Home Blog Page 4891

નવા કોન્ક્રીટથી પર્યાવરણના નુકસાનને ખાળી શકાયઃ IIT મદ્રાસ

ચેન્નઈઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) મદ્રાસના સંશોધનકર્તાઓએ માટી અને ચૂનાના પથ્થરને ભેગા કરીને એવું કોન્ક્રીટ તૈયાર કર્યું છે, જે સિમેન્ટની જગ્યા લઈ શકે છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે નવા કોન્ક્રીટના માઇક્રોસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ અને સ્થાયિત્વની વચ્ચે એક સંબંધ છે, જે બાંધકામ ઉદ્યોગ માટે સામાન્ય સિમેન્ટની તુલનાએ ઘણું સારું અને મજબૂત સાબિત થઈ શકે અને પર્યાવરણ માટે પણ આ બહુ અનુકૂળ છે. કોન્ક્રીટ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી બાંધકામ સામગ્રી છે. દર વર્ષે સાત ઘન કિલોમીટર કોન્ક્રીટનું નિર્માણ કરવામાં આવે છે. સંશોધનકર્તાઓએ કહ્યું હતું કે પારંપરિક કોન્ક્રીટ સિમેન્ટ, રેતી, પથ્થરોના નાના ટુકડા અને પાણી મેળવીને તૈયાર કરવામાં આવે છે. રાસાયણિક પ્રતિક્રિયાને કારણે તૈયાર કર્યાના કેટલાક કલાક પછી એ કઠણ થઈ જાય છે. તેમણે કહ્યું હતું કે હાલમાં જે અમારી પાસે સિમેન્ટ આવે છે એ રાસાયણિક અને ખનિજ મિશ્રિત હોવાથી અદ્વિતીય ગુણોથી યુક્ત હોવાથી ટકાઉ બની જાય છે.

કોન્ક્રીટથી પર્યાવરણને નુકસાન

વિશ્વભરમાં વૈકલ્પિક કોન્ક્રીટના કુશળ બાઇન્ડર્સ વિકસિત કરવા માટે તમામ પ્રકારના અનુસંધાન થઈ રહ્યા છે અને વધુ ટકાઉ કોન્ક્રીટનું ઉત્પાદન કરવામાં મદદ કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP)એ પણ સિમેન્ટ ઉદ્યોગને વિઘટિત કરીને સિમેન્ટના વિકલ્પો તૈયાર કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો, કેમ કે આનાથી પર્યાવરણને ઘણું નુકસાન થાય છે, એમ આઇઆઇટી મદ્રાસમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર મનુએ કહ્યું હતું.

શહેર કોન્ક્રીટનાં જંગલો

શહેરી વિસ્તારો સતત ચારેકોર વિસ્તરી રહ્યા છે. કહેવા માટે તો એને વિકાસ કહી શકાય, પણ શહેરો માત્ર કોન્ક્રીટનાં જંગલોમાં તબદિલ થઈ રહ્યાં છે. શહેરીકરણથી વૃક્ષોનુમ નિકંદન નીકળી જાય છે, જેથી પર્યાવરણનું અસંતુલન થાય છે. સંશોધનકર્તાએ કહ્યું હતું કે નવા કોન્ક્રીટથી કમસે કમ પર્યાવરણ અસંતુલનથી તો બચાવી શકાય છે, કેમ કે આ કોન્ક્રીટથી પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું.

 

 

ગણપત યુનિવર્સિટી દ્વારા વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદઃ ગણપત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા દેશની સૌ પ્રથમ વર્ચ્યુઅલ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર સાયન્સ, કોમ્યુનિકેશન એન્ડ સિક્યુરિટી વિષય ઉપરની આ કોન્ફરન્સ ગત 26-27 માર્ચે યોજાઈ હતી. દેશના શૈક્ષણિક ક્ષેત્રે સહુપ્રથમવાર જ યોજાયેલી આ વર્ચ્યુઅલ ઈન્ટરનેશનલ કોન્ફરન્સના પબ્લિશિંગ પાર્ટનર તરીકે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા સ્પ્રિંગર જોડાઈ હતી અને તે પણ આ કોન્ફરન્સનું એક મહત્વનું પાસુ છે.

કોસમોસ-2020 નામની આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન ગણપત યુનિવર્સિટીમાં થવાનું હતું પરંતુ કોરોના વાયરસ સામેની લડત આપવા માટે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉન બાદ આ કોન્ફરન્સને વર્ચ્યુઅલ સ્વરુપે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

કેવી રીતે અમેરિકા આજે અજાણ્યા વાઈરસ સામે ઝઝૂમી રહ્યું છે?

