કુસ્તીબાજો બજરંગ-સંગીતા લગ્નગ્રંથિથી જોડાયાં

બલાલી (હરિયાણા): દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા કુસ્તીબાજ કોચ મહાવીર ફોગાટની નાની દીકરી સંગીતાએ કુસ્તીબાજ બજરંગ પુનિયા સાથે લગ્ન કરી લીધાં છે. કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાથી બંનેએ સાદાઈથી લગ્ન કર્યા છે. ગઈ કાલે બુધવારે યોજાઈ ગયેલા લગ્ન સમારંભમાં મહેમાનોની સંખ્યા પણ ઓછી રખાઈ હતી. સંગીતાએ એની મોટી બહેનો – બબીતા અને ગીતાની જેમ લગ્નના સાતને બદલે આઠ ફેરા ફર્યાં હતાં.

બજરંગ (26) અને સંગીતા (22), બંને જણ વ્યાવસાયિક કુસ્તીબાજ છે. આવતા વર્ષે ટોકિયોમાં યોજાનાર ઓલિમ્પિક્સ માટે બજરંગે તૈયારીમાં શરૂ કરી દીધી છે. બંને જણ ઓલિમ્પિક્સ બાદ લગ્ન કરવા ઈચ્છતા હતા, પણ કોરોના વાઈરસને કારણે ઓલિમ્પિક્સ ગેમ્સ આ વર્ષે યોજાઈ નહીં અને આવતા વર્ષ સુધી મુલતવી રખાઈ છે એટલે બંનેએ આ જ વર્ષે હવે લગ્ન કરી લેવાનો નિર્ણય લીધો. બંને જણ પહેલાં સોનીપતમાં કુસ્તીબાજો માટેની એક તાલીમ શિબિરમાં મળ્યાં હતાં. સંગીતા જાણીતી કુસ્તીબાજ બહેનો ગીતા અને બબીતાની નાની બહેન છે અને મિક્સ્ડ માર્શલ આર્ટ્સની સ્ટાર રીતુ ફોગાટ અને રિયો-2016 ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર કુસ્તીબાજ વિનેશ ફોગાટની પિતરાઈ બહેન છે.

બજરંગે લગ્નની તસવીરો પોતાના સોશિયલ મિડિયા પર શેર કરી છે. લગ્ન માટે બજરંગ અને સંગીતા પર અભિનંદનનો વરસાદ વરસ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]