Home Blog Page 2643

ગિફ્ટ સિટીમાં બે વિદેશી બુલિયન બેન્કો સ્થપાય તેવી શક્યતા 

અમદાવાદઃ ગાંધીનગરમાં ગિફ્ટ-IFSCમાં આગામી પાંચેક મહિનામાં બે વિદેશી બુલિયન બેન્કો સ્થપાય તેવી શક્યતા છે. બુલિયન બેન્કમાં બેન્કિંગનું ચલણ કીમતી ધાતુઓમાં હોય છે. આમ ભારતમાં પોતાની કામગીરી શરૂ કરનાર સૌપ્રથમ બુલિયન બેન્ક બનશે. ગિફ્ટ IFSCનાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) ખૂલ્યા બાદના સાતેક મહિના મહિના બાદ આ ઘટના આકાર લઈ રહી છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું હતુ કે ભારતમાં આવી કોઇ બુલિયન બેન્ક નથી. જે કોઇ બેન્ક આવશે તે વિદેશી જ હશે. 

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ (યુકે), જેપી મોર્ગન (અમેરિકા), ફર્સ્ટ્રાન્ડ (દક્ષિણ આફ્રિકા) અને ડ્યુશ બેન્ક (જર્મની) હાલમાં એક્સચેન્જ સાથે વાટાઘાટ કરી રહી છે. IIBX ત્રણ વોલ્ટ્સ ધરાવે છે, જેમાં 450 ટન સોનું અને ગિફ્ટ-IFSCમાં 4500 ટન ચાંદીનો સંગ્રહ કરી શકાય છે.

IIBXમાં સભ્ય તરીકે એક વખત બેન્ક સ્થપાયા બાદ એ એક્સચેન્જમાં બુલિયન પૂરું પાડશે. એટલું જ નહીં, પરંતુ તેઓ ભવિષ્યમાં શરૂ થનાર અનેક પેદાશોમાં ટ્રેડિંગ પણ કરી શકશે. જોકે  બુલિયન બેન્કોના આવવાથી IIBXમાં તરલતામાં પણ વધારો થશે. એટલું જ નહીં, આવી બેન્કો ગોલ્ડ લોન્સ પણ ઓફર કરશે. 

એક અગ્રણી જ્વેલર્સે જણાવ્યું હતું કે તેનાથી જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રને ફાયદો થશે. કિંમતની અસ્થિરતા અને આખા વર્ષમાં માગમાં ફેરફાર થતો હોવાથી જ્વેલર્સ ઘણી વખત કાર્યશીલ મૂડીની સમસ્યા અનુભવતા હોય છે. આ કિસ્સામાં લોન મળી રહેતી હોવાથી નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે.

 

 

 

 

 

 

હોળીઃ PMથી માંડીને રાષ્ટ્રપતિ સુધી- બધાએ આપી શુભેચ્છાઓ

નવી દિલ્હીઃ દેશ આજે હોળી-ધુળેટીના રંગમાં ડૂબેલો છે. લોકો એકમેકને રંગ-ગુલાલ લગાવીને હોળીની શુભકામનાઓ આપી રહ્યા છે. આ અવસરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડા પ્રધાન મોદીથી માંડીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હોળીની શુભેચ્છાઓ આપી હતી. જોકે અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડના વિરોધમાં હોળી ના ઊજવવાનો નિર્ણય કર્યો છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ઉલ્લાસ અને ઉમંગના પર્વ હોળીની બધા દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ.

વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે હોળીની બહુ-બહુ શુભકામનાઓ. તમારા બધાના જીવનમાં હંમેશાં આનંદ અને ઉમંગનો રંગ વરસે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને હોળીની શુભેચ્છાઓ આપી હતી. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે હોળીનો તહેવાર બધાના જીવનમાં નવા રંગ ભરે. દેશમાં એકતાનો રંગ ચઢે. બધાને હોળીની શુભકામનાઓ.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમણે પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં હોળી ના ઊજવવાનો નિર્ણય કર્યો હતો. તેઓ સવારે 10 કલાકથી સાંજે પાંચ કલાક સુધી ધ્યાન કરી રહ્યા છે.

ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને હોળીની શુભેચ્છા આપી હતી.