આજે જ્યારે આખું વિશ્વ કોરોનાવાઈરસના ભરડામાં જકડાઈ રહ્યું છે ત્યારે અમેરિકા પણ આમાંથી બાકાત નથી. મહાસત્તા તરીકે નામના મેળવનાર અમેરિકા આજે કોરોના નામના વાઇરસના ડેન્ઝર ઝોનમાંથી પસાર થઇ રહ્યું છે. એક અંદાજ પ્રમાણે, લગભગ ૧૫૫,૦૦૦ અમેરિકાનો કોવિડ-૧૯ ના ઝપેટમાં આવી ચૂક્યા છે અને ૨૮૦૦ થી વધારે મૃત્યુ પામ્યા છે. અમેરિકાનું હાર્ટ ગણાતું ન્યુયોર્ક નાઈન ઇલેવનના હુમલાનો માર ખમી શક્યું હતું, પરંતુ આજે અજ્ઞાત અને મહાવિનાશી વાઈરસી રાક્ષસ સામે લડત આપતા હાંફી ગયું છે એ વાતને નકારી શકાતી નથી. ચોવીસ કલાક દોડતું શહેર સન્નાટામાં ઘેરાઈ ગયું છે. જોકે આ સ્થિતિ આજે દુનિયાભરનાં દેશોની છે આમ છતાં અહીંની નજરે નિહાળેલી પરિસ્થતિ હ્રદયદ્રાવક લાગે છે.

વિશ્વના ૧૯૬ દેશો આની ઝપટમાં આવી ગયા છે. બીજા દેશોની માફક અમેરિકા પણ આ વાઇરસના હુમલા માટે તૈયાર નહોતું. ચીન અને ઇટાલીના સમયે અમેરિકા સાવચેત થઇ ગયું હોત તો કદાચ આજની સ્થિતિ આટલી ભયજનક ના હોત. ઓછામાં ઓછું જરૂરી પ્રાથમિક વસ્તુઓ ભેગી કરી શક્યું હોય. દરેકને માસ્ક, હેન્ડગ્લવ્સ અન સેનેટાઇઝર્સ મળી ગયા હોત તો આ વાઈરસ કદાચ આટલી હદે કદાચ ના વકર્યો હોત. પાણી આવ્યા પહેલા પાળ બંધાઈ હોત તો કદાચ આજ હાલત થોડી સારી હોત એવું માની શકાય છે.

દેશની આ પરિસ્થિતિ જોતા પ્રેસિડેન્ટ ટ્રમ્પે રવિવારની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સામાજિક અંતર રાખવા માટેનો કાયદો પહેલા ૨૨ માર્ચ હતો તે આગળ વધારી ૩૦ એપ્રિલ સુધી લંબાવ્યો છે. જેમાં નાના મોટા બધા જ મેળાવડા બંધ રાખવામાં આવ્યા છે. લોકલ બિઝનેસ, જે પ્રાથમિક જરૂરિયાતોમાં આવતા નથી, એની સાથે રેસ્ટોરાં વગેરે પણ બંધ કરાયા છે.

હાલ મળેલા સમાચાર પ્રમાણે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટની આવનજાવન બંધ કરાઈ છે. આ રીતે વાઈરસનો ફેલાવો ઓછો થઇ શકે તેવું માનવામાં આવે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટના એલર્જી અને ચેપી રોગોના નિષ્ણાત ડો. એન્થોની એસ. ફૌસીએ વ્હાઇટ હાઉસમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે આટલી તીવ્રતાથી જો આ રોગ ફેલાતો રહેશે તો ૧૦૦,૦૦૦ થી ૨૦૦,૦૦૦ અમેરિકનોનાં મૃત્યુ પામવાનો ડર રહેલો છે. તેમણે પ્રેસીડેન્ટ ટ્રમ્પને સલાહ આપતા જણાવ્યું હતું કે સ્ટે એટ હોમના ઓર્ડરને વધુ સખત બનાવવો જોઈએ. મૃત્યુનો દર જો આટલી મોટી સંખ્યાનો થાય તેના ઇતિહાસમાં આ પહેલો આવો દુઃખદ પ્રસંગ ગણાશે. આખા અમેરિકાને આ અસહ્ય દુઃખનો સામનો કરવો પડશે.

