ટાટા મોટર્સ 2021માં લોન્ચ કરશે પાંચ-નવી કાર

નવી દિલ્હીઃ કોવિડ-19ને લીધે ઓટો ઇન્ડસ્ટ્રી માટે વર્ષ 2020 ઘણું ખરું નિરાશાજનક રહ્યું છે. માત્ર તહેવારોની સીઝનમાં ઓટો કંપનીઓનું વેચાણ નોંધપાત્ર રહ્યું હતું. ટાટા મોટર્સ માટે વર્ષ 2021 બહુ ખાસ રહેવાનું છે, કારણ કે આવતા વર્ષે કંપની કેટલીક શાનદાર નવી કારોને લોન્ચ કરવાની છે. આજે આપણે ટાટા મોટર્સની એ નવી કારો પર નજર નાખીશું, જે વર્ષ 2021માં લોન્ચ થવાની છે.

ટાટા ગ્રેવિટાસ SUV

ટાટા હેરિયર SUVની જબરદસ્ત સફળતાને જોતાં ટાટા મોટર્સ ટૂંક સમયમાં ટાટા ગ્રેવિટાસ SUV 2021ના પ્રારંભમાં લોન્ચ કરવાની છે. આ SUV હેરિયરથી ઘણી મોટી છે અને એમાં પાવરફુલ એન્જિન છે. આ SUV જે લોકોના મોટા પરિવાર છે, તેમને માટે ગ્રેવિટાસ એક પરફેક્ટ SUV સાબિત થવાની છે. ગ્રેવિટાસને સૌથી પહેલાં ઓટો એક્સ્પો 2020માં રજૂ કરવામાં આવી હતી, ત્યારે ભારતીય ગ્રાહકો એના લોન્ચિંગની રાહ જોઈ રહ્યા છે.   

ટાટા અલ્ટ્રોઝ EV લોન્ચ થશે

કંપની હવે હેચબેકનો ઇલેક્ટ્રિક અવતાર માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટાટા અલ્ટ્રોઝ EVમાં 30 KWHની ક્ષમતાની લિથિયમ-આયર્ન બેટરીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી EV કુલ ચાર્જ થવા પર 350 કિલોમીટર સુધી ચાલશે. આ કારની કિંમત રૂ. 10 લાખની આસપાસ હોવાની શક્યતા છે. આ સાથે ટાટા ટિગોર EV ફેસલિફ્ટ અને ટાટા ટિએગો EV ફેસલિફ્ટ પણ લોન્ચ કરશે. આ કાર ફુલ ચાર્જિંગમાં 213 કિલોમીટરની રેન્જ આપવામાં સક્ષમ હશે. જોકે આ કાર 2021ના અંત ભાગમાં લોન્ચ થશે. આ ઉપરાંત ટાટા અલ્ટ્રોઝ ટર્બો પેટ્રોલ વેરિયન્ટમાં લોન્ચ કરે એવી શક્યતા છે. આ કારની કિંમત રૂ. આઠ લાખથી શરૂ થશે.