Home Blog Page 2642

પંજાબ પોલીસ અમૃતપાલના ઘરે પહોંચી, માતા-પિતાની દોઢ કલાક કરી પૂછપરછ

પંજાબ પોલીસે બુધવારે બપોરે ‘વારિસ પંજાબ દે’ના વડા ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના માતા-પિતાની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમ બપોરે લગભગ 1 વાગ્યે જલ્લુપુર ખેડા ગામમાં અમૃતપાલ સિંહના ઘરે પહોંચી હતી અને લગભગ દોઢ કલાક પછી ત્યાંથી પરત આવી હતી. પોલીસે અમૃતપાલ વિશે પૂછ્યું. પરંતુ પિતા તરસેમ સિંહ અને માતાએ કહ્યું કે તેમને પુત્ર વિશે કોઈ માહિતી નથી. આ પોલીસ ટીમમાં સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓ સામેલ હોવાના અહેવાલ હતા પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. અમૃતપાલ સિંહના ઘરની બહાર પોલીસની ટીમ તૈનાત છે.

અત્યાર સુધીમાં 154 લોકોની ધરપકડ

પાંચ દિવસ પછી પણ પંજાબ પોલીસ અમૃતપાલને પકડી શકી નથી. આ કેસમાં અત્યાર સુધીમાં સમગ્ર પંજાબમાંથી 154 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, પાંચ લોકોને આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. અમૃતપાલ સિંહ સહિત છ લોકો સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં અમૃતપાલના કાકાનું નામ પણ સામેલ છે. પંજાબ પોલીસે મંગળવારે રાત્રે અમૃતપાલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ જારી કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ સતત પોતાનો દેખાવ બદલી રહ્યો છે. આ જ કારણ છે કે પંજાબ પોલીસે તેની કેટલીક તસવીરો પણ જાહેર કરવી પડી હતી.

શેરબજાર સતત બીજા દિવસે તેજી સાથે બંધ

ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. બેન્કિંગ અને એફએમસીજી શેરોમાં રોકાણકારોની ખરીદીને કારણે બજાર ઝડપથી બંધ થયું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 140 પોઈન્ટના ઉછાળા સાથે 58,214 પોઈન્ટ પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 44 પોઈન્ટના ઉછાળા સાથે 17,151 પોઈન્ટ પર બંધ થયો હતો. બજારની નજર યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ પર છે. જે આજે વ્યાજદર અંગે નિર્ણય લેવા જઈ રહી છે.

આજના કારોબારમાં બેન્કિંગ, ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે, જ્યારે મીડિયા, મેટલ્સ સેક્ટરના શેરોમાં ઘટાડો નોંધાયો છે. આજના કારોબારમાં ફરી મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેરો ઉછાળા સાથે જ્યારે 10 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50માંથી 34 શેરો ઉછાળા સાથે જ્યારે 16 નુકસાન સાથે બંધ થયા હતા.

તેજીવાળા શેરો

આજના કારોબારમાં બજાજ ફિનસર્વનો શેર 2.18 ટકા, બજાજ ફાઇનાન્સ 2.16 ટકા, સન ફાર્મા 1.65 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1 ટકા, ટાટા મોટર્સ 0.89 ટકા, ટીસીએસ 0.80 ટકા, ICICI બેન્ક 0.73 ટકા, અલ્ટ્રાઇકમેન્ટ 0.73 ટકા વધીને બંધ રહ્યા હતા. 0.55 ટકા થયો છે.

આ શેરોના ભાવમાં થયો ઘટાડો

જો તમે ઘટતા શેરો પર નજર નાખો તો, એનટીપીસી 1.50 ટકા, એક્સિસ બેન્ક 0.66 ટકા, નેસ્લે 0.55 ટકા, એચડીએફસી બેન્ક 0.26 ટકા, એચસીએલ ટેક 0.26 ટકા, ભારતી એરટેલ 0.21 ટકા ઘટીને બંધ થયા છે.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

બજારમાં સતત બીજા દિવસે ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 257.99 લાખ કરોડ થયું છે, જે મંગળવારે રૂ. 256.89 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં 1.10 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

સ્વચ્છ, આધુનિક દિલ્હી માટે 78,800 કરોડનું કેજરીવાલ સરકારનું બજેટ

નવી દિલ્હીઃ કેન્દ્ર અને LG સાથે ઘર્ષણ થયા પછી દિલ્હીની કેજરીવાલ સરકારે બજેટ રજૂ કર્યું હતું. કેજરીવાલ સરકારે રૂ. 78,800 કરોડના બજેટમાં દિલ્હીના સૌદર્યકરણથી માંડીને સ્વચ્છ અને આધુનિક દિલ્હી પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાને વધુ સારી બનાવવા માટે કેટલીય જોગવાઈ કરવામાં આવી હતી. બજેટમાં શિક્ષણથી માંડીને આરોગ્ય અને ટ્રાન્સપોર્ટ પર ભાર મૂકવામાં આવ્યો હતો. દિલ્હીના નાણાપ્રધાન કૈલાશ ગહેલોતે વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કર્યું હતું. એ બજેટ 2014-15ના રૂ. 30,940 કરોડના ખર્ચથી આશરે અઢી ગણો ખર્ચ વધારવામાં આવ્યો છે.

દિલ્હી સરકાર કુલ બજેટનો 27 ટકા MCD દ્વારા વિકાસકાર્યોમાં ખર્ચ કરશે. જે હેઠળ મોહલ્લા બસ શરૂ થશે, કચરાના પહાડ, સ્વચ્છતા કાર્યક્રમ, દરેક ઘરે સીવરથી એટેચ, સ્કૂલો અને શિક્ષણ સહિત કેટલાય પ્રકારનાં કાર્યો માટે ખર્ચ કરવામાં આવશે. દિલ્હીમાં 26 નવા ફ્લાયઓવર બનાવવામાં આવશે.

દિલ્હીના રૂ, 78,800 કરોડના બજેટમાં સૌથી વધુઆશરે 27 ટકા MCDને ફાળવવામાં આવશે. MCDને કુલ રૂ. 21,000 કરોડની ફાળવવાનો પ્રસ્તાવ કર્યો છે. આ રકમમાંથી વિકાસ કાર્યો અને યોજનાઓનું સંચાલન કરવામાં આવશે. નાણાપ્રધાને MCD પછી શિક્ષણ ક્ષેત્રે રૂ. 16,575 કરોડનું બજેટ ફાળવ્યું છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે 12 નવી એપ્લાઇડ લર્નિંગ સ્કૂલનો પ્રારંભ થશે, જેમાં નવમાં ધોરણથી એડમિશન લેવામાં આવશે બધા ટીચર, વાઇસ પ્રિન્સિપાલ અને અન્ય ટીચિંગ સ્ટાફને નવા ટેબ્લેટ આપવામાં આવશે.

 

 

દિલ્હી સરકાર મોહલ્લા બસ યોજના શરૂ કરશે. આ યોજના પર રૂ. 3500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. દિલ્હીમાં 1600 ઇલેક્ટ્રિક બસોને પણ ચલાવવાની ઘોષણા કરવામાં આવી હતી. દિલ્હીમાં કચરાના પહાડને ખતમ કરવા માટે રૂ. 850 કરોડ ખર્ચ કરવામાં આવશે. નાણાપ્રધાને કહ્યું હતું કે નવા ફ્લાયઓવર્સ માટે રૂ. 722 કરોડ ખર્ચ કરવામાં આવશે. શહેરમાં ત્રણ ડબલ ડેકર ફ્લાયઓવર બનાવવામાં આવશે.