અંદાજ લગાવવામાં આવે છે કે દેશને સંપૂર્ણપણે વાઈરસ મુક્ત થતા એક વર્ષ નીકળી જશે. ત્યાં સુધીમા યુનાઇટેડ સ્ટેટ્સને 3.5 અબજ માસ્કની જરૂર પડશે.

ન્યુયોર્કનાં વધતા જતા વાઈરસ ગ્રસ્તોની સંખ્યા સામે બચાવના સાઘનો ખૂબ ઓછા પડે છે. આ જ રીતે રહેશે તો માત્ર એક અઠવાડિયું જ ચાલી શકે એટલો પુરવઠો બાકી રહ્યાની ચિંતા ત્યાના ગવર્નરે વ્યક્ત કરી હતી. છતાં બહારથી મંગાવી રહેલા આવવાની તૈયારીમાં છે એવી હૈયા ધારણા તેમને મળતી રહી છે. એ સાધનોમાં મોટાભાગનો પુરવઠો ન્યુ યોર્ક, ન્યુ જર્સી અને કનેક્ટિકટને પૂરો પડાશે, બાકીનો પુરવઠો વિસ્તાર અને દેશભરના અન્ય ઉચ્ચ જોખમવાળા વિસ્તારોના નર્સિંગ હોમ અને હોસ્પિટલોમાં જશે.

અપૂરતા સાધનો હોવાના લીધે સાચા માસ્ક કે સ્નોર્ક્લીન્ગ માટેના માસ્કનો ઉપયોગ કરી વાઈરસ યુદ્ધ સામે લડત આપી રહેલા ડોકટરો અને મેડીકલ આસીસ્ટન્ટ તથા સ્વયંસેવકોને સલામ. જીવનાં જોખમે અત્યારે મેડીકલ ક્ષેત્રમાં રહેલા ડોક્ટર્સથી લઈને હોસ્પીટલમાં રહેલા સામાન્ય કાર્યકરો સતત દર્દીઓ વચ્ચે રહીને તેમની દેખરેખ કરતા રહે છે. આ દરમિયાન વાઈરસ ગ્રસ્ત થવાનો ડર તેમને સહુ પહેલા રહેલો છે. છતાં પણ એ દરેક મેડીકલ કાર્યકર અત્યારે ઘરે રહેવાને બદલે જવાબદારીથી નિષ્ઠાથી સેવા આપી રહ્યા છે તેમનું અમેરિકા જરૂર ઋણી રહેશે.

ઘડીયાળના કાંટા સાથે પોતાની જાન જોખમમાં મૂકીને આ બધા જ કામ કરી રહ્યા છે. આ લોકોની અંગત સમસ્યાઓ અત્યારે બાજુ ઉપર મુકીએ તો, રક્ષણાત્મક ઉપકરણો સાથે હોસ્પિટલના કપડા લાંબો સમય પહેરવાથી બાથરૂમ જવામાં પણ તકલીફ પડે તેવી સ્થિતિમાં સતત કામ કરવાથી શારીરિક રૂપે થાકી જાય છે. અપૂરતી ઊંધ અને થાક બેવડાઈ ગયો છે.  છતાં અત્યારે તેમની જરૂરીયાત છે સમજીને દરેક દેશના મેડીકલ કર્મચારીઓ ખડા પગે સેવા આપી રહ્યા છે. તેમને સો સલામી પણ ઓછી પડે.

ન્યુયોર્કની એક મોટી હોસ્પિટલમાં આ વાઈરસથી ૨૦૦ મેડીકલ કાર્યકરોને પણ ચેપ લાગ્યો હતો. બીજાઓની સેવા કરતા તેમને જીવતદાન આપતી વેળાએ આ લોકોને પોતાના ઉપર જોખમ દેખાય છે છતાં કટોકટીના સમયમાં તેઓ પોતાની ફરજ ચૂકતા નથી. આ જ તેમની મહાનતા છે.

કંટકીની નોર્થવેલ હેલ્થની હોસ્પિટલમાં ૪૦ ડોકટરો કામ કરી રહ્યા હતા તેમાંથી ૧૯ ડોકટરોને ઇન્ફેકશન લાગુ પડ્યું છે. ઠેરઠેર આવા સમાચારો મળતા રહે છે. જેમ જેમ હોસ્પિટલો ભરાય છે તેમ વધુને વધુ લોકોને તેનો ચેપ લાગવાનો ડર રહે છે. રોજ અહીં ખડેપગે કામ કરતા તબીબી કર્મચારીઓને ઘણાં લાંબા સમય સુધી માનસિક શારીરિક ત્રાસ સહન કરવો પડે છે. તેઓને ચેપ લાગવાનો ડર રહે છે. નર્સો અને ડોકટરોની સૌથી ખરાબ સ્થિતિ જોવા મળે છે.

ખાસ જરૂર ના હોય તેવી ઓફિસ કે દુકાનો બંધ કરી દેવી જોઈએ કેમ કે ત્યાં હાજર કર્મચારીઓને જોખમ રહેલું હોય છે. એકાંતવાસ-આઈસોલેટેડ રહેવાની જ્યારે સરકાર અપીલ કરી રહી હોય ત્યારે આપણા દરેકની ફરજ બને છે કે તેમાં સાથ આપીએ. પરસ્પર હળવા મળવાનું બિલકુલ બંધ રાખવું જરૂરી છે. જરૂર ના હોય તો બહાર જવાનું ટાળવું એ આપણી દરેકની નૈતિક ફરજ સમજવી જોઈએ.

આવી કટોકટીની સ્થિતિમાં સહુ પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે ડેલ્ટા એરલાઈન્સ, યુએસએમાં કેટલાક શહેરોમાં ડોક્ટર્સ અને મેડીકલ ક્ષેત્રે જોડાએલા સ્વયંસેવકોને વિના મૂલ્યે રાઉન્ડ ટ્રીપની સેવા આપવાનું જાહેર કર્યું છે. વાઈરસથી પ્રભાવિત વિસ્તારોમાં સરળતાથી આવનજાવન થઇ શકે એ માટે આ સેવા નક્કી કરાઈ છે.

હજારો લોકો પણ દેશની આ સંકટની ઘડીમાં સાથ આપવા જોડાઈ ગયા છે. એકલા ન્યુ યોર્કમાં ૭૬,૦૦૦૦ સ્વયંસેવકો આ અજ્ઞાત વાઈરસ સામેની લડતમાં મદદ માટે આગળ આવ્યા છે. મારા માટે આ બધા આર્મીના જવાનો કરતા ઓછા ઉતરતા નથી.

સહુથી વધારે તકલીફ અત્યારે નર્સિંગહોમમાં છે, જ્યાં વૃદ્ધો અને બીમાર લોકો રહે છે. ઠેરઠેર આવેલા નર્સિંગહોમમાંથી મૃત્યુ પામતા વૃદ્ધોના સમાચાર ચોંકાવે છે. જોડાજોડ રહતા આ લોકોને એકબીજાનો ચેપ ઝડપથી લાગે છે. તેમના સાજા થવાના ચાન્સ ઘણા ઓછા છે.

કોરોના વાયરસ દર્દીઓને ઝડપી સેવા મળી રહે એ માટે નેવીના મર્સી નામક શિપને 1૦૦૦ બેડની તરતી હોસ્પિટલમાં ફેરવાયું છે. જે વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ ક્રુઝ છે. આ શિપમાં દર્દીઓને વાલતા-લઇ જતા હેલિકોપ્ટર માટે હેલીપેડ છે. વહાણ એટલું વિશાળ છે કે  યુનાઇટેડ સ્ટેટ્સની ચોથી સૌથી મોટી હોસ્પિટલ સમાન છે. એ શિપ પહેલાં તો લોસ એન્જલસમાં પહોંચ્યું છે જેથી ત્યાનાં દર્દીઓને તાત્કાલિક સારવાર માટે જરૂરી બધી જ સુવિધાઓ મળી શકે…

પણ, ન્યુયોર્ક અત્યારે કટોકટીની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. જરૂરીયાતવાળા માટે સુવિધાઓયુક્ત જગ્યા તો ઠીક, પૂરતા માસ્ક અને વેન્ટીલેટર પણ નથી! આ પરિસ્થિતિમાં ન્યૂયોર્કને આ શિપની વધારે જરૂર હોવાથી પછીથી નેવી હોસ્પિટલ જહાજને ન્યુયોર્ક મોકલવામાં આવ્યું છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્ર્યુ ક્યુમો અત્યારે આ પરિસ્થિતિમાં ખૂબ હિંમતભેર કામ કરી રહ્યા છે.

