– તો હું વ્હાઈટ હાઉસ છોડી દઈશઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી-2020માં જૉ બાઈડનને વિજેતા તરીકે જો સત્તાવાર રીતે સમર્થન આપવામાં આવશે તો પોતે વ્હાઈટ હાઉસમાંથી રવાના થઈ જશે. ટ્રમ્પે જોકે પુનરોચ્ચાર કર્યો હતો કે પોતે પરાજયનો ક્યારેય સ્વીકાર નહીં કરે.

ઉલ્લેખનીય છે કે ગઈ 3 નવેમ્બરે યોજાઈ ગયેલી ચૂંટણીના પરિણામોમાં બાઈડનને વિજેતા દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ટ્રમ્પે એ પરિણામનો અસ્વીકાર કરીને અભૂતપૂર્વ વિરોધ કર્યો છે. એમણે એવો આક્ષેપ કર્યો છે કે મતગણતરીમાં ગોલમાલ કરવામાં આવી છે. આ માટે તેમણે પાયાવિહોણા કાનૂની પડકારો ફેંક્યા છે, પરંતુ દેશભરની અદાલતોએ એમના દાવાઓને ફગાવી દીધા છે. ડેમોક્રેટિક પાર્ટીના બાઈડને 306 ઈલેક્ટોરલ કોલેજ વોટ મેળવીને ચૂંટણી જીતી લીધી છે. રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પને 232 વોટ મળ્યા છે. પ્રમુખપદ મેળવવા માટે ઓછામાં ઓછા 270 વોટ મેળવવા પડે. ટ્રમ્પ કરતાં બાઈડન 60 લાખ મતોથી આગળ છે.

પત્રકારોના સવાલોના જવાબો આપવા ગઈ કાલે પહેલી જ વાર હાજર થયેલા ટ્રમ્પે જો કે એવું બોલીને ચૂંટણીમાં પોતાની હારના સ્વીકારની વધારે નજીક સરક્યા હતા કે, બાઈડન 20 જાન્યુઆરીએ નવા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે તો હું એક જ મુદતનો પ્રમુખ બન્યો કહેવાઈશ. ચૂંટણીમાં મોટા પાયે છેતરપીંડી કરવામાં આવી છે, આવો દાવો કરવા છતાં ટ્રમ્પે કોઈ પુરાવો આપ્યો નહોતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]