વાણીમાં સંયમ, મનમાં કરુણા: કોર્પોરેટ સંસ્કૃતિ માટે ભીષ્મનો સંદેશ…

સંબંધોનું સંચાલન માત્ર વ્યક્તિગત જીવનની કળા નથી, પરંતુ સંસ્થાની સફળતાનું મૂળભૂત વિજ્ઞાન છે, અને મહાભારતના અનુશાસનપર્વમાં ભીષ્મ પિતામહ પોતાના અંતિમ ઉપદેશમાં જે રીતે સંબંધોની સમજ, સંયમ અને સંવેદનશીલતાની વાત કરે છે, તે આજના HR મેનેજમેન્ટ માટે જીવંત પાઠ સમાન છે.

આધુનિક કાર્યસ્થળ હવે માત્ર કરાર અને કેબિનનો સમૂહ નથી, પરંતુ વિવિધ વિચાર, ભાવનાઓ અને અપેક્ષાઓ ધરાવતા માનવોનું એક જટિલ જાળું છે. ભીષ્મ કહે છે કે સંબંધો શક્તિથી નહીં, પરંતુ વિશ્વાસથી ટકેલા છે, અને આજના કોર્પોરેટ જગતમાં પણ આ સત્ય એટલું જ લાગુ પડે છે, જ્યાં પદ અને પ્રોસેસ કરતાં વધુ મહત્વપૂર્ણ બને છે સંવાદ અને સહાનુભૂતિ. કર્મચારી જ્યારે સાંભળેલું અને સમજાયેલું અનુભવ કરે છે, ત્યારે તે માત્ર કામ નહીં, પરંતુ જવાબદારી સ્વીકારે છે.

આજના માનવ વર્તનમાં આપણે ઝડપથી જોડાઈએ છીએ અને એટલી જ ઝડપથી દૂર પણ થઈ જઈએ છીએ, એક ઇમેઇલ, એક મેસેજ અથવા એક મિટિંગમાં કહેવાયેલ શબ્દો આખા સંબંધનું સંતુલન બગાડી શકે છે, અને તેથી ભીષ્મની શીખામણ વાણીમાં સંયમ અને મનમાં કરુણા, આજના ઓફિસ કલ્ચરમાં વધુ પ્રાસંગિક બની જાય છે.

HRની ભૂમિકા હવે માત્ર ભરતી અને વહીવટી નીતિ સુધી સીમિત નથી, પરંતુ સંસ્થાની અંદર માનવીય સંબંધોની સંસ્કૃતિ ઘડવાની જવાબદારી પણ તેની છે, જ્યાં મતભેદને વિવાદમાં નહીં, પરંતુ સંવાદમાં બદલવામાં આવે છે.

આજના સ્પર્ધાત્મક યુગમાં ઘણીવાર પરિણામને માણસ કરતાં ઉપર રાખવામાં આવે છે, પરંતુ ભીષ્મનો સંદેશ એ છે કે માણસને કેન્દ્રમાં રાખશો તો પરિણામ સ્વયં આવી પહોંચશે, કારણ કે જ્યાં આદર, ન્યાય અને સહકારનું વાતાવરણ હોય છે, ત્યાં કર્મચારી માત્ર પોતાનું હિત નહીં, પરંતુ સંસ્થાનું હિત પણ પોતાનું માને છે. અંતે, સંબંધોનું સંચાલન એટલે નિયંત્રણ નહીં, પરંતુ જોડાણ, અને એવી સંસ્થા જ લાંબા ગાળે ટકે છે, જે માનવ મૂલ્યોને પોતાની વ્યવસાયિક વ્યૂહરચનાનો ભાગ બનાવે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)