દાઉદની છ પ્રોપર્ટીની મહારાષ્ટ્રમાં હરાજી કરાઈ

મુંબઈઃ ભારતે જેને ભાગેડૂ માફિયા ડોન ઘોષિત કર્યો છે તે દાઉદ ઈબ્રાહિમ કાસકરની ઓછામાં ઓછી છ પ્રોપર્ટીની મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં હરાજી કરવામાં આવી છે. દાણચોરો અને વિદેશી હુંડિયામણ ચાલબાજો (મિલકત જપ્તી) કાયદા (SAFEMA) અંતર્ગત આ પ્રોપર્ટીની હરાજી કરવામાં આવી હતી જેના રૂ. 23 લાખ ઉપજ્યા છે.

સત્તાવાર વર્તુળોના જણાવ્યાનુસાર, દિલ્હીના બે વકીલે અંડરવર્લ્ડ ડોનની 6 સંપત્તિ ખરીદી છે. દાઉદના પૂર્વજોની હવેલીની 11 લાખમાં હરાજી થઈ છે. આ બે વકીલ છે અજય શ્રીવાસ્તવ અને સુપ્રીમ કોર્ટના વકીલ ભૂપેન્દ્ર ભારદ્વાજ. આ હરાજીનો કાર્યક્રમ નિર્ધારિત સમયે ઓનલાઈન, ઓફ્ફલાઈન અને સીલ કરેલા ટેન્ડરના માધ્યમથી હાથ કરવામાં આવ્યો હતો.

મોટા ભાગની પ્રોપર્ટી નાના બાંધકામો હતા. અમુક તો સાવ બિસ્માર હાલતમાં થઈ ગઈ હતી. આ સંપત્તિમાં રત્નાગીરી જિલ્લાના મુમ્બાકે ગામમાં આવેલા જમીનના પ્લોટનો સમાવેશ થાય છે. કાસકર પરિવાર આ જ ગામનો વતની હતો. આ ઉપરાંત મુંબઈમાં દાઉદના ભૂતપૂર્વ સાગરિત ઈકબાલ મેમણ ઉર્ફે ઈકબાલ મિર્ચીની માલિકીના બે ફ્લેટની પણ હરાજી કરામાં આવી હતી.