Home Blog Page 4296

દાઉદની છ પ્રોપર્ટીની મહારાષ્ટ્રમાં હરાજી કરાઈ

મુંબઈઃ ભારતે જેને ભાગેડૂ માફિયા ડોન ઘોષિત કર્યો છે તે દાઉદ ઈબ્રાહિમ કાસકરની ઓછામાં ઓછી છ પ્રોપર્ટીની મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં હરાજી કરવામાં આવી છે. દાણચોરો અને વિદેશી હુંડિયામણ ચાલબાજો (મિલકત જપ્તી) કાયદા (SAFEMA) અંતર્ગત આ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી હતી જેના રૂ. 23 લાખ ઉપજ્યા છે.

સત્તાવાર વર્તુળોના જણાવ્યાનુસાર, દિલ્હીના બે વકીલે અંડરવર્લ્ડ ડોનની 6 સંપત્તિ ખરીદી છે. દાઉદના પૂર્વજોની હવેલીની 11 લાખમાં હરાજી થઈ છે. આ બે વકીલ છે અજય શ્રીવાસ્તવ અને સુપ્રીમ કોર્ટના વકીલ ભૂપેન્દ્ર ભારદ્વાજ. આ હરાજીનો કાર્યક્રમ નિર્ધારિત સમયે ઓનલાઈન, ઓફ્ફલાઈન અને સીલ કરેલા ટેન્ડરના માધ્યમથી હાથ કરવામાં આવ્યો હતો.

મોટા ભાગની પ્રોપર્ટી નાના બાંધકામો હતા. અમુક તો સાવ બિસ્માર હાલતમાં થઈ ગઈ હતી. આ સંપત્તિમાં રત્નાગીરી જિલ્લાના મુમ્બાકે ગામમાં આવેલા જમીનના પ્લોટનો સમાવેશ થાય છે. કાસકર પરિવાર આ જ ગામનો વતની હતો. આ ઉપરાંત મુંબઈમાં દાઉદના ભૂતપૂર્વ સાગરિત ઈકબાલ મેમણ ઉર્ફે ઈકબાલ મિર્ચીની માલિકીના બે ફ્લેટની પણ હરાજી કરામાં આવી હતી.

નાણાંની તંગીને લીધે માઓવાદી સંગઠનો વેરવિખેર

નવી દિલ્હીઃ દેશમાં જે રીતે રેડ કોરિડોર સંકોચાઈ રહ્યો છે, એમ હવે માઓવાદી પ્રવૃત્તિઓ કરનારાઓ માટે પણ ખરાબ સ્થિતિ ઊભી થઈ છે. સુરક્ષા દળો અને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાને લીધે દેશભરમાં માઓવાદી નક્સલવાદી સંગઠનો વેરવિખેર થઈ ગયા છે. દેશમાં કેટલાય વિસ્તારોમાં માઓવાદી ઘટનાઓ લગભગ ખતમ થઈ ગઈ છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી થયેલા આંકડા મુજબ ગયા વર્ષે 90 જિલ્લાઓમાં માઓવાદી ઘટનાઓ સામે આવી હતી, જ્યારે આ વર્ષે માઓવાદી એક્ટિવિટી 46 જિલ્લાઓ સુધી સીમિત રહી છે. માઓવાદી સંગઠનોએ સંપૂર્ણ રીતે પરેશાન અને હતાશ છે. હતાશા અને નિરાશાને કારણે માઓવાદી સંગઠનોએ પોતાના કેડરને પત્ર લખ્યા, જેનાથી માલૂમ પડે છે કે સંગઠન ભારે નાણાકીય સમસ્યાઓથી ત્રસ્ત છે.

હવે એક વાત સ્પષ્ટ છે કે માઓવાદી સંગઠનો નાણાંની તંગીથી બેબાકળા થઈ ગયા છે અને એમનું પૂરું નેટવર્ક સંકોચાઈ રહ્યું છે. પોકળ એવી માઓવાદી વિચારધારાથી તંગ આવીને કેટલાય માઓવાદી નક્સલવાદીઓ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ પણ કરી રહ્યા છે તો અનેક માઓવાદીઓ સુરક્ષા દળો સાથેની અથડામણોમાં માર્યા ગયા છે.