અત્યારે આવી જ દયાજનક સ્થિતિ અમેરિકાની જેલમાં જોવા મળી રહી છે. દેશભરની જેલમાં રહેલા કેદીઓ અને કર્મચારીઓમાં કોરોના વાઈરસગ્રસ્ત પીડિતોની સંખ્યા સતત વધી રહી છે. જેલમાં કેદીઓની નજીક નજીક રહેતા હોવાને કારણે રોગચાળો બહુ ઝડપથી વધારે સંખ્યામાં ફેલાઈ જાય છે. એક એજન્સી અનુસાર દેશમાં ૧૭૫,૦૦૦ થી વધુ  કેદીઓ જેલની સજા ભોગવી રહ્યા છે. કર્મચારીઓની તંગી હોવાથી અહી ફેલાતા રોગને કાબુમાં લાવવો અઘરો થઇ પડે છે. વધારામાં, કર્મચારીઓ માટે વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો, જેમ કે માસ્ક અને ગ્લોવ્સની પણ અછત છે. આ જ કારણે ઘણી જેલમાં કેદીઓને છૂટા કરવામાં આવ્યા છે. ચેપનો ફેલાવો ઓછો કરવા આંતરિક કેદીઓનું  સ્થાનાંતરણ સ્થગિત કરી દીધું છે.

દરેક માટે આ વિષમ પરિસ્થિતિ છે. માતૃભૂમિ સાથે જીવનનો મોટાભાગનો સમય જે દેશમાં વીતાવ્યો એ કર્મભૂમિ ઉપર આવેલી આપત્તિની વેળાએ ઘરમાં બેસી રહેવાનું યોગ્ય નથી. છતાં, આ જ સમયની માંગ છે. આ પરિસ્થિતિમાં આપણે સહુએ ઘરે રહીને એક રીતે ફૂલ નહિ તો ફૂલની પાંખડી માની ” એકાંતવાસમાં-સહુની સાથમાં” સમજી સાથ આપવો રહ્યો.

(રેખા પટેલ-ડેલાવર, અમેરિકા)

 

કોરોનાના કેસ વધીને 1500, દેશમાં 48 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કેરળ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળથી કોવિડ-19થી ત્રણ લોકોનાં મોત થયાં હતા. આ સાથે દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસના લોકોની સંખ્યા વધીને 1500 થઈ છે. આ સાથે દેશમાં અત્યાર સુધી 48 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે 146 લોકો આ રોગમાંથી મુક્ત પણ થયા છે. આ સાથે આસામ અને ઝારખંડમાં પહેલો એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.

સરકારે 16 કોરોના વાઇરસના નવા હોટસ્પોટ ઓળખી કાઢ્યાં

આ સાથે સરકારે 16 કોરોના વાઇરસના નવા હોટસ્પોટ ઓળખી કાઢ્યાં છે. આ સ્થળો દિલશાદ, ગાર્ડન અને દિલ્હીમાં નિઝામુદ્દીન, કેરળમાં પઠાનથિટ્ટા અને કસારાગોડ, યુપીના નોઇડા અને મેરુત, રાજસ્થાનના ભિલવારા અને જયપુર, મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુણે, ગુજરાતમાં અમદાવાદ, મધ્ય પ્રદેશનું ઇન્દોર, પંજાબમાં નવાનશાહ, કર્ણાટકમાં બેંગલુરુ, તામિલનાડુમાં ઇરોડ અને આંદામાન અને નિકોબાર ટાપુ છે.    

2100 વિદેશીઓએ તબલિગી કામકાજ માટે ભારત મુલાકાત લીધી

સરકારે કહ્યું હતું કે દિલ્હીના નિઝામુદ્દીનના તબલિગી જમાતના વડા મથકની પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી 2,100 વિદેશી લોકોએ મુલાકાત લીધી હતી. દેશનાં 19 રાજ્યોના લોકો પણ આ મથકકની મુલાકાતમાં આવ્યા હતા હાલમાં આ મથક કોરોના વાઇરસનું સૌથી મોટું એપિ સેન્ટર બની ગયું છે. આ મરકઝમાં છેલ્લા 15 દિવસમાં 5000 લોકોએ મુલાકાત લીધી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે કુલ 303 તબલિગી એક્ટિવિટસ્ટમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યાં હતાં અને તેમને દિલ્હીની હોસ્પિટલોમાં મોકલી આપવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયે વધુમા જણાવ્યું હતું કે અત્યાર સુધી 1,339 તબલિગી જમાત કામદારોને નરેલા, સુલતાનપુરી અને બક્કરવાલા સહિત વિવિધ હોસ્પિટલોમાં ક્વોરોન્ટાઇન સુવિધામાં મોકલી આપવામાં આવ્યા છે.

આ સાથે 21 માર્ચે આશરે 824 વિદેશીઓ દેશના વિવિધ ભાગોમાં મરકઝથી ફેલાઈ ગયા છે, જેમાંથી 216 લોકો નિઝામુદ્દીનના મરકઝમાં રહી રહ્યા છે

 

 

કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદને સ્વચ્છ રાખવાની જહેમત

અમદાવાદ: કોરોનાની મહામારી ને રોકવા આખાય ભારત દેશના નાગરિકો ને ઘરની બહારની નિકળવાની મનાઇ ફરમાવી દેવાઇ છે. આ કોરોના વાયરસ રુપી આફતને રોકવા સૌનું સ્વાસ્થ્ય સારું રહે અને ગામ, શેરી, મહોલ્લા, સોસાયટીઓ સ્વચ્છતા જળવાય એ પણ એટલું જ જરૂરી છે. આવા આફતના સમયે સૌનું આરોગ્ય સારું રહે અને સ્વચ્છતા જળવાય એ માટે સરકારી તંત્રના તમામ વિભાગના કર્મચારીઓ સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઈ છે.

અમદાવાદ જેવા મહાનગરમાં પાલિકાના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય એવા ઝોન પડેલા છે. આ તમામ ઝોનમાં માર્ગો પર સફાઇ કરવી, કચરો ઉપાડવાની કામગીરી, ઘરે ઘરે થી કચરો લેવડાવવો, મેલેરિયા ની દવાનો છંટકાવ, શહેરના માર્ગો પર દવાનો છંટકાવ જેવી લોકોના આરોગ્ય સાથે જોડાયેલી અનેક કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે ચેપી રોગો ના ડર અને દહેશત વચ્ચે આખાય શહેરના જુદા જુદા વિસ્તારોમાં સફાઇ કામગીરી નિયમિત થઇ રહી છે. આ સાથે ડોર ટુ ડોર કચરો લઇ જતી ગાડીઓ પણ કાર્યરત છે. મેડિકલ નો કચરો હોય કે સોસાયટીનો… જો એક દિવસ રજા પડે તો શું સ્થિતિ થાય એ સમજી શકાય છે. આવા વખતે માર્ગોની સફાઈ કરતા કામદારો ને જોઇને લાગશે કે શહેરને સ્વચ્છ રાખતા સૈનિકો તો આ જ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

બજારની નાણાકીય વર્ષને તેજી સાથે વિદાય

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા દિવસે બજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારોની તેજીને પગલે સ્થાનિક બજારોમાં ઇન્ટ્રા-ડે દરમ્યાન તેજી રહી હતી. સેન્સેક્સ 1028 પોઇન્ટ વધીને 29,468ના સ્તરે બંધ થયો હતો. બીએસઈના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 317 પોઇન્ટ વધીને 8,598ના મથાળે બંધ થયો હતો. તેજીને લીધે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.5 લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ ઇન્ડેક્સ પણ 258 પોઇન્ટ વધીને 11,704ના સ્તરે બંધ થયો હતો.

ચીનથી સારા સમાચાર

ચીનના ઔદ્યોગિક ઉત્પાદને ફરી એક વાર ગતિ પકડી છે. ચીનનો PMI ડેટા સારો આવ્યો છે.ચીનના સત્તાવાર ડેટા મુજબ માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન ઇન્ડેક્સ 50 રહ્યો હતો, જે ફેબ્રુઆરીમાં 35.7ના સ્તરે હતો.

છેલ્લા એક મહિનામાં નિફ્ટી  22 ટકા ઘટ્યો

માર્ચ મહિનામાં નિફ્ટી 22 ટકા, બેન્ક નિફ્ટી 33 ટકા અને આઇટી ઇન્ડેક્સ 17 ટકા ઘટ્યા હતા. સ્ટોક સ્પેસિફિક જોઈએ તો આ મહિનો ઇન્ડસઇન્ડ બેન્ક 67 ટકા, M&M ફાઇનાન્શિયલ 56 ટકા આરબીએલ બેન્ક 52 ટકા, બજાજ ફિનસર્વ 49 ટકા, એક્સિસ બેન્ક 43 ટકા, તાતા મોટર્સ 43 ટકા, વેદાન્તા 39 ટકા અને JSW સ્ટીલ 37 ટકકા ઘટ્યા હતા.

આ વર્ષે મિડકેપ શેરોમાં નોંધપાત્ર ધોવાણ

આ વર્ષે મિડકેપ લૂઝર્સમાં જોઈએ તો NBCC 75 ટકા, ઇન્ડિયન બેન્ક 85 ટકા, ભેલ 72 ટકા, વેરોકમાં 77 ટકા, પીએનબી હાઉસિંગમાં 82 ટકા, ફ્યુચર રિટેલમાં 83 ટકા અને એડલવેઇઝમાં 81 ટકાનો ઘટાડો થયો હતો.

આ વર્ષે સેન્સેક્સ 24 ટકા અને નિફ્ટી 39 ટકા ઘટ્યા

ચાલુ નાણાકીય વર્ષે (2019-20)માં નિફ્ટી 29 ટકા ઘટ્યો છે તો સેન્સેક્સ 24 ટકા ઘટ્યો છે. આ સાથે બેન્ક નિફ્ટી 38 ટકા, મિડકેપ 37 ટકા, સ્મોલકેપ 48 ટકા, નિફ્ટી આઇટી 21 ટકા, નિફ્ટી ફાર્મા 26 ટકા, નિફ્ટી એફએમસીજી 15 ટકા, કેપિટલ ગુડ્ઝ 41 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 20 ટકા ઘટ્યા છે. આ ઉપરાંત બીએસઈ પીએસયુ 44 ટકા, ઓટો 44 ટકા, ઓટો 44 ટકા, મેટલ ઇન્ડેક્સ 52 ટકા, ઓઇલ એન્ડ ગેસ 40 ટકા અનમે રિયલ્ટી ઇન્ડેક્સ 36 ટકા ઘટ્યા છે.

 

 

લોકડાઉનમાં ઘરમાં વર્કઆઉટ કરતી હિના ખાન…

ટીવી સિરિયલોની અભિનેત્રી હિના ખાન તેની ફિટનેસનું ધ્યાન રાખવામાં બહુ સતર્ક રહે છે. પણ હાલ કોરોના વાઈરસને કારણે 21-દિવસનું લોકડાઉન હોવાને કારણે જિમ્નેશિયમ બંધ હોવાથી એ મુંબઈમાં પોતાના ઘરમાં જ કસરત-વર્કઆઉટ કરે છે. એણે કસરત કરતી પોતાની તસવીરો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી છે અને નેટયુઝર્સને અપીલ કરી છે કે તેઓ પણ હોમ ક્વોરન્ટાઈનના આ સમયગાળા દરમિયાન ઘરમાં કસરતો કરે અને પોતાની શારીરિક તંદુરસ્તી જાળવે. હિના 'યે રિશ્તા ક્યા કેહલાતા હૈ', 'કસૌટી ઝિંદગી કી' જેવી ટીવી સિરિયલોની ભૂમિકાઓ માટે તેમજ ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 11' સીઝનની રનર-અપ (2017) તરીકે જાણીતી છે.












કોરોના સામેના જંગમાં મદદઃ મહારાષ્ટ્રમાં જનપ્રતિનિધિઓના માર્ચના પગારમાં 60%નો કાપ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે જાહેરાત કરી છે કે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે આદરવામાં આવેલા જંગમાં મદદરૂપ થવા માટે પોતાના, નાયબ મુખ્ય પ્રધાનના, તમામ સાથી પ્રધાનોના, રાજ્યના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના પગારમાં કાપ મૂકવામાં આવશે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ સહિત તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પગારમાં 60 ટકાનો કાપ મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે સમગ્ર દેશ કોવિડ-19 વાઈરસને રોકવા માટે ત્રણ અઠવાડિયા માટે (21 દિવસ માટે) લોકડાઉન નિયંત્રણોનો અમલ બજાવી રહ્યો છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેથી લઈને ગ્રામ પંચાયતના સભ્યો સહિત તમામ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ એમના માર્ચ મહિનાના પગારમાં માત્ર 40 ટકા રકમ જ લેશે અને 60 ટકા રકમ નહીં લે. જ્યારે ક્લાસ-A અને ક્લાસ-B સ્તરના સરકારી કર્મચારીઓ 50 ટકા પગાર સ્વીકારશે.

નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યના નાણાં પ્રધાન અજિત પવારે સરકારના આ નિર્ણયની જાહેરાત કરી છે. એમણે કહ્યું કે મુખ્ય પ્રધાન ઠાકરે તથા અનેક કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મસલત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પોતાના કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાની તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે જાહેરાત કર્યા બાદ આવો નિર્ણય લેનાર મહારાષ્ટ્ર બીજું રાજ્ય બન્યું છે. ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે ક્લાસ-4ના કર્મચારીઓને બાદ કરતાં તમામ સરકારી કર્મચારીઓ એમના પગારમાં 50 ટકા કાપ મૂકશે. એમણે કહ્યું કે રાજ્ય સરકારના પેન્શનરોને પણ આ નિર્ણય લાગુ પડશે અને તેઓને પણ માર્ચ મહિનાનો અડધો પગાર મળશે.

