નવેમ્બરમાં નિકાસ 22.47% વધી, અર્થતંત્ર સુધારાના માર્ગે

નવી દિલ્હીઃ દેશના અર્થતંત્ર માટે સુધારાના સંકેત છે. નવેમ્બરના પહેલા સપ્તાહમાં દેશની નિકાસ વાર્ષિક ધોરણે 22.47 ટકકા વધીને 6.75 અબજ ડોલરે પહોંચી છે, જેમાં મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ અને જ્વેલરી અને એન્જિનિયરિંગ સેક્ટરનો નોંધપાત્ર ગ્રોથને પ્રતાપે છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં 5.51 અબજ ડોલર હતી.

ચાલુ વર્ષે 1-7 નવેમ્બરમાં આયાત 13.64 ટકા વધીને 9.30 અબજ ડોલર (8.19 અબજ ડોલર) થઈ ગઈ છે. પેટ્રોલિયમ સિવાયની આયાત સપ્તાહ દરમ્યાન 23.37 ટકા વધી હતી. સપ્તાહ દરમ્યાન વેપાર ખાધ 2.55 અબજ ડોલર રહી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.

ફાર્માસ્યુટિકલ્સ અને જેમ અને જ્વેલરીની નિકાસ 32 ટકા વધીને 13.912 કરોડ ડોલર અને 88.8 ટકા વધીને 336.071 કરોડ ડોલર થઈ છે. એ જ રીતે સપ્તાહ દરમ્યાન એન્જિનિયરિંગ માલસામાનની નિકાસ 16.7 ટકકા વધીને 21.513 કરોડ ડોલર થઈ હતી. જોકે નિકાસમાં નકારાત્મક ગ્રોથ દર્શાવનારાં ક્ષેત્રોમાં પેટ્રોલિયમ, મરિન પ્રોડક્ટ્સ અને લેધર ક્ષેત્ર છે. સમીક્ષા હેઠળના ગાળા દરમ્યાન અમેરિકા, હોંગકોંગ અને સિંગાપુરમાં નિકાસ ક્રમશઃ 53.91 ટકા, 17.62 ટકા અને 90.76 ટકા વધી હતી. દેશની નિકાસ સપ્ટેમ્બરમાં પણ પોઝિટિવ ગ્રોથ નોંધાયો હતો, પણ ઓક્ટોબરમાં નિકાસ 5.4 ટકા ઘટીને 24.82 અબજ ડોલર થઈ હતી.