 

 

 

 

પૂર્વોત્તરમાં જીત પછી ભાજપની નજર દક્ષિણી રાજ્યો પર

નવી દિલ્હીઃ ભલે, ભાજપની પાસે દક્ષિણી રાજ્યોથી લોકસભામાં માત્ર 29 સભ્યો છે, પણ પૂર્વોત્તર રાજ્યોમાં હાલમાં વિધાનસભાની ચૂંટણીમાં સારા દેખાવ પછી એની નજર દક્ષિણી રાજ્યોની 129 સંસદીય સીટમાં વધુને વધુ જીતવા પર ટકી છે. હાલમાં થયેલી ચૂંટણીમાં પૂર્વોત્તરમાં મળેલી શાનદાર સફળતા અને કેટલાંક દક્ષિણી રાજ્યોમાં 2019 અને 2024ની વચ્ચે રાજકીય પરિદ્રષ્યમાં પરિવર્તન માટે ભાજપ ઉત્સાહિત છે તથા સતત ત્રીજી વાર કેન્દ્રની સત્તા પર આરૂઢ થવા છે. ભાજપની નજર દક્ષિણના મતો પર છે. ભાજપ શાસિત કર્ણાટક અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) શાસિત તેલંગાણામાં આ વર્ષે અંતમાં જે વિધાનસભાની ચૂંટણી થશે, એનાથી એનો સંકેત મળી જશે કે દક્ષિણમાં કમળ ખીલવા માહોલ અનુકૂળ છે કે નહીં.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં પાર્ટીના વિજયી થવાનો વિશ્વાસ પ્રગટ કર્યો છે. જ્યાં ભાજપનો એક સાંસદ અને એક વિધાનસભ્ય છે. પાર્ટી તેલંગાણામાં ચંદ્રશેખર રાવના નેતૃત્વવાળી સત્તારૂઢ ભારત રાષ્ટ્ર સમિતિ માટે એક પડકાર બનીને ઊભરી છે.

વળી, હાલમાં તે બે-ત્રણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજયી થઈ અને એણે 2020ના હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં ઉમદા પ્રદર્શન કર્યું હતું. એ પહેલાં 2024ની ચૂંટણીમાં શક્તિશાળી BRSને ટક્કર આપવા પાર્ટીનું મનોબળ વધ્યું છે. સંયોગથી રાવ કેન્દ્રની ભાજપ સરકારને 2014માં દૂર કરવાના પ્રયાસોમાં લાગેલા છે.

ભાજપે 2019માં કર્ણાટકમાં 28માંથી 25 લોકસભા સીટ જીતી હતી અને માંડ્યામાં એના સમર્થિત અપક્ષ ઉમેદવારે બાજી મારી હતી. તેલંગાણાથી ચાર સાંસદ ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા હતા, પણ તામિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાંથી ભાજપનો એક પણ પ્રતિનિધિ નથી.

નારી એક, અભિવ્યક્તિ અનેક: વિશ્વ મહિલા દિવસ વિશેષ..

લેખન, ગાયન, નૃત્ય, ચિત્ર અને શિલ્પ: કલાના આ પાંચેય સ્વરૂપમાં નારી કેવી શ્રેષ્ઠ રીતે અભિવ્યક્ત થાય છે એની વાત કરે છે આ પાંચ જાણીતી મહિલા..

 અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’એ રિલીઝ પહેલાં રૂ. 1000 કરોડની કમાણી કરી?

મુંબઈઃ તેલુગુ સુપરસ્ટારર અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝ બોક્સ ઓફિસ પર બમ્બર કમાણી કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ કલેક્શનના કેટલાય નવા રેકોર્ડ બનાવ્યા હતા. પુષ્પા ધ રાઇઝ રિલીઝ થયા બાદ એક સેન્સેશનલ સક્સેસ રહી છે. પુષ્પા 2021ની સૌથી મોટી કોમર્શિયલ બ્લોકબસ્ટર બની ગઈ છે. પુષ્પાના ક્રેઝે વિશ્વને હલાવી દીધું હતું. એના ડાયલોગ્સથી માંડીને ગીતો સુધી ફિલ્મ વિશે બધા કેટલાંક રાજ્યો અને વિશ્વમાં બહુ ફેમસ છે. ફિલ્મમાં અલ્લુ અર્જુનની પર્ફોર્મન્સની વર્લ્ડ લેવલ પર પ્રશંસા કરવામાં આવી હતી.

આ સિવાય રશ્મિકા મંદાનાને લોકોએ શ્રીવલ્લીના રૂપે ઘણી પસંદ કરી હતી. હવે ફિલ્મની સિક્વલ પુષ્પાઃ ધ રૂલ (Pushpa: The Rule)નું પણ શૂટિંગ શરૂ થઈ ગયું છે, જેની ઝલક સામે આવી છે. અહેવાલો મુજબ અલ્લુ અર્જુન પુષ્પાઃ ધ રૂલના થિયેટ્રિકલ રાઇટ્સ માટે રૂ. 1000 કરોડ માગી રહ્યા છે. રિપોર્ટ અનુસાર પુષ્પા 2ને ચર્ચા એ છે કે નિર્માતા બધી ભાષાઓ માટે થિયેટ્રિકલ રાઇટ્સ ડીલ માટે રૂ. 1000 અથવા એની વધુ માગ કરી રહ્યા છે. આ ફિલ્મના ડિસ્ટ્રિબ્યુટરો પાસે રૂ. 1000 માગી રહ્યા છે.