નાણાકીય વર્ષમાં કોઈ ફેરફાર નહીં થાયઃ કેન્દ્ર

 નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે નાણાકીય વર્ષની સમયમર્યાદામાં કોઈ વધારો કરવામાં નહીં આવે અને એ નિર્ધારિત સમય પર જ શરૂ થશે. સરકારે કહ્યું છે કે મિડિયામાં કેટલાક ખોટા સમાચાર ચાલી રહ્યા છે કે નાણાં વર્ષની સમયમર્યાદા વધારવામાં આવી છે. 30 માર્ચ, 2020 ભારત સરકારે એક નોટિફિકેશન જારી કર્યું હતું.

આમાં ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટમાં કેટલાંક સંશોધન કરવામાં આવ્યાં હતાં, જેને મિડિયાએ ખોટી રીતે ચલાવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે નાણીય વર્ષની સમયમર્યાદામાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો.

નાણાં મંત્રાલયે કહ્યું હતું કે નાણાં  મંત્રાલયના રેવેન્યુ ડિપાર્ટમેન્ટે 30 માર્ચે એક નોટિફિકેશન જારી કર્યું હતું, જે ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટમાં કેટલાંક સંશોધનોથી સંબંધિત છે. જેનો ઉદ્દોશ સ્ટોક એકસ્ચેન્જો દ્વારા સિક્યોરિટી માર્કેટ લેવડદેવડ અથવા સ્ટોક એક્સચેન્જ ડિપોઝિટરી દ્વારા ક્લિયરિંગ કોર્પોરેશનથી થનારી લેવડદેવડથી સ્ટેમ્પ ડ્યુટી સંગ્રહની પ્રણાલીને સક્ષમ બનાવવાની છે.

આ બદલાવ પહેલી એપ્રિલ, 2020થી અમલમાં આવશે, એના માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જોકે હાલની સ્થિતિને જોતાં એ નિર્ણય લેવામાં આવ્યો છે કે એને લાગુ કરવાની તારીખ હવે એક જુલાઈ, 2020 કરી દેવામાં આવી છે.

પ્રિયંકા ન્યુયોર્કમાં છે ત્યાંથી ય પીએમ ફંડમાં દાન કરે છે

નવી દિલ્હી: કોરોના વાઈરસ સામે લડવા માટે અનેક જાણીતી હસ્તીઓ દાન કરી રહી છે. બોલીવુડથી લઈને હોલીવુડ સુધી ધૂમ મચાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા ભલે ન્યૂયોર્કમાં રહે છે પરંતુ તેનું દિલ તો હમેશાં ભારત માટે જ ધડકે છે. આ જ કારણ છે કે, દેશથી હજારો કિમી દૂર વિદેશમાં હોવા છતાં કોરોના વાઈરસના સંકટમાં ભારતની મદદે આગળ આવી છે. પ્રિયંકા ચોપડા અને તેમના પતિ નિકે જોનાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર પીએમ રિલીફ ફંડમાં દાન કર્યું છે.

પ્રિયંકાએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ અંગે માહિતી આપી છે. પ્રિયંકાએ લખ્યું- દુનિયામાં અનેક લોકોને આપણાં સહકારની જરૂર છે. જેથી હું અને નિક એવી સંસ્થાઓને દાન કરવા માંગતા હતા જેઓ ગરીબો, બેઘર પરિવારો, ડોક્ટરોની મદદ કરી રહી છે. જે બાળકોનું પેટ ભરી રહી છે અને મ્યુઝિક અને એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીની મદદ કરી રહી છે. આ બધાંને આપણાં સપોર્ટની જરૂર છે અને તમને બધાંને દાન કરવાની અપીલ કરીએ છી. કોઈપણ રકમ નાની હોતી નથી પછી ભલે તે એક ડોલર જ કેમ ન હોય. આપણે એકજૂટ થઈને બદલાવ લાવી શકીએ છીએ.

મહત્વનું છે કે, પીએમ કેર ફંડમાં દાન કરવાની સાથે સાથે પ્રિયંકા યૂનિસેફ, ગૂંજ, ડાક્ટર્સ વિધાઉટ બોર્ડર, પીએમ રાહત ફંડ જેવી સંસ્થાઓમાં મદદ માટે દાન કર્યું છે. પ્રિયંકા ચોપડા સતત સોશિયલ મીડિયા પર કોરોનાવાઈરસ સંબંધિત માહિતી શેર કરી રહી છે.