કોરોના રોગચાળો ભારતમાંથી ફેલાયોઃ ચીનનો આરોપ

બીજિંગઃ દુનિયાભરમાં હાહાકાર મચાવી દેનાર કોરોના વાઈરસ મહાબીમારી મૂળ ક્યાંથી ફેલાઈ તે વિશે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તપાસ કરી રહી છે ત્યારે ચીને પોતાને માથે આવેલો દોષનો ટોપલો ભારત પર શિફ્ટ કરી દીધો છે. ચીનના વિજ્ઞાનીઓએ હવે આ નવી વાર્તા ઘડી કાઢી છે અને એ દ્વારા તેઓ દુનિયાના દેશોનું ધ્યાન ભારત તરફ વાળી દેવા પ્રયાસ કરી રહ્યા છે.

કોરોના રોગચાળાની ઉત્પત્તિ માટે ઈટાલી, અમેરિકા અને યુરોપના દેશો પર દોષ ઠાલવ્યા બાદ ચીનના વિજ્ઞાનીઓએ હવે એવો દાવો કર્યો છે કે જીવલેણ નોવેલ કોરોનાવાઈરસનું મૂળસ્થાન ભારત છે અને 2019ના ઉનાળાની મોસમમાં ત્યાંથી ફેલાવાનો શરૂ થયો હતો.

ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સીસ સંસ્થાના સંશોધકોની એક ટૂકડીએ એવો દાવો કર્યો છે કે કોવિડ-19 વાઈરસ 2019ના ઉનાળાની મોસમમાં ભારતમાંથી શરૂ થયો હોવાની ઘણી ખરી સંભાવના છે. WHOના નિષ્ણાતો હાલ એ તપાસ કરી રહ્યા છે કોવિડ-19નો પહેલો કેસ ચીનના વુહાન શહેરમાં દેખાયો હતો અથવા ત્યાંથી જ એ શરૂ થયો હતો. પરંતુ ચીને ભારત તરફ આંગળી ચીંધી છે.