કોરોના સામેના જંગમાં મદદઃ મહારાષ્ટ્રમાં જનપ્રતિનિધિઓના માર્ચના પગારમાં 60%નો કાપ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે જાહેરાત કરી છે કે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે આદરવામાં આવેલા જંગમાં મદદરૂપ થવા માટે પોતાના, નાયબ મુખ્ય પ્રધાનના, તમામ સાથી પ્રધાનોના, રાજ્યના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના પગારમાં કાપ મૂકવામાં આવશે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ સહિત તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પગારમાં 60 ટકાનો કાપ મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે સમગ્ર દેશ કોવિડ-19 વાઈરસને રોકવા માટે ત્રણ અઠવાડિયા માટે (21 દિવસ માટે) લોકડાઉન નિયંત્રણોનો અમલ બજાવી રહ્યો છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેથી લઈને ગ્રામ પંચાયતના સભ્યો સહિત તમામ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ એમના માર્ચ મહિનાના પગારમાં માત્ર 40 ટકા રકમ જ લેશે અને 60 ટકા રકમ નહીં લે. જ્યારે ક્લાસ-A અને ક્લાસ-B સ્તરના સરકારી કર્મચારીઓ 50 ટકા પગાર સ્વીકારશે.

નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્યના નાણાં પ્રધાન અજિત પવારે સરકારના આ નિર્ણયની જાહેરાત કરી છે. એમણે કહ્યું કે મુખ્ય પ્રધાન ઠાકરે તથા અનેક કર્મચારી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મસલત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પોતાના કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાની તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે જાહેરાત કર્યા બાદ આવો નિર્ણય લેનાર મહારાષ્ટ્ર બીજું રાજ્ય બન્યું છે. ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે ક્લાસ-4ના કર્મચારીઓને બાદ કરતાં તમામ સરકારી કર્મચારીઓ એમના પગારમાં 50 ટકા કાપ મૂકશે. એમણે કહ્યું કે રાજ્ય સરકારના પેન્શનરોને પણ આ નિર્ણય લાગુ પડશે અને તેઓને પણ માર્ચ મહિનાનો અડધો પગાર મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]