સમાચાર છે કે અલ્લુ અર્જુન ફિલ્મનિર્માતા સંદીપ રેડ્ડી વાંગા અને દિગ્ગજ બોલીવૂડ ફિલ્મ નિર્માતા ભૂષણકુમાર દ્વારા બનાવવામાં આવનારા એક મોટા બજેની ફિલ્મમાં એક્ટિંગ માટે તૈયાર થઈ ગયો છે. આ ફિલ્મનું નિર્માણ T સિરીઝ ફિલ્મ્સ પ્રોડક્શન અને ભદ્રકાળી દ્વારા કરવામાં આવશે. 

 

 

 

 

 

તેલંગાણના CM ચંદ્રશેખર રાવની પુત્રીને EDના સમન્સ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાને દિલ્હીની આબકારી નીતિમાં કથિત અનિયમિતતાથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે સમન્સ પાઠવ્યા છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પાર્ટી એમએલસી,  44 વર્ષીય કવિતાને રાષ્ટ્રીય રાજધાનીમાં એજન્સીની સમક્ષ નવ માર્ચે હાજર થવા માટે ફરમાન કર્યું છે. આ મામલામાં EDએ કવિતાના નજીકના અરુણ રામચંદ્રન પિલ્લઈ અને CA બુચી બાબુની ધરપકડ કરી છે.

EDએ પિલ્લઇની ધરપકડ કરતાં એ દાવો કર્યો હતો કે હૈદરાબાદના બિઝનેસમેન સાઉથ ગ્રુપથી રૂ.100 કરોડની લાંચ દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ને પહોંચાડવા વાસ્તે સાઠગાંઠ કરી હતી. પિલ્લઈને EDએ સોમવારે રાતે ધરપકડ કરી હતી અને મંગળવારે એક કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે પિલ્લઈને 13 માર્ચ સુધી તપાસ એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધો હતો. ED દ્વારા આ મામલમાં 11મી ધરપકડ કરી છે.

EDએ દાવો કર્યો હતો કે તે તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની પુત્રી અને વિધાન પરિષદ કે. કવિતા અને અન્યથી જોડાયેલી લિકર કાર્ટલ સાઉથ ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે. કવિતાથી CBIએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પૂછપરછ કરી હતી. આ સમન્સ દિલ્હીના ભૂતપૂર્વ ઉપ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાની કેન્દ્રીય તપાસ બ્યુરોએ આ મામલે ધરપકડ કરી છે. સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ આબકારી નીતિ મામલે ધરપકડ કરી છે.

 

 

 

 

ગુજરાત વિધાનસભામાં BBCની સામે પ્રસ્તાવ રજૂ

ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભામાં મંગળવારે BBCની સામે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. એમાં ભાજપના વિધાનસભ્ય વિપુલ પટેલે ગુજરાતનાં રમખાણોની સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે. હવે શુક્રવારે BBC ડોક્યુમેન્ટરી સામે પ્રસ્તાવ પર ચર્ચા થશે. પટેલે BBC ડોક્યુમેન્ટરીને મનઘડંત બતાવતાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે BBC પર 2002ના ગોધરાનાં તોફાનોને લઈને તત્કાલીન રાજ્ય સરકારને દોષ દેવાના પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. પ્રસ્તાવ અનુસાર BBC ડોક્યુમેન્ટરી ભારતની વૈશ્વિક છબિને ખરાબ કરવાનો હલકો પ્રયાસ છે.

વિધાનસભા સચિવાલય દ્વારા મંગળવારે મૂકવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર ભારત એક લોકતાંત્રિક દેશ છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એના બંધારણના મૂળમાં છે, પણ એનો અર્થ એ નથી કે એક મિડિયા સંસ્થાન દ્વારા એવી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી શકે છે. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ની ડોક્યુમેન્ટરી ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન- બે ભાગમાં છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એ 2002નાં ગુજરાતનાં રમખાણોથી સંબંધિત કેટલાક પાસાઓની તપાસ પર આધારિત છે. ગુજરાતનાં રમખાણોના સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્ય પ્રધાન હતા.

વિધાનસભામાં ધુળેટી મહોત્સવ

બીજી બાજુ, આજે રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર વિધાનસભામાં ધુળેટી મહોત્સવ ઊજવાયો છે. વિધાનસભાના પ્રવેશદ્વાર પાસે ખાસ શમિયાણો ઊભો કરવામાં આવ્યો હતો. જ્યાં ધારાસભ્યો ઘુળેટીની મજા માણી રહ્યા છે. આ હોળી પર્વની ઉજવણીમાં રાજ્યના મુખ્ય મંત્રી, મંત્રીમંડળના સભ્યો તેમ જ ધારાસભ્યો જોડાયા હતા. કુદરતી રંગથી હોળીનો તહેવાર ઊજવવાનો સંદેશ