સેન્સેક્સ 1,375 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 8,300ની નીચે

અમદાવાદઃ આર્થિક ગ્રોથની ચિંતા અને વૈશ્વિક નબળા સંકેતોને પગલે સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સરકારે જાહેર કરેલું રાહત પેકેજ અને રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં મૂકવામાં આવેલો કાપ પણ કામ ના આવ્યાં. જેથી સપ્તાહના પ્રારંભે સેન્સેક્સ 1,375 પોઇન્ટ તૂટ્યો હતો અને નિફ્ટી ચાર ટકાથી વધુ તૂટ્યો હતો અને 8,300ની નીચે સરક્યો હતો. નિફ્ટી બેન્ક પણ 1100 પોઇન્ટ તૂટ્યો હતો. ફાઇનાન્શિયલ શેરોમાં ભારે વેચવાલીનું દબાણ હતું. અમેરિકી અને એશિયન બજારોની નરમાઈને પગલે સ્થાનિક શેરબજાર પણ ઘટીને બંધ રહ્યાં હતાં.

 સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા

બીએસઈ સેન્સેક્સ 1,375 પોઇન્ટ તૂટીને 28,440 બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 379 પોઇન્ટ 8,281ના સ્તરે બંધ થયો હતો. ફાર્મા અને એફએમસીજી  સિવાય તમામ ઇન્ડેક્સો મંદીની ઝપટમાં હતા. બેન્કિંગ શેરોમાં પણ ભારે વેચવાલીને પગલે બેન્ક નિફ્ટી 1,187 પોઇન્ટ તૂટીને 18,782 બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30માંથી 24 શેર અને નિફ્ટી 50ના 50માંથી 38 શેરો ઘટીને બંધ રહ્યા હતા. મિડકેપ ઇન્ડેક્સ પણ 317 પોઇન્ટ તૂટીને 11સ446 બધ રહ્યો હતો.

કોરોનાના વધતા કેસ

દેશમાં કોરોના વાઇરસના કુલ દર્દીઓની સંખ્યા વધીને 1,100 સુધી પહોંચી છે. જેથી ત્રીજા તબક્કામાં પહોંચવાની સંભાવના વધી ગઈ છે. આ રોગથી અત્યાર સુધી 29 લોકોનાં મોત થયાં છે, પણ 100 દર્દી સાજા પણ થયા છે.

કંપનીઓનાં વેચાણ ઠપ

કેટલીક કંપનીઓના વેચાણ ઠપ પડ્યાં છે. આને કારણે આવક થઈ નથી રહી. દેશમાં લોકડાઉનને પગલે અનેક કંપનીઓનાં વેચાણ ઠપ પડ્યાં છે.

FIIની વેચવાલી

NSDL અનુસાર માર્ચમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૂ. એક લાખ કરોડની વેચવાલી કરી હતી. જોકે તેમણે શેરબજારમાંથી રૂ. 59,377 કરોડની લેવાલી પણ કરી હતી.

વૈશ્વિક બજારોની સ્થિતિ

અમેરિકા બજારોમાં પણ ઘટાડો થયો હતો. ડાઉ જોન્સ 915.39 પોઇન્ટ, એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 88.60 પોઇન્ટ અને નેસ્ડેક 295.16 પોઇન્ટ ઘટ્યા હતા. એશિયન બજારોમાં પણ નિક્કી 3.15 ટકા, હેંગસેંગ 1.49 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટ 1.56 ટકા ઘટ્યા હતા.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]