બજારની નાણાકીય વર્ષને તેજી સાથે વિદાય

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા દિવસે બજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારોની તેજીને પગલે સ્થાનિક બજારોમાં ઇન્ટ્રા-ડે દરમ્યાન તેજી રહી હતી. સેન્સેક્સ 1028 પોઇન્ટ વધીને 29,468ના સ્તરે બંધ થયો હતો. બીએસઈના બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 317 પોઇન્ટ વધીને 8,598ના મથાળે બંધ થયો હતો. તેજીને લીધે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.5 લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ ઇન્ડેક્સ પણ 258 પોઇન્ટ વધીને 11,704ના સ્તરે બંધ થયો હતો.

ચીનથી સારા સમાચાર

ચીનના ઔદ્યોગિક ઉત્પાદને ફરી એક વાર ગતિ પકડી છે. ચીનનો PMI ડેટા સારો આવ્યો છે.ચીનના સત્તાવાર ડેટા મુજબ માર્ચમાં ઔદ્યોગિક ઉત્પાદન ઇન્ડેક્સ 50 રહ્યો હતો, જે ફેબ્રુઆરીમાં 35.7ના સ્તરે હતો.

છેલ્લા એક મહિનામાં નિફ્ટી  22 ટકા ઘટ્યો

માર્ચ મહિનામાં નિફ્ટી 22 ટકા, બેન્ક નિફ્ટી 33 ટકા અને આઇટી ઇન્ડેક્સ 17 ટકા ઘટ્યા હતા. સ્ટોક સ્પેસિફિક જોઈએ તો આ મહિનો ઇન્ડસઇન્ડ બેન્ક 67 ટકા, M&M ફાઇનાન્શિયલ 56 ટકા આરબીએલ બેન્ક 52 ટકા, બજાજ ફિનસર્વ 49 ટકા, એક્સિસ બેન્ક 43 ટકા, તાતા મોટર્સ 43 ટકા, વેદાન્તા 39 ટકા અને JSW સ્ટીલ 37 ટકકા ઘટ્યા હતા.

આ વર્ષે મિડકેપ શેરોમાં નોંધપાત્ર ધોવાણ

આ વર્ષે મિડકેપ લૂઝર્સમાં જોઈએ તો NBCC 75 ટકા, ઇન્ડિયન બેન્ક 85 ટકા, ભેલ 72 ટકા, વેરોકમાં 77 ટકા, પીએનબી હાઉસિંગમાં 82 ટકા, ફ્યુચર રિટેલમાં 83 ટકા અને એડલવેઇઝમાં 81 ટકાનો ઘટાડો થયો હતો.

આ વર્ષે સેન્સેક્સ 24 ટકા અને નિફ્ટી 39 ટકા ઘટ્યા

ચાલુ નાણાકીય વર્ષે (2019-20)માં નિફ્ટી 29 ટકા ઘટ્યો છે તો સેન્સેક્સ 24 ટકા ઘટ્યો છે. આ સાથે બેન્ક નિફ્ટી 38 ટકા, મિડકેપ 37 ટકા, સ્મોલકેપ 48 ટકા, નિફ્ટી આઇટી 21 ટકા, નિફ્ટી ફાર્મા 26 ટકા, નિફ્ટી એફએમસીજી 15 ટકા, કેપિટલ ગુડ્ઝ 41 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 20 ટકા ઘટ્યા છે. આ ઉપરાંત બીએસઈ પીએસયુ 44 ટકા, ઓટો 44 ટકા, ઓટો 44 ટકા, મેટલ ઇન્ડેક્સ 52 ટકા, ઓઇલ એન્ડ ગેસ 40 ટકા અનમે રિયલ્ટી ઇન્ડેક્સ 36 ટકા ઘટ્યા છે.