 

 

પાકિસ્તાની પત્ની પાસેથી બંને સંતાનનો કબજો માગે છે મુંબઈવાસી ફિલ્મ નિર્માતા

મુંબઈઃ અહીં રહેતા બોલીવુડ નિર્માતા મુશ્તાક નડિયાદવાલાની પાકિસ્તાની પત્ની મરિયમ ચૌધરી 2020ની સાલથી પાકિસ્તાન એનાં પિયર ચાલી ગઈ છે. પોતાની સાથે બંને સંતાનને પણ લઈ ગઈ છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. મુશ્તાકનો દાવો છે કે મરિયમે બંને સંતાનને ગોંધી રાખ્યા છે. મુશ્તાકનું કહેવું છે કે 9 વર્ષના પુત્ર અને 6 વર્ષની પુત્રીને પાકિસ્તાનમાંથી પાછાં ભારત લાવવામાં સરકાર પોતાને મદદ કરે એવો કોર્ટ એને આદેશ આપે. કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો. સરકારે કહ્યું કે તેણે આ બાબતમાં ઈસ્લામાબાદસ્થિત ભારતીય હાઈકમિશન મારફત પાકિસ્તાન સરકાર પાસેથી વિગતો માગી છે, પણ પાકિસ્તાન સરકારે હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી. ભારતે નડિયાદવાલાના બંને સંતાન હાલ ક્યાં છે, એમના વિઝા અને નાગરિકત્વની સ્થિતિ શું છે એ વિશે વિગત મગાવી છે. ભારતે 2022ના ઓક્ટોબર અને 2023ના ફેબ્રુઆરીમાં પાકિસ્તાન સરકારને રીમાઈન્ડર મોકલ્યા હતા.

મુશ્તાક મુંબઈના નામાંકિત ફિલ્મ નિર્માતાઓના પરિવારના સભ્ય છે. મુશ્તાક સ્ટુડિયો વનના માલિક છે. આ સ્ટુડિયોએ અત્યાર સુધીમાં અઢીસો જેટલી ફિલ્મો માટે પોસ્ટ-પ્રોડક્શન સુવિધાઓ પૂરી પાડી છે. તેની પાસે અવ્વલ દરજ્જાના ટેક્નિશિયનો છે. અનેક નિર્માતા, દિગ્દર્શકો સાથે મુશ્તાક નડિયાદવાલાને નિકટના સંબંધ છે. મુશ્તાકના પિતા અબ્દુલ ગફાર નડિયાદવાલા ‘આ ગલે લગ જા’, ‘લહુ કે દો રંગ’, ‘શંકર શંભૂ’, ‘જુઠા સચ’, ‘સોને પે સુહાગા’, ‘વતન કે રખવાલે’, ‘વેલકમ’, ‘હેરાફેરી’ જેવી 50થી વધારે મસાલા હિન્દી ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા. એક સમયે મુંબઈના મલાડ-ગોરેગાંવ (વેસ્ટ) ઉપનગરોમાં નડિયાદવાલા પરિવારોની 5,000 એકરથી વધારે જમીન હતી. એમણે મુંબઈ અને ગુજરાતમાં ફિલ્મ સ્ટુડિયો બાંધ્યા હતા અને ફિલ્મ વિતરણ બિઝનેસમાં પણ ઝંપલાવ્યું હતું. અન્ય નિર્માતા સાજિદ નડિયાદવાલા મુશ્તાકના પિતરાઈ ભાઈ છે.

મુશ્તાકનો આરોપ છે કે એમના સંતાનને એમની પત્ની મરિયમ ચૌધરી અને એનાં પરિવારે ગેરકાયદેસર રીતે તાબામાં રાખ્યાં છે. મરિયમે ભારત પાછાં ફરવાની ના પાડી દીધી છે અને મુશ્તાકને છોડી દેવા માટે કોઈ ઉચિત કારણ પણ આપ્યું નથી. મુશ્તાક અને મરિયમે 2012ના એપ્રિલમાં પાકિસ્તાનમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ મરિયમ ભારત રહેવા આવી હતી અને ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી હતી. તે પછી દંપતીને બે સંતાન થયા હતા. 2020ના નવેમ્બરમાં મરિયમ બંને સંતાનને લઈને પાકિસ્તાન જતી રહી હતી. 2021ના ફેબ્રુઆરીએ એણે લાહોરમાં બંને સંતાનનાં વાલીપણા અરજી નોંધાવી હતી અને કોર્ટે તેને કાયદેસર વાલી તરીકે માન્યતા પણ આપી હતી. મુશ્તાકનો આરોપ છે કે પાકિસ્તાનમાં એમનાં સંતાનોની ગેરકાયદેસર જાળવણી બંને દેશના ઈમિગ્રેશન કાયદાઓનું ઉલ્લંઘન છે.

MBA છોડીને ડ્રેગન ફ્રૂટથી ચમકાવ્યું નસીબ

બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલીના મહિલા પટ્ટી ગામમાં ખેડૂત યશપાલે આફતમાં અવસર શોધ્યો છે. MBA કર્યા પછી યશપાલ ખાનગીમાં નોકરી કરતો હતો, પણ કોરોના કાળમાં નોકરી છૂટી ગયા પછી તેણે શોધ ને ટેક્નિકની સાથે ખેતીની રાહ પકડી લીધી. તેની મહેનત રંગ લાવી અને માત્ર સવા વર્ષમાં તેણે નોકરીની તુલનાએ વધુ આવક હાંસલ કરી લીધી. તે સૌનો પ્રેરણા બની ગયો છે.

યશપાલ બરેલીનો પહેલો ડ્રેગન ફ્રૂટ ઉત્પાદક છે. તેની પાસે આશરે પાંચ એકર જમીન હતી, જેમાંથી તે શેરડી, ઘઉં વગેરે પાક લેતો હતો, પણ નીચલો વિસ્તાર હોવાને કારણે વરસાદના સમયે ખેતરમાં પાણી ભરાઈ જતાં હતાં. જેથી તેના ખેતરમાં પાક નષ્ટ થતો હતો. એટલે તેણે ખેતીના એક ભાગને ઊંચો કર્યો, પછી તેમાં તેણ ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી. પહેલાં તેણે સોશિયલ મિડિયાથી ખેતીને લગતી માહિતી એકત્ર કરી. ત્યાર બાદ તેણે હરિયાણાના પાણીપતમાં ડ્રેગન ફ્રૂટ ઉત્પાદક પાસે તાલીમ લીધી.

પ્રારંભમાં તેણે 48 છોડ લગાવ્યા. શિયાળામાં ફંગસનો ડર હતો. તે સતત એક-એક છોડની રોજ નિગરાની કરતો. આ રીતે તેને 15 મહિનામાં 40 કિલો ડ્રેગન ફ્રૂટ પ્રાપ્ત થયા, જે તેણે કિલોદીઠ રૂ. 450થી 500ની કિંમતે વેચાણ કર્યું અને રૂ. 20,000ની આવક પ્રાપ્ત કરી. જે ખર્ચથી સવા ગણી વધુ હતી. પ્રયોગ સફળ રહેતાં તેણે એક એકરમાં એની ખેતી કરી. એના પર તેને રૂ. 10 લાખનો ખર્ચ કર્યો હતો અને આવક રૂ. 20 લાખથી વધુ પ્રાપ્ત કરી.ત્યાર બાદ તેણે અઢી એકરમાં ડ્રેગન ફ્રૂટના છોડ વાવ્યાં. હવે તે 10 એકરમાં નવું ડ્રેગન ફ્રૂટ ફાર્મ તૈયાર કર્યું હતું. યશપાલ કહે છે કે ખેતીમાં સમયની સાથે ટેક્નિકનો ઉપયોગ જરૂરી છે.

 

 

 

શરાબનીતિ કૌભાંડઃ સિસોદીયા પાંચ-એપ્રિલ સુધી કસ્ટડીમાં

નવી દિલ્હીઃ અત્રેના રાઉઝ એવેન્યૂ વિસ્તારસ્થિત કોર્ટ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાની અદાલતી કસ્ટડીની મુદતને પાંચ એપ્રિલ સુધી લંબાવી દીધી છે. આ કેસ રાષ્ટ્રીય પાટનગરમાં હવે રદ કરી દેવામાં આવેલી એક્સાઈઝ નીતિ સંબંધિત મની લોન્ડ્રિંગને લગતો છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સિસોદીયા કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા કરાયેલા આ કેસમાં મુખ્ય આરોપી છે.

કોર્ટે પોલીસતંત્રને આદેશ આપ્યો છે કે સિસોદીયાને જેલમાં જે પુસ્તકો વાંચવા હોય એ તેમને પૂરા પાડવા.

47 વયની ઉંમરે એક્ટ્રેસની માતાએ પુત્રીને જન્મ આપ્યો

મુંબઈઃ મલયાલમ ટીવી એક્ટ્રેસ આર્ય પાર્વતી હાલ સાતમા આસમાને છે. ટીવી એક્ટ્રેસ પરિવારમાં એક નવા સભ્યના આગમથી ખુશખુશાલ છે. 23 વર્ષીય દક્ષિણ સ્ટારે સોશિયલ મિડિયા પર ફેન્સ સાથે ખુશખબર શેર કર્યા હતા ને પોસ્ટની કેપ્શનમાં લખ્યું હતું કે ખુશીથી ફૂલી નથી સમાતી કેમ કે 23 વર્ષ પછી અમારા પરિવારમાં મારી નાની બહેન આવી છે. એક મોટી બહેનની સાથે-સાથે એક માતાની ભૂમિકા નિભાવવા પણ તૈયાર છું અને તેને પ્રેમ અને ટેકો આપવા માટે તૈયાર છું…વેલકમ લિટલ વન.

કેટલાય ફેન્સે આર્ય પાર્વતીને તેની બહેનના આગમન પર શુભેચ્છાઓ આપી હતી. આ મામલે હ્યુમન ઓફ બોમ્બે સંગ થયેલી એક વાતચીતમાં આર્ય પાર્વતીએ ખુશી જાહેર કરી હતી. તેણે કહ્યું હતું કે મને જ્યારે સૌપ્રથમ વાર માતાની પ્રેગનન્સી વિશે માલૂમ પડ્યું તો હું શોક્ડ રહી ગઈ હતી. એટલા માટે નહીં, કેમ કે 23 વર્ષે હું બહેન બનવાની છું, બલકે એ માટે કે એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું. એક્ટ્રેસે જણાવ્યું હતું કે તેના જન્મ પછી તેની મતાના ગર્ભાશયમાં સમસ્યા હતી. તે વખતે ડોક્ટરે જણાવ્યું હતું કે સમસ્યાઓને કારણે તે ફરીથી ગર્ભ ધારણ નહીં કરી શકે.

અમ્મા અને અપ્પા મંદિર ગયા હતા, ત્યાં અમ્મા અચાનક બેભાન થઈ ગઈ હતી. હોસ્પિટલ પહોમચ્યા તો માલૂમ પડ્યું કે તે સાત મહિનાથી પ્રેગ્નન્ટ છે. જોકે કોઈ કારણને લીધે તેમનો બેબીબમ્પ નજરે નહોતો ચઢતો. જોકે અપ્પાએ એને ગુપ્ત રાખ્યું હતું, કેમ કે તેમને માલૂમ નહોતું કે હું કેવી પ્રતિક્રિયા આપીશ.

 

 

 

વિશ્વમાં 26 ટકા વસતિ પાસે સ્વચ્છ પેયજળનો અભાવ

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્રના પહેલા સંમેલનની પૂર્વસંધ્યાએ જારી થયેલા એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્વની 26 ટકા વસતિની પાસે હજી સુરક્ષિત પેયજળ સુધી પહોંચ્યું અને 46 ટકા લોકો પાસે પાયાની સુવિધા- સ્વચ્છતાનો અભાવ છે.સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ જળ વિકાસ રિપોર્ટ 2023માં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે 2030 સુધી બધા લોકોને સ્વચ્છ પાણી અને સ્વચ્છતા સુધી પહોંચાડવા માટે સંયુક્ત રાષ્ટ્રએ જરૂરી પગલાં લેવાની જરૂર છે.