જોકે કેડરના ટોચના નેતાઓ અન્ય ક્ષેત્રોના માલિકો અને ખાણમાલિકો સાથે વાટાઘાટ કરી રહ્યા છે અને માઓવાદી સંગઠન નવા બાતમીદારોને બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. સત્તાવાળાઓ આનાથી વાકેફ છે.

નવેમ્બરમાં નિકાસ 22.47% વધી, અર્થતંત્ર સુધારાના માર્ગે

નવી દિલ્હીઃ દેશના અર્થતંત્ર માટે સુધારાના સંકેત છે. નવેમ્બરના પહેલા સપ્તાહમાં દેશની નિકાસ વાર્ષિક ધોરણે 22.47 ટકકા વધીને 6.75 અબજ ડોલરે પહોંચી છે, જેમાં મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ અને જ્વેલરી અને એન્જિનિયરિંગ સેક્ટરનો નોંધપાત્ર ગ્રોથને પ્રતાપે છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં 5.51 અબજ ડોલર હતી.

ચાલુ વર્ષે 1-7 નવેમ્બરમાં આયાત 13.64 ટકા વધીને 9.30 અબજ ડોલર (8.19 અબજ ડોલર) થઈ ગઈ છે. પેટ્રોલિયમ સિવાયની આયાત સપ્તાહ દરમ્યાન 23.37 ટકા વધી હતી. સપ્તાહ દરમ્યાન વેપાર ખાધ 2.55 અબજ ડોલર રહી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.

ફાર્માસ્યુટિકલ્સ અને જેમ અને જ્વેલરીની નિકાસ 32 ટકા વધીને 13.912 કરોડ ડોલર અને 88.8 ટકા વધીને 336.071 કરોડ ડોલર થઈ છે. એ જ રીતે સપ્તાહ દરમ્યાન એન્જિનિયરિંગ માલસામાનની નિકાસ 16.7 ટકકા વધીને 21.513 કરોડ ડોલર થઈ હતી. જોકે નિકાસમાં નકારાત્મક ગ્રોથ દર્શાવનારાં ક્ષેત્રોમાં પેટ્રોલિયમ, મરિન પ્રોડક્ટ્સ અને લેધર ક્ષેત્ર છે. સમીક્ષા હેઠળના ગાળા દરમ્યાન અમેરિકા, હોંગકોંગ અને સિંગાપુરમાં નિકાસ ક્રમશઃ 53.91 ટકા, 17.62 ટકા અને 90.76 ટકા વધી હતી. દેશની નિકાસ સપ્ટેમ્બરમાં પણ પોઝિટિવ ગ્રોથ નોંધાયો હતો, પણ ઓક્ટોબરમાં નિકાસ 5.4 ટકા ઘટીને 24.82 અબજ ડોલર થઈ હતી.

 

 

તનુશ્રી દત્તા અભિનયક્ષેત્રે કમબેક કરશે

મુંબઈઃ પોતાની જાતીય સતામણી સામે બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ લગભગ બે વર્ષ પહેલાં જે જંગ શરૂ કર્યો હતો એને કારણે ‘મી ટુ’ બિનસત્તાવાર ઝુંબેશનો આરંભ થયો હતો. જાતીય સતામણી અને અન્યાયને કારણે આ અભિનેત્રી મુંબઈ છોડીને અમેરિકા જતી રહી હતી. ત્યાં થોડાક વર્ષ રહ્યાં બાદ એ મુંબઈ પાછી ફરી હતી.

હવે તનુશ્રી અભિનયક્ષેત્રમાં પુનરાગમન કરવાની છે. એણે પોતે જ આ સમાચારાની જાણ એનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર કરી છે. એણે લખ્યું છે કે નજીકના ભવિષ્યમાં આકાર લે એવા કેટલાક મોટા ફિલ્મી પ્રોજેક્ટ વિશે તે હાલ ચર્ચા કરી રહી છે. આ ફિલ્મો દક્ષિણ ભારતીયની હશે. ફિલ્મોમાં કમબેક કરવા માટે તનુશ્રીએ અમેરિકાની સરકારમાં સંરક્ષણ વિભાગના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગમાં પ્રતિષ્ઠાસમી નોકરીની ઓફર પણ એણે ઠુકરાવી દીધી છે, કારણ કે પોતે એક કલાકાર હોવાથી અભિનય પ્રત્યેનો પ્રેમ એને ભારત પાછો લાવ્યો છે. કમબેક કરવા માટે પોતાને બોલીવૂડમાંથી પણ ઘણો ટેકો મળી રહ્યો છે એમ પણ તનુશ્રીએ જણાવ્યું છે.

