શેરબજાર પાસે હાલ કોઈ મોટી આશા રાખતા નહીં ! ઈન્વેસ્ટરોએ સમજવા જેવી હકીકત શું છે?

મોટા ઘટાડામાં થોડું ખરીદો, મોટા ઉછાળામાં વેચીને નફો બુક કરો, બાકી બજારને લાંબો સમય આપો. સપ્તાહનો આરંભ ફરી કડાકાથી થયો અને એક જ દિવસમાં 2.85 લાખ કરોડની મૂડીનું ધોવાણ થઈ ગયું હતું. સૌથી વધુ વેચાણ વિદેશી રોકાણકારો કરી રહ્યા હોવાનું નોંધાયું છે. કોરોના કરતા અર્થતંત્ર સતત તૂટતું હોવાનો ભય વધુ ફેલાઈ રહ્યો હોવાથી આમ બની રહ્યું છે.


સરકારે તેના  વચન મુજબ છેલ્લા કેટલાંક દિવસોમાં ગરીબ-સામાન્ય માણસોથી લઈ વેપાર ઉધોગ વર્ગ માટે  આર્થિક રાહતની ચોકકસ જાહેરાત કરી. રિઝર્વ બેંકે પણ અપેક્ષા મુજબ વ્યકિતથી લઈ કંપનીઓ સુધી વિવિધ સ્વરૂપે રાહત આપી. આ રાહતથી સરકારનું કામ પુરું નહી થાય અને પ્રજાનું કે વેપાર-ઉધોગનું કામ પણ પુરું નહીં થાય. કારણ કે આપણો દેશ કોરોનાની લપેટમાં તો હજી બહુ આવ્યો નથી,  કિંતુ મંદીની લપેટમાં બહુ ગંભીર સ્વરૂપે આવી રહયો છે. હવે આપણે એ દિશામાં જઈ રહયા છે ત્યાં કોરોના નહીં હોય તો પણ આર્થિક સમસ્યા આંખો ફાડીને સામે ઊભી હશે. વિશ્વ આખું મંદીના વિષચક્રમાં ફસાઈ ગયું છે. જયાંસુધી કોરોના છે ત્યાંસુધી  કોઈપણ દેશની રાહત  પુરી થવા લાગશે  તો ય કોઈ સુધારો થશે નહીં, કારણ કે કોરોનાને કારણે આર્થિક પ્રવૃતિ અને સામાજીક  વ્યવહારો સ્થગિત થઈ  ગયા છે.

રાહતથી આફત જશે નહીં

સરકારે અને રિઝર્વ બેંકે જે કંઈ  રાહત જાહેર કરી છે તેમાં અંદાજિત ત્રણ મહિનાનો સમય આપ્યો હોવાથી એક તારણ એવું નીકળે છે કે કોરોના સર્જીત આફત ત્રણ મહિના તો પાકકી રહેવાની શકયતા છે. અલબત્ત, સરકારે અને રિઝર્વ બેંકે સમય-સંજોગ મુજબ વધુ રાહતની પણ  તૈયારી બતાવી  છે. આમ તો દરેક દેશો પોતાના અર્થતંત્રને ટેકો આપવા જંગી રાહત પેકેજ જાહેર કરતા રહયા છે, તેમછતાં વૈશ્વિક સંસ્થાઓના મતે વિશ્વ આખું મંદીની માંદગીમાં   પ્રવેશી ગયું છે, જે સંભવત કોરોનાથી પણ વધુ ગંભીર બની શકે. આ ભયંકર અનિશ્રિંતતાના  સંજોગોમાં  અર્થતંત્ર અને બજારો કયારે, કઈ રીતે અને કેટલાં  સુધરશે એ કોઈ કહી શકે એમ નથી, તેનો અંદાજ લગાવવો પણ કઠિન બની ગયું છે.

ઈન્વેસ્ટરો આટલું સમજી લે

અર્થતંત્ર હોય કે વેપારના બજારો કે પછી ઉધોગો , એ આર્થિક પરિબળો (ફંડામેન્ટલ્સ), સેન્ટીમેન્ટ (લોક માનસ) અને લિકવીડિટી (પ્રવાહિતા-પૈસાની છુટ) પર આધાર રાખતા હોય છે. જેના આધારે રોકાણ જગત કામ કરતું હોય છે. તેથી હાલમાં ઈન્વેસ્ટરોએ કેટલીક હકીકત સમજવી આવશ્યક છે.

