પેટા-ચૂંટણીનાં પરિણામો ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022નું ટ્રેલરઃ રૂપાણી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8-બેઠકોની પેટા-ચૂંટણીનાં પરિણામો ભાજપની તરફેણમાં આવ્યા છે. બપોરે 3 વાગ્યા સુધીના અહેવાલો અનુસાર, શાસક ભારતીય જનતા પાર્ટી તમામ 8 બેઠકો પર જીત હાંસલ કરવા તરફ અગ્રેસર હતી. રાજ્યમાં આ વર્ષે જૂનમાં થયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના વિધાનસભ્યોએ રાજીનામાં આપ્યાં પછી આઠ બેઠકો પર ત્રીજી નવેમ્બરે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. કોંગ્રેસમાંથી પાંચ વિધાનસભ્યો ભાજપમાં સામેલ થયા હતા અને ભાજપની ટિકિટ પર પેટા-ચૂંટણી લડી રહ્યા છે.

ચૂંટણી કમિશનરની વેબસાઇટ પર આ પેટા-ચૂંટણીમાં આઠ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યો છે.

રસપ્રદ વાત એ છે કે ભાજપનો વોટ શેર 50 ટકાથી વધુ છે. ECIની વેબસાઇટ અનુસાર આઠ સીટો પર ભાજપનો વોટશેર આશરે 54 ટકા છે. જ્યારે કોંગ્રેસનો 34.51 ટકા છે. જ્યારે નોટાને 2.09 ટકા મત મળ્યા છે.

રાજ્યના મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ભાજપ એ માત્ર જીત્યો છે, પણ એ ભાજપે બહુમતીથી જીત્યો છે. આદિવાસી વસતિમાં એ મોટા માર્જિનથી જીત્યો છે. અબડાસામાં અહીં સુધી કોંગ્રેસ કરતાં સ્વતંત્ર ઉમેદવાર આગળ છે. આ પરિણામો રાજ્યની આવનારી ચૂંટણીનું ટ્રેલર છે.

તેમણે જણાવ્યું હતું કે પેટાચૂંટણીનાં આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે, પરંતુ પ્રજાએ કોંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ.