સફળ રિલેશનશીપની ત્રણ ચાવી

ગત સપ્તાહે જોયું તેમ રિલેશનશિપનું પ્રથમ સોપાન છે પોતાની જાત સાથેનું તાદાત્મ્ય! હળવો ખોરાક, યોગ, સારું વાંચન, કલા તથા ધ્યાન વડે સ્વયં સાથે પ્રગાઢ સંબંધ બંધાય એટલે બીજી વ્યક્તિ સાથે સંબંધ જાળવી રાખવાની કુશળતા આપમેળે ખીલે છે.

ત્યારબાદ આ ત્રણ સાધન: દ્રષ્ટિકોણ, અવલોકન અને અભિવ્યક્તિને હસ્તગત કરી લેવાનાં છે. બહારનાં જગત અને વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ તથા ઘટનાઓ પ્રત્યે યોગ્ય દ્રષ્ટિકોણ, પોતાનાં અંતરજગત- ભાવનાઓ, વૃત્તિઓ, વિચારો, વર્તણૂક આ બધાંનું અવલોકન અને બહારનાં જગતમાં પોતાની જાતની યોગ્ય અભિવ્યક્તિ, આ ત્રણ વચ્ચે સંવાદિતા સધાય એટલે રિલેશનશીપ સફળ થાય જ.

તો સફળ રિલેશનશીપની પહેલી ચાવી છે: વિશાળ દ્રષ્ટિકોણ રાખો. સામી વ્યક્તિ મિજાજી છે કે વારે વારે ખોટું લગાડી બેસે છે તો તેના પર મૂડી કે તરંગી નું લેબલ ન લગાવો. તેની આવી  વર્તણૂક પાછળ શું કારણ છે? સ્ટ્રેસને કારણે તે આ પ્રકારનું વર્તન કરે છે, તો તેનો સ્ટ્રેસ દૂર કરવા પ્રયાસ કરો. તમારા પાર્ટનરનો પૂરેપૂરો સ્વીકાર કરો. વિશાળ દ્રષ્ટિ રાખો અને પાર્ટનરને અપનાવો. કોઈ પ્રકારનું દોષારોપણ ન કરો. આ પહેલી ચાવી છે.

બીજી ચાવી છે: આપતાં રહેવું. સંબંધ ત્યારે જ અર્થપૂર્ણ બને છે જો તમારામાં આપવાની ભાવના છે. અને સાથે સાથે જ અન્યને પણ આપવાનો મોકો આપો. સામી વ્યક્તિને તમે જ સતત આપતાં રહેશો, તમે જ મદદ કર્યા કરશો અને તેમને તમારા માટે કઈં કરવાનો અવકાશ નહીં રાખો તો તમે એમના સ્વમાનને ઠેસ પહોંચાડશો. ઘણી વખત તમે લોકો પાસે થી સાંભળ્યું છે ને કે “જુઓ, મેં તેના માટે કેટલું કર્યું, તો પણ તેને મારા માટે બિલકુલ પ્રેમ નથી.” હા, કારણ તમે વધુ પડતું આપો છો તે સામી વ્યક્તિને અસહજ બનાવે છે.

પ્રેમ માં આદાન-પ્રદાન બંને હોય તે ખૂબ જરૂરી છે. સામી વ્યક્તિ પણ તમારા માટે કઈં કરે તે માટે કુશળતાપૂર્વક તેમને પ્રેરિત કરવા જોઈએ. અને તે માટે અધિકારભર્યો વર્તાવ બિલકુલ ન હોવો જોઈએ. પ્રેમ માં શું થાય છે કે તમે તમારા પાર્ટનર પાસે કઈં માંગણી કરો, અને તેઓ નકારે તો તમે દૂ:ખી થઈ જાઓ છો અથવા ગુસ્સો પણ કરો છો. તમે કહો છો કે “હું તારા માટે હમેશા બધું કરું છું, પણ તેં શું કર્યું મારા માટે?” તમે તમારી જાત પ્રત્યે દયાની લાગણી અનુભવો છો. તમને લાગે છે કે તમારા પાર્ટનર તમારો ઉપયોગ કરી રહ્યાં છે. જાણી લો કે આમ માનવું ભૂલભરેલું છે. કોઈ ક્યારેય તમારો ઉપયોગ કરી શકતું નથી. પણ હા, તમે ઉપયોગી ચોક્કસ થઈ શકો છો. તો હમેશા ઉપયોગી બનવામાં ગૌરવ અનુભવો. અને તમારા પાર્ટનરને પણ તમારા માટે કશું કરવાની તક પૂરી પાડો. આ માટે કૌશલ્યની જરૂર પડશે.

