એશિયામાં ભ્રષ્ટાચારનો સૌથી વધુ દર ભારતમાંઃ સર્વે

બર્લિનઃ એશિયામાં ભ્રષ્ટાચારનો સૌથી વધુ દર ભારતમાં છે અને જાહેર સેવાઓનો ઉપયોગ કરનારા લોકોમાં વ્યક્તિગત સંબંધનો ઉપયોગ કરવાવાળાઓની સંખ્યા સૌથી વધુ છે, એમ ભ્રષ્ટાચારના દૂષણ પર દેખરેખ રાખતી સંસ્થા ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલનો અહેવાલ કહે છે.

ગ્લોબલ કરપ્શન બેરોમીટર (GCB)-એશિયાને માલૂમ પડ્યું છે કે લાંચ ચૂકવનાર આશરે 50 ટકા લોકોએ એમ કહ્યું કે એમને કામ કરાવવા માટે લાંચ આપવા જણાવાયું હતું, જ્યારે 32 ટકા એવા લોકો છે જેમણે એમના અંગત સંબંધોનો ઉપયોગ કર્યો હતો, કારણ કે એમને ખાતરી હતી કે એમ નહીં કરે તો એમનું કામ નહીં થાય. આ સર્વે આ વર્ષની 17 જૂનથી 17 જુલાઈની વચ્ચે ભારતમાં 2000 લોકો પર કરવામાં આવ્યો હતો. ભારતમાં ભ્રષ્ટાચારનો દર 39 ટકા છે, જે એશિયામાં સૌથી ઊંચો છે. જ્યારે અંગત સંબંધોનો ઉપયોગ કરીને કામ કઢાવનારાઓનો દર 46 ટકા છે. દેશમાં જાહેર સેવાઓમાં ભ્રષ્ટાચાર પ્લેગના રોગની જેમ પ્રસરેલો છે. સરકારી નોકરોની ધીમી અને જટિલ કાર્યપદ્ધતિ, બિનજરૂરી કાયદા-કાનૂન અને અસ્પષ્ટ રેગ્યુલેટરી માળખાઓને કારણે નાગરિકો પરિચિતો મારફત કે ભ્રષ્ટાચારના નેટવર્કના માધ્યમથી પાયાની સેવાઓ મેળવવા માટે વૈકલ્પિક સમાધાન મેળવવા મજબૂર થાય છે.

આ સર્વેમાં આશરે 63 ટકા લોકોનું માનવું હતું કે સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરસ રીતે કામગીરી બજાવી રહી છે, જ્યારે 73 ટકા લોકોએ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર-વિરોધી એજન્સી ભ્રષ્ટાચારની વિરુદ્ધ સારી કામગીરી બજાવી રહી છે. 63 ટકા લોકોનું એવું માનવું છે કે જો તેઓ લાંચ નહીં ચૂકવે તો સરકારી કર્મચારીઓ એમની સામે વેર લેશે એવો તેમને ડર રહે છે. 17 દેશોમાં કરવામાં આવેલા ફીલ્ડવર્કને આધારે GCB કુલ મળીને આશરે 20,000 નાગરિકોનું સર્વેક્ષણ કર્યું હતું. ભારત પછી કંબોડિયા 37 ટકા સાથે બીજા ક્રમે આવે છે. ત્યાર બાદ ઇન્ડોનેશિયા 30 ટકા, નેપાળ 12 ટકા, દક્ષિણ કોરિયા 10 ટકા આવે છે. માલદીવ અને જાપાનમાં ભ્રષ્ટાચારનો દર સૌથી ઓછો છે – બે ટકા.