માગ અને વપરાશની મંદી

પહેલી વાત, સમગ્ર દેશમાં લાંબું લોક ડાઉન ચાલી રહયું હોવાથી ઉત્પાદન પ્રવૃતિ અને વેપાર પ્રવૃતિ સાવ જ બંધ છે. અલબત્ત, આમાં કેટલીક આવશ્યક ચીજ-વસ્તુઓ અપવાદ છે. જો કે તેના આશરે અર્થંતંત્ર ચાલી શકે નહીં. આ બંધી અને મંદીને કારણે નાણાંની હેરફેર નહિવત થઈ ગઈ છે. કરોડના હિસાબે નોકરી, ધંધા , સ્વરોજગાર, વગેરે અસર પામ્યા છે. આવી હાલતમાં વપરાશ કયાંથી અને કેટલો વધી શકે?, વપરાશની અછત હોય તો માગ કયાંથી અને કેટલી વધી શકે? મોટાભાગના વેપાર-ઉધોગ ધિરાણના બોજ હેઠળ છે. તેમને રિઝર્વ બેંકે ચોકકસ રાહત આપી ભલે, પરંતુ એ તો કામચલાઉ છે, જયારે કે તેમની સમસ્યા લાંબી, નાજુક  અને ગહન છે. રિઝર્વ બેંકે ધિરાણ માટે નાણાં પુરવઠો-પ્રવાહિતા તો વધારી આપી , કિંતુ એ ધિરાણ લેવા કોણ , શા માટે આવશે ? કેટલીક રાહતથી અમુક વર્ગના હાથમાં નાણાં બચશે, કિંતુ તે વર્તમાન સંજોગોમાં ચોકકસ બાબતો સિવાય વપરાશે કયાં એ મોટો સવાલ છે.

બે કવાર્ટર  નબળાં રહી શકે

એકતરફ અર્થતંત્ર સામે વપરાશ- માગની મંદી ચાલુ  છે ત્યારે બીઝીતરફ  ક્રુડની ક્રાઈસિસ ઊભી છે, સીધા વિદેશી રોકાણની વાત તો બાજુએ રહી, શેરબજારમાંથી  વિદેશી રોકાણ સતત પાછું ખેંચાઈ રહયું છે. ડોલર સામે રૂપિયો નબળો પડી રહયો છે.રોજગારલક્ષી ગણાતા  ઓટો અને કન્સ્ટ્રકશન જેવા સેકટરમાં  દુકાળ જેવી હાલત છે. રોજિંદી આવક પર જીવતા મજુરો પોતાના ગામ તરફ વળી રહયા છે. કંપનીઓના બિઝનેસ કામકાજ થંભી ગયા હોવાથી  કમસે કમ બે કવાર્ટર (બે ત્રિમાસિક ગાળા) ની કામગીરી નિરાશાજનક રહેવાની સંભાવના ઊંચી છે. આવામાં માર્કેટ કયાંથી  ચાલી શકે?   દેશનો વિકાસ દર નીચે રહેવાનું નિશ્ચિત છે. આર્થિક વેગ માટે કોરોનાનો લોક ડાઉન પત્યા બાદ વેપાર-ઉધોગને હજી રાહત જોઈશે.

બજારમાં હાલ શું કરવું?

આ સમયમાં રોકાણકારો બજારની વોલેટાઈલ (તોફાની વધઘટવાળી) ચાલને જોઈને કયારે ખરીદવું, કયારે વેચવું અને કેટલો સમય જાળવી રાખવું ?  નાણાંનું રોકાણ કયાં –કેટલું કરવું ? જેવા સવાલો સાથે મુંઝવણમાં છે, જેના જવાબમાં અત્યારે તો એમ કહી શકાય કે બજાર પાસે મજબુત ફંડામેન્ટલ્સ તો છે જ નહીં. પ્રવાહિતા બહુ કામ નહીં કરે, કારણ કે બજારમાં ખરીદવાનો જુસ્સો આવી શકતો નથી. નબળાં અને નિરાશાજનક સેન્ટીમેન્ટને કારણે બજાર હજી ઘટી શકવાની શકયતાને લીધે નવી ખરીદીને વેગ મળી શકતો નથી. ગભરાટમાં વેચાણ થયા કરે છે. બાકી હાલ બજારનો સાદો ફંડા એ ચાલે છે કે વધે તો નફો બુક કરી લો અને ઘટે તો થોડું ખરીદી લો. બજાર પાસે બહુ આશા ન રાખો. અન્યથા બજારને લાંબો સમય આપી દો.

  • જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)