પુરાતનકાળ માં દક્ષિણાનો સુંદર રિવાજ હતો. ગુરુ પોતાનાં ગરીબ શિષ્ય પાસેથી દસ સોનામહોરોની દક્ષિણા માંગતા, શિષ્ય તે માટે અનેક કુશળતા અજમાવતો, કલા, કાવ્ય, સાહિત્ય, વાણિજ્ય દ્વારા એ દસ સોનામહોરો એકત્રિત કરીને ગુરુને દક્ષિણા આપતો અને આ પ્રક્રિયામાં તે પોતે ખૂબ શીખતો, જીવનભર કામ લાગે તેવા હુન્નર તેને શીખવા મળતા. જ્યારે રાજકુંવર પાસેથી ગુરુ; નગરના રસ્તાઓ, લોકોનાં રહેઠાણો, મંદિરોની સફાઇ કરવાની દક્ષિણા માંગતા, જેથી રાજકુંવરને ખ્યાલ આવે કે પ્રજા કઈ સ્થિતિમાં જીવન નિર્વાહ કરી રહી છે. તો સામેની વ્યક્તિ તમને આપે અને સાથે તેને પણ લાભ થાય તેવું આદાન-પ્રદાન રિલેશનશીપને સફળ બનાવે છે. બંને પાર્ટનરનું સન્માન જળવાય છે. પ્રેમમાં આત્મસન્માન હોય તો પ્રેમ પૂર્ણ રૂપે પ્રગટે છે. તો બંને તરફ આદાન-પ્રદાન રાખો, તે રિલેશનશીપની બીજી ચાવી છે.

રિલેશનશીપ ની ત્રીજી ચાવી છે, પાર્ટનરને મોકળાશ આપો, સ્પેસ આપો. સામાન્યત: એવું બનતું હોય છે કે તમે જેને પ્રેમ કરો છો, તેમની પળ પળનો હિસાબ તમારે જોઈતો હોય છે. અને આને કારણે તમે એમના માટે જાણે શ્વાસ લેવાની પણ જગ્યા છોડતાં નથી, વ્યક્તિ રૂંધાઈ જય એટલું બધું આધિપત્ય પ્રેમમાં હોય તો પ્રેમ ટકતો નથી. તમારા પાર્ટનરને મોકળાશ આપો. તેમને ખિલવાનો મોકો આપો. બંધનમાં ન રાખો. અને તમે પણ તમારી સ્વતંત્રતાને જાળવી રાખો.

આપણાં પૂર્વજો આ વાત જાણતા હતા. એ સમયમાં અમુક પ્રાંતમાં એવી પ્રથા હતી કે વર્ષમાં એક મહિનો પતિ-પત્ની એ અલગ રહેવું પડતું. અને આ સમય દરમ્યાન માત્ર પત્ર વ્યવહાર થઈ શકતો. એક બીજાના વિરહની વેદના તેમના પરસ્પર પ્રેમને જાણે નવ પલ્લવિત કરી દેતી! પ્રેમને ખિલવા માટે થોડી તડપ હોવી જરૂરી છે. આ તડપનો ત્યારે જ અનુભવ થાય જ્યારે તમે એકબીજાને થોડી સ્પેસ આપો છો. તો રિલેશનશીપ સફળ થાય તે માટેની ત્રીજી ચાવી છે, તમારા પાર્ટનરને સ્પેસ આપો.

તો પ્રથમ ચાવી: પ્રેમમાં વિશાળ દ્રષ્ટિકોણ રાખો, બીજી ચાવી: આપતાં રહો અને પાર્ટનરને પણ તમારા માટે કશું કરવાનો મોકો આપો, પરસ્પર આદાન-પ્રદાન રાખો અને ત્રીજી ચાવી: તમારા પાર્ટનરને સ્પેસ આપો, ખિલવાની મોકળાશ આપો.

પ્રેમ વડે તમે લગભગ બધી જ પરિસ્થિતિઓ પર વિજય મેળવી શકો છો. જગતમાં એવું કઈં જ નથી જેને પ્રેમ થી જીતી ન શકાય! તમારાં પોતાનાં મનને સંભાળો અને જુઓ કે તમે તમારાં અને તમારા પાર્ટનરનાં જીવનમાં કેવું સકારાત્મક પરિવર્તન લાવી શકો છો!

રિલેશનશીપ સુંદર બનાવવાની માસ્ટર કી અંગે આવતા સપ્તાહે વાત કરીશું.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)