ફિલ્મોમાં ફરી કામ કરવા માટે તનુશ્રીએ એનાં શરીરનું 15-કિલો વજન ઉતારી દીધું છે.

પેટા-ચૂંટણીનાં પરિણામો ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું ટ્રેલરઃ રૂપાણી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8-બેઠકોની પેટા-ચૂંટણીનાં પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે. બપોરે 3 વાગ્યા સુધીના અહેવાલો અનુસાર, શાસક ભારતીય જનતા પાર્ટી તમામ 8 બેઠકો પર જીત હાંસલ કરવા તરફ અગ્રેસર હતી. રાજ્યમાં આ વર્ષે જૂનમાં થયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના વિધાનસભ્યોએ રાજીનામાં આપ્યાં પછી આઠ બેઠકો પર ત્રીજી નવેમ્બરે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. કોંગ્રેસમાંથી પાંચ વિધાનસભ્યો ભાજપમાં સામેલ થયા હતા અને ભાજપની ટિકિટ પર પેટા-ચૂંટણી લડી રહ્યા છે.

ચૂંટણી કમિશનરની વેબસાઇટ પર આ પેટા-ચૂંટણીમાં આઠ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે ભાજપનો વોટ શેર 50 ટકાથી વધુ છે. ECIની વેબસાઇટ અનુસાર આઠ સીટો પર ભાજપનો વોટશેર આશરે 54 ટકા છે. જ્યારે કોંગ્રેસનો 34.51 ટકા છે. જ્યારે નોટાને 2.09 ટકા મત મળ્યા છે.

રાજ્યના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ભાજપ એ માત્ર જીત્યો છે, પણ એ ભાજપે બહુમતીથી જીત્યો છે. આદિવાસી વસતિમાં એ મોટા માર્જિનથી જીત્યો છે. અબડાસામાં અહીં સુધી કોંગ્રેસ કરતાં સ્વતંત્ર ઉમેદવાર આગળ છે. આ પરિણામો રાજ્યની આવનારી ચૂંટણીનું ટ્રેલર છે.

તેમણે જણાવ્યું હતું કે પેટાચૂંટણીનાં આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે, પરંતુ પ્રજાએ કોંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ.

 

 

 

 

‘અમેરિકામાં કોરોના વધુ બે લાખનો ભોગ લઈ શકે છે’

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં જીત હાંસલ કરનાર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઈડને કોરોના વાઈરસ રોગચાળા અને તેની રસીના મુદ્દે મહત્ત્વનું નિવેદન કર્યું છે. એમણે કહ્યું છે કે આ વૈશ્વિક મહામારીને રોકતી રસી અમેરિકામાં લોકોને ઉપલબ્ધ થાય ત્યાં સુધીમાં દેશમાં આશરે બે લાખ લોકોનું મૃત્યુ થઈ શકે છે.

બાઈડને કહ્યું કે, અમેરિકામાં કોરોનાને કારણે દરરોજ સરેરાશ 1,000 લોકોનાં મરણ થાય છે અને આ બીમારી અત્યાર સુધીમાં 2,40,000 લોકોનો ભોગ લઈ ચૂકી છે. અનુમાન પરથી માલૂમ પડ્યું છે કે કોરોના રસી વ્યાપક રીતે ઉપલબ્ધ થશે ત્યાં સુધીમાં આવનારા મહિનાઓમાં વધારે 2 લાખ લોકોના જાન જઈ શકે છે.

