નવા કોન્ક્રીટથી પર્યાવરણના નુકસાનને ખાળી શકાયઃ IIT મદ્રાસ

ચેન્નઈઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) મદ્રાસના સંશોધનકર્તાઓએ માટી અને ચૂનાના પથ્થરને ભેગા કરીને એવું કોન્ક્રીટ તૈયાર કર્યું છે, જે સિમેન્ટની જગ્યા લઈ શકે છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે નવા કોન્ક્રીટના માઇક્રોસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ અને સ્થાયિત્વની વચ્ચે એક સંબંધ છે, જે બાંધકામ ઉદ્યોગ માટે સામાન્ય સિમેન્ટની તુલનાએ ઘણું સારું અને મજબૂત સાબિત થઈ શકે અને પર્યાવરણ માટે પણ આ બહુ અનુકૂળ છે. કોન્ક્રીટ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી બાંધકામ સામગ્રી છે. દર વર્ષે સાત ઘન કિલોમીટર કોન્ક્રીટનું નિર્માણ કરવામાં આવે છે. સંશોધનકર્તાઓએ કહ્યું હતું કે પારંપરિક કોન્ક્રીટ સિમેન્ટ, રેતી, પથ્થરોના નાના ટુકડા અને પાણી મેળવીને તૈયાર કરવામાં આવે છે. રાસાયણિક પ્રતિક્રિયાને કારણે તૈયાર કર્યાના કેટલાક કલાક પછી એ કઠણ થઈ જાય છે. તેમણે કહ્યું હતું કે હાલમાં જે અમારી પાસે સિમેન્ટ આવે છે એ રાસાયણિક અને ખનિજ મિશ્રિત હોવાથી અદ્વિતીય ગુણોથી યુક્ત હોવાથી ટકાઉ બની જાય છે.

કોન્ક્રીટથી પર્યાવરણને નુકસાન

વિશ્વભરમાં વૈકલ્પિક કોન્ક્રીટના કુશળ બાઇન્ડર્સ વિકસિત કરવા માટે તમામ પ્રકારના અનુસંધાન થઈ રહ્યા છે અને વધુ ટકાઉ કોન્ક્રીટનું ઉત્પાદન કરવામાં મદદ કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP)એ પણ સિમેન્ટ ઉદ્યોગને વિઘટિત કરીને સિમેન્ટના વિકલ્પો તૈયાર કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો, કેમ કે આનાથી પર્યાવરણને ઘણું નુકસાન થાય છે, એમ આઇઆઇટી મદ્રાસમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર મનુએ કહ્યું હતું.

શહેર કોન્ક્રીટનાં જંગલો

શહેરી વિસ્તારો સતત ચારેકોર વિસ્તરી રહ્યા છે. કહેવા માટે તો એને વિકાસ કહી શકાય, પણ શહેરો માત્ર કોન્ક્રીટનાં જંગલોમાં તબદિલ થઈ રહ્યાં છે. શહેરીકરણથી વૃક્ષોનુમ નિકંદન નીકળી જાય છે, જેથી પર્યાવરણનું અસંતુલન થાય છે. સંશોધનકર્તાએ કહ્યું હતું કે નવા કોન્ક્રીટથી કમસે કમ પર્યાવરણ અસંતુલનથી તો બચાવી શકાય છે, કેમ કે આ કોન્ક્રીટથી પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું.