો.

વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપે 1,000 રન પૂરા કરનાર હાર્દિક પંડ્યા પહેલો જ ભારતીય બેટ્સમેન બન્યો છે. એણે પોતાના પહેલા 1000 રન પૂરા કરવા માટે માત્ર 857 બોલ લીધા હતા. વિશ્વમાં સૌથી ઝડપે 1000 રન પૂરા કરનાર ટોપ-પાંચ બેટ્સમેનોમાં હવે હાર્દિક પંડ્યાનું પણ નામ આવ્યું છે. ટોચના ચાર બેટ્સમેન છેઃ આન્દ્રે રસેલ (વેસ્ટ ઈન્ડિઝ) 787 બોલ, લ્યુક રોન્ચી (ન્યૂઝીલેન્ડ) 807 બોલ, શાહીદ આફ્રિદી (પાકિસ્તાન) 834 બોલ અને કોરી એન્ડરસન (ન્યૂઝીલેન્ડ) 854 બોલ.

હાર્દિક પંડ્યા જ્યારે બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો ત્યારે ભારતનો સ્કોર 4 વિકેટે 101 રન હતો. હાર્દિક અને ઓપનર શિખર ધવને મળીને પાંચમી વિકેટ માટે 128 રન ઉમેર્યા હતા. ધવન 86 બોલમાં 74 રન કરીને આઉટ થયો હતો. એ પહેલાં, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના ટોચના બેટ્સમેનોએ ભારતની બોલિંગને ખૂબ ઝૂડી કાઢી હતી અને 50 ઓવરમાં 6 વિકેટે 374 રનનો ખડકલો કરી દીધો હતો. ઓપનર ફિન્ચે 124 બોલમાં 114 અને સ્ટીવન સ્મીથે 66 બોલમાં 105 રન ફટકાર્યા હતા. અન્ય ઓપનર ડેવિડ વોર્નરે 69 રન કર્યા હતા અને ફિન્ચ સાથે મળીને પહેલી વિકેટ માટે 156 રન ઉમેર્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 59 રન આપીને 3 વિકેટ લીધી હતી.

દરમિયાન, સિડનીમાં ભારત પહેલી વન-ડે મેચ 66-રનથી હારી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ 3-મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. બીજી મેચ 29 નવેમ્બરે સિડનીમાં જ રમાશે.

અંતિમ સ્કોરઃ

ઓસ્ટ્રેલિયાઃ 374-6 (50). કેપ્ટન આરોન ફિન્ચ 114, સ્ટીવ સ્મીથ 105, ડેવિડ વોર્નર 69, ગ્લેન મેક્સવેલ 45. મોહમ્મદ શમી 59 રનમાં 3 વિકેટ.

ભારતઃ 308-8 (50). હાર્દિક પંડ્યા 90, શિખર ધવન 74, નવદીપ સૈની 29, રવીન્દ્ર જાડેજા 25, મયંક અગ્રવાલ 22, કેપ્ટન વિરાટ કોહલી 21. એડમ ઝમ્પા 54 બોલમાં 4 વિકેટ, જોશ હેઝલવુડ 55 રનમાં 3 વિકેટ.