ટચૂકડા પડદાના સુવર્ણયુગને ફરી જીવંત કરી રહયું છે દૂરદર્શન

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે દૂરદર્શનના જૂના દિવસ પાછા આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે દૂરદર્શન પર એક જમાનામાં અતિ લોકપ્રિય થયેલા શોને ફરીથી ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ શોનો એક મોટો ચાહકવર્ગ છે.

ભારત સરકારના માહિતી વિભાગ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, એપ્રિલથી શક્તિમાન, શ્રીમાન શ્રીમતી, ચાણક્ય, ઉપનિષદ ગંગા અને કૃષ્ણા કાલી સિરિયલ દૂરદર્શન પર ફરી વખત પ્રસારિત કરવામાં આવશે. આ સાથે જ તમામ કેબલ ઓપરેટરોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે કે દૂરદર્શન, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી ચેનલોને ફરજીયાતપણે દેખાડવામાં આવે. જો કોઈ કેબલ ઓપરેટરો વિરુદ્ધ ફરિયાદ આવશે તો કેબલ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટેલીવિઝનના સુવર્ણયુગને ફરી જીવંત કરવાની તૈયારી:

મહત્વનું છે કે, આ પહેલા દૂરદર્શનની ડીડી નેશનલ ચેનલ પર રામાયણ અને ડીડી ભારતી પર મહાભારતનું ટેલિકાસ્ટ શરું થઈ ચૂક્યું છે. શાહરુખ ખાનનો શો સર્કસ અને જાસૂસી સીરિયલ બ્યોમકેશ બક્સી પણ ફરીથી પ્રસારીત કરવામાં આવી રહ્યા છે. આ તમામ શો 80 અને 90ના દાયકાના છે. આ શોને જોવા વાળી પેઢી હવે મિડલ ઉંમરમાં છે. જેથી બાળપણ અને કિશોરાવસ્થાના શો તેમને યાદોના દરિયામાં ડુબાડી દેશે અને નવી પેઢીને સંસ્કારો સાથે સમજણ કેળવવામાં મદદ કરશે.

મહત્વનું છે કે, ચાણક્યનું પ્રથમ પ્રસારણ 1991 1992ની વચ્ચે થયું હતું. 47 એપિસોડની આ એકદમ લોકપ્રિય સીરિઝનું નિર્દેશન ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું હતું અને તેમણે પોતે ચાણક્યનો રોલ નિભાવ્યો હતો. કોમેજી સીરિઝ શ્રીમાન શ્રીમતીનું પ્રસારણ 1994 1999ની વચ્ચે થયું હતું. 143 એપિસોડની આ સીરિઝનું નિર્દેશન રાજન વાઘધરેએ કર્યું હતું. જતિન કનકિયા, રીમા લાગૂ, રાકેશ બેદી અને અર્ચના પૂરણ સિંહે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.