રિપોર્ટના એડિટર-ઇન-ચીફ રિચાર્ડ કોનોરે એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું હતું કે લક્ષ્યોને પૂરાં કરવા માટે અંદાજે 600 અબજ ડોલર કે પ્રતિ વર્ષ એક લાખ કરોડ ડોલરની જરૂર છે. તેમણે કહ્યું હતું કે UN રોકાણકારો, ફાઇનાન્સરો, સરકારો અને જળવાયુ પરિવર્તનના સમુદાયોની સાથે ભાગીદારી કરી રહ્યું છે, જેથી એ નાણાં પર્યાવરણને જાળવી રાખવાના પ્રકારોમાં રોકાણ કરી શકાય અને જે બે અબજ લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવે છે અને જેમની પાસે એ નથી અને સ્વચ્છતા માટે 36 લાખ ડોલરની જરૂર છે.

રિપોર્ટ કહે છે કે છેલ્લાં 40 વર્ષોમાં વિશ્વ સ્તરે આશરે એક ટકો પાણીનો વપરાષ પ્રતિ વર્ષ વધી રહ્યો છે અને 2050 સુધી એ જ દરે વધવાની અપેક્ષા છે. કોર્નરે કહ્યું હતું કે માગમાં વાસ્તવિક વધારો વિકાસશીલ દેશો અને ઊબરતાં અર્થતંત્રોમાંથી થઈ રહી છે, જ્યાં ઓદ્યૌગિક વિકાસ અને શહેરીકરણમાં ઝડપથી વધારો થઈ રહ્યું છે.

 

 

કોરાનાના 1133 નવા કેસો, બેનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1133 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે પાંચ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.65 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,98,118 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,813 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,60,279 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 662 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 7026એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.79 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,03,831 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.05 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.08 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.9 ટકા છે.

દેશમાં 220.65 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,65,21,180 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 7673 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

માતા લક્ષ્મીજીનું અપમાનઃ તાપસી પર નેટયૂઝર્સ ભડક્યાં

મુંબઈઃ તાપસી પન્નૂ બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રી છે, પરંતુ તેની એક હરકતે ઈન્ટરનેટ યૂઝર્સને ગુસ્સે કરી દીધાં છે. એક ફેશન શોમાં તાપસીએ લાલ રંગનાં બોલ્ડ ડ્રેસની સાથે ગળામાં પહેરેલાં એક હારને કારણે ઘણાં લોકો એની પર ભડકી ગયાં છે. તે હારમાં હિન્દૂધર્મીઓનાં આસ્થાસમા માતા લક્ષ્મીજીનું ચિત્ર પણ હતું.

(તસવીરઃ તાપસી પન્નૂ ઈન્સ્ટાગ્રામ)

ફોટોશૂટ અને ફેશન શો વખતની પોતાની આ તસવીરો અને વિડિયો ખુદ તાપસીએ જ પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યાં છે. કાર્યક્રમ હતો રિલાયન્સ જ્વેલ્સ અક્ષય તૃતિયા કલેક્શન. એમાં તાપસીએ લાલ રંગનો ઉત્તેજક, ડીપ પ્લન્જિંગ નેકલાઈનવાળો ગાઉન પહેર્યો હતો. લોકોને વાંધો આ ડ્રેસ સામે નહીં, પરંતુ એની સાથે તાપસીએ એનાં ગળામાં પહેરેલા એક નેક્લેસ સામે છે, જેમાં માતા લક્ષ્મીજીની એક આકૃતિ હતી.

અનેક નેટયૂઝર્સે તાપસીને વખોડી કાઢતી કમેન્ટ્સ લખી છે. એક જણે લખ્યું છે કે તાપસીએ એનાં રીવીલિંગ ડ્રેસની સાથે લક્ષ્મીમાતાની આ આકૃતિ પહેરવી જોઈતી નહોતી.

એક અન્ય જણે લખ્યું છે, તાપસી તને શરમ આવવી જોઈએ. અત્યંત ઘૃણાસ્પદ. કોઈ પણ ધર્મના પ્રતિકને કેવી રીતે પ્રસ્તુત કરવું જોઈએ એની તને એક સેલિબ્રિટી હોવાને નાતે ખબર હોવી જોઈએ.

એક અન્ય જણે લખ્યું છેઃ આવા અશ્લિલ ફોટોમાં માતા લક્ષ્મીજીનો હાર પહેર્યો છે…. તાપસી તને શરમ આવવી જોઈએ.