બાઈડને ગયા રવિવારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોના વાઈરસ સામેની લડાઈને એમનું વહીવટીતંત્ર પ્રાથમિક્તા આપશે. નવી સરકાર કોરોના લોકડાઉન, માસ્ક પહેરવા તથા અન્ય ઉપાયો વિશે સલાહ આપવા માટે નિષ્ણાતોની એક ટીમની રચના કરશે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના 99,68,015 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 2,37,568 જણ મૃત્યુ પામી ચૂક્યા છે.

બિહાર વિધાનસભા ચૂંટણીઃ મતગણતરી ટ્રેન્ડ્સમાં NDAને બહુમતી પ્રાપ્ત

પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આજે સવારથી હાથ ધરાયેલી મતગણતરીમાં બપોરે 12 વાગ્યા સુધીમાં પ્રાપ્ત ટ્રેન્ડ અનુસાર, મુખ્ય પ્રધાન નીતિશ કુમારની જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) અને ભારતીય જનતા પાર્ટી સહિતનું એનડીએ ગ્રુપ 131 બેઠકો પર સરસાઈ મેળવીને બહુમતી હાંસલ કરી ચૂક્યું હતું. ભાજપ અને જેડીયુ પાર્ટીઓના કાર્યકર્તાઓએ પટનામાં જીતની ઉજવણી કરવાનું શરૂ પણ કરી દીધું છે.

243-સભ્યોની વિધાનસભામાં સરકાર રચવા માટે કોઈ પણ પાર્ટી કે પાર્ટીઓના જૂથે ઓછામાં ઓછી 122 સીટ જીતવી પડે.

બિહાર ચૂંટણી માટે 38 જિલ્લાના 55 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી થઈ રહી છે. નીતીશકુમાર છેલ્લાં 15 વર્ષોથી બિહારના મુખ્ય પ્રધાન પદે છે.

તેજસ્વી યાદવના નેતૃત્ત્વ હેઠળના રાષ્ટ્રીય જનતા દળે ચૂંટણીમાં ઉલ્લેખનીય દેખાવ કર્યો છે. આરજેડી, કોંગ્રેસ તથા ડાબેરી પક્ષોના બનાવાયેલા મહાગઠબંધનના ઉમેદવારો 103 સીટ પર સરસાઈમાં હતા.

પક્ષવાર સ્થિતિ મુજબ, ભાજપના ઉમેદવારો 74 સીટ પર આગળ હતા, જ્યારે જેડીયુના 48, આરજેડીના 64, કોંગ્રેસના 20, એલજેપીના 2, તથા અન્ય પક્ષો તથા અપક્ષ સહિતના ઉમેદવારો 29 બેઠકો પર આગળ હતા.

પ્રારંભિક મતગણતરી ઝોક તેજસ્વી યાદવની આગેવાની હેઠળના મહાગઠબંધનતરી જણાઈ રહ્યો છે. જોકે નીતીશકુમારની આગેવાની હેઠળના NDA પણ કાંટાની ટક્કર આપી રહ્યો છે. જોકે તેજસ્વી યાદવના નેતૃત્વમાં ચૂંટણી લડી રહેલા મહાગઠબંધને 125નો આંકડો પાર કર્યો હતો, જ્યારે NDA 110 સીટો પર આગળ ચાલી રહ્યો છે.આમ મહાગઠબંધન અને NDA વચ્ચે તીવ્ર રસાકસી ચાલી રહી છે.

પોસ્ટલ બેલેટમાં ભાજપ- જેડીયુની પકડ માનવામાં આવે છે, પણ એમાં મહાગઠબંધન આગળનો અર્થ છે કે નોકરિયાત- મિડલ ક્લાસ મતો મહાગઠબંધની તરફેણમાં પડ્યા છે. જોકે ચૂંટણીનો અસલી માહોલ સવારે 10 કલાક પછી લાગશે, જ્યારે EVM ખૂલશે.

તેજસ્વીને જન્મદિવસની ગિફ્ટ મળશે? કે નીતીશને મળશે વધુ એક તક?

તમામ એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને બહુમતી મળતી જોવા મળી હતી, પરંતુ શું નીતીશકુમારનો વિશ્વાસ કામ કરશે? છેલ્લા કેટલાક સમયથી એક મોટો સવાલ બિહારમાં ‘કા બા’ નો જવાબ આજે મળી જશે. ગઈ કાલે આરજેડીના સુપ્રીમો તેજસ્વી યાદવે જન્મદિવસ ઊજવ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે તેમનો ગિફ્ટમાં મુખ્ય પ્રધાનની ખુરશી મળે છે કે નહીં?

બીજી બાજુ, નીતીશકુમાર તો પહેલાં જ કહી ચૂક્યા છે કે આ તેમની અંતિમ ચૂંટણી છે. આવામાં શું જનતા તેમને વધુ એક તક આપશે? વળી, ચિરાગ પાસવાન પર લોકોની નજર ચોંટેલી છે, કેમ કે પરિણામો પછી તે કયું વલણ અપનાવે છે?  નવી ખેલાડી પુષ્પમ પ્રિયા પર પણ લોકો નજર રાખી રહ્યા છે.

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 10/11/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

ગુજરાતમાં વિધાનસભાની આઠેય બેઠકની પેટા-ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની તમામ આઠ બેઠકો – અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડાની યોજાયેલી પેટા-ચૂંટણીના આજે જાહેર કરાયેલા પરિણામમાં શાસક ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે. કોરોના રોગચાળા વચ્ચે પેટા-ચૂંટણીમાં 60.75 ટકા મતદાન થયું હતું. આજે સવારે આઠ વાગ્યાથી વિધાનસભાની આઠેય બેઠકો ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. સવારે આઠ વાગ્યાથી તમામ જિલ્લાનાં મતદાન કેન્દ્રો પર મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. પ્રારંભિક મતગણતરીમાં ભાજપ આઠ બેઠકો પર વિજય મેળવ્યો છે, કોંગ્રેસ પાર્ટી એકેય બેઠક પર જીતી શકી નથી.મતકેન્દ્રો ઉપર 25 ખંડમાં 97 ટેબલ પર ગણતરી કરવામાં આવી હતી. કુલ 320 કર્મચારીઓ મતગણતરીના કાર્યમાં જોડાયા હતા. 17 મતદાન મથકો પર EVM થી મતગણતરી કરવામાં આવી હતી. કુલ 97 ટેબલ પર મતગણતરી હાથ ધરાઈ હતી.

કોરોનાને લઈને મતગણતરી માટે તમામ કાઉન્ટિંગ કેન્દ્રોને સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. ત્રીજી નવેમ્બરે રાજ્યમાં આઠ વિધાનસભા બેઠકો – અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા ખાતે કોરોના ગાઇડલાઇન સાથે મતદાન યોજવામાં આવ્યું હતું.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર

  • અબડાસા બેઠક પર ભાજપનાં પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસના ઉમેદવાર ડો.શાંતિલાલ સંઘાણી
  • મોરબી બેઠક પર ભાજપનાં બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ
  • ધારી બેઠક પર ભાજપનાં જે.વી. કાકડિયા, કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા
  • કરજણ બેઠક પર ભાજપનાં અક્ષય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા
  • ગઢડા બેઠક પર ભાજપનાં આત્મરામ પરમાર, કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકી
  • કપરાડા બેઠક પર ભાજપનાં જિતુ ચૌધરી, કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા
  • ડાંગ બેઠક પર ભાજપનાં વિજય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગામિત
  • લીંબડી બેઠક પર ભાજપનાં કિરીટસિંહ રાણા, કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચર

 

 

 

સફળ રિલેશનશીપની ત્રણ ચાવી

ગત સપ્તાહે જોયું તેમ રિલેશનશિપનું પ્રથમ સોપાન છે પોતાની જાત સાથેનું તાદાત્મ્ય! હળવો ખોરાક, યોગ, સારું વાંચન, કલા તથા ધ્યાન વડે સ્વયં સાથે પ્રગાઢ સંબંધ બંધાય એટલે બીજી વ્યક્તિ સાથે સંબંધ જાળવી રાખવાની કુશળતા આપમેળે ખીલે છે.

ત્યારબાદ આ ત્રણ સાધન: દ્રષ્ટિકોણ, અવલોકન અને અભિવ્યક્તિને હસ્તગત કરી લેવાનાં છે. બહારનાં જગત અને વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ તથા ઘટનાઓ પ્રત્યે યોગ્ય દ્રષ્ટિકોણ, પોતાનાં અંતરજગત- ભાવનાઓ, વૃત્તિઓ, વિચારો, વર્તણૂક આ બધાંનું અવલોકન અને બહારનાં જગતમાં પોતાની જાતની યોગ્ય અભિવ્યક્તિ, આ ત્રણ વચ્ચે સંવાદિતા સધાય એટલે રિલેશનશીપ સફળ થાય જ.

તો સફળ રિલેશનશીપની પહેલી ચાવી છે: વિશાળ દ્રષ્ટિકોણ રાખો. સામી વ્યક્તિ મિજાજી છે કે વારે વારે ખોટું લગાડી બેસે છે તો તેના પર મૂડી કે તરંગી નું લેબલ ન લગાવો. તેની આવી  વર્તણૂક પાછળ શું કારણ છે? સ્ટ્રેસને કારણે તે આ પ્રકારનું વર્તન કરે છે, તો તેનો સ્ટ્રેસ દૂર કરવા પ્રયાસ કરો. તમારા પાર્ટનરનો પૂરેપૂરો સ્વીકાર કરો. વિશાળ દ્રષ્ટિ રાખો અને પાર્ટનરને અપનાવો. કોઈ પ્રકારનું દોષારોપણ ન કરો. આ પહેલી ચાવી છે.

બીજી ચાવી છે: આપતાં રહેવું. સંબંધ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જો તમારામાં આપવાની ભાવના છે. અને સાથે સાથે જ અન્યને પણ આપવાનો મોકો આપો. સામી વ્યક્તિને તમે જ સતત આપતાં રહેશો, તમે જ મદદ કર્યા કરશો અને તેમને તમારા માટે કઈં કરવાનો અવકાશ નહીં રાખો તો તમે એમના સ્વમાનને ઠેસ પહોંચાડશો. ઘણી વખત તમે લોકો પાસે થી સાંભળ્યું છે ને કે “જુઓ, મેં તેના માટે કેટલું કર્યું, તો પણ તેને મારા માટે બિલકુલ પ્રેમ નથી.” હા, કારણ તમે વધુ પડતું આપો છો તે સામી વ્યક્તિને અસહજ બનાવે છે.

પ્રેમ માં આદાન-પ્રદાન બંને હોય તે ખૂબ જરૂરી છે. સામી વ્યક્તિ પણ તમારા માટે કઈં કરે તે માટે કુશળતાપૂર્વક તેમને પ્રેરિત કરવા જોઈએ. અને તે માટે અધિકારભર્યો વર્તાવ બિલકુલ ન હોવો જોઈએ. પ્રેમ માં શું થાય છે કે તમે તમારા પાર્ટનર પાસે કઈં માંગણી કરો, અને તેઓ નકારે તો તમે દૂ:ખી થઈ જાઓ છો અથવા ગુસ્સો પણ કરો છો. તમે કહો છો કે “હું તારા માટે હમેશા બધું કરું છું, પણ તેં શું કર્યું મારા માટે?” તમે તમારી જાત પ્રત્યે દયાની લાગણી અનુભવો છો. તમને લાગે છે કે તમારા પાર્ટનર તમારો ઉપયોગ કરી રહ્યાં છે. જાણી લો કે આમ માનવું ભૂલભરેલું છે. કોઈ ક્યારેય તમારો ઉપયોગ કરી શકતું નથી. પણ હા, તમે ઉપયોગી ચોક્કસ થઈ શકો છો. તો હમેશા ઉપયોગી બનવામાં ગૌરવ અનુભવો. અને તમારા પાર્ટનરને પણ તમારા માટે કશું કરવાની તક પૂરી પાડો. આ માટે કૌશલ્યની જરૂર પડશે.

પુરાતનકાળ માં દક્ષિણાનો સુંદર રિવાજ હતો. ગુરુ પોતાનાં ગરીબ શિષ્ય પાસેથી દસ સોનામહોરોની દક્ષિણા માંગતા, શિષ્ય તે માટે અનેક કુશળતા અજમાવતો, કલા, કાવ્ય, સાહિત્ય, વાણિજ્ય દ્વારા એ દસ સોનામહોરો એકત્રિત કરીને ગુરુને દક્ષિણા આપતો અને આ પ્રક્રિયામાં તે પોતે ખૂબ શીખતો, જીવનભર કામ લાગે તેવા હુન્નર તેને શીખવા મળતા. જ્યારે રાજકુંવર પાસેથી ગુરુ; નગરના રસ્તાઓ, લોકોનાં રહેઠાણો, મંદિરોની સફાઇ કરવાની દક્ષિણા માંગતા, જેથી રાજકુંવરને ખ્યાલ આવે કે પ્રજા કઈ સ્થિતિમાં જીવન નિર્વાહ કરી રહી છે. તો સામેની વ્યક્તિ તમને આપે અને સાથે તેને પણ લાભ થાય તેવું આદાન-પ્રદાન રિલેશનશીપને સફળ બનાવે છે. બંને પાર્ટનરનું સન્માન જળવાય છે. પ્રેમમાં આત્મસન્માન હોય તો પ્રેમ પૂર્ણ રૂપે પ્રગટે છે. તો બંને તરફ આદાન-પ્રદાન રાખો, તે રિલેશનશીપની બીજી ચાવી છે.

રિલેશનશીપ ની ત્રીજી ચાવી છે, પાર્ટનરને મોકળાશ આપો, સ્પેસ આપો. સામાન્યત: એવું બનતું હોય છે કે તમે જેને પ્રેમ કરો છો, તેમની પળ પળનો હિસાબ તમારે જોઈતો હોય છે. અને આને કારણે તમે એમના માટે જાણે શ્વાસ લેવાની પણ જગ્યા છોડતાં નથી, વ્યક્તિ રૂંધાઈ જય એટલું બધું આધિપત્ય પ્રેમમાં હોય તો પ્રેમ ટકતો નથી. તમારા પાર્ટનરને મોકળાશ આપો. તેમને ખિલવાનો મોકો આપો. બંધનમાં ન રાખો. અને તમે પણ તમારી સ્વતંત્રતાને જાળવી રાખો.

આપણાં પૂર્વજો આ વાત જાણતા હતા. એ સમયમાં અમુક પ્રાંતમાં એવી પ્રથા હતી કે વર્ષમાં એક મહિનો પતિ-પત્ની એ અલગ રહેવું પડતું. અને આ સમય દરમ્યાન માત્ર પત્ર વ્યવહાર થઈ શકતો. એક બીજાના વિરહની વેદના તેમના પરસ્પર પ્રેમને જાણે નવ પલ્લવિત કરી દેતી! પ્રેમને ખિલવા માટે થોડી તડપ હોવી જરૂરી છે. આ તડપનો ત્યારે જ અનુભવ થાય જ્યારે તમે એકબીજાને થોડી સ્પેસ આપો છો. તો રિલેશનશીપ સફળ થાય તે માટેની ત્રીજી ચાવી છે, તમારા પાર્ટનરને સ્પેસ આપો.

તો પ્રથમ ચાવી: પ્રેમમાં વિશાળ દ્રષ્ટિકોણ રાખો, બીજી ચાવી: આપતાં રહો અને પાર્ટનરને પણ તમારા માટે કશું કરવાનો મોકો આપો, પરસ્પર આદાન-પ્રદાન રાખો અને ત્રીજી ચાવી: તમારા પાર્ટનરને સ્પેસ આપો, ખિલવાની મોકળાશ આપો.

પ્રેમ વડે તમે લગભગ બધી જ પરિસ્થિતિઓ પર વિજય મેળવી શકો છો. જગતમાં એવું કઈં જ નથી જેને પ્રેમ થી જીતી ન શકાય! તમારાં પોતાનાં મનને સંભાળો અને જુઓ કે તમે તમારાં અને તમારા પાર્ટનરનાં જીવનમાં કેવું સકારાત્મક પરિવર્તન લાવી શકો છો!

રિલેશનશીપ સુંદર બનાવવાની માસ્ટર કી અંગે આવતા સપ્તાહે વાત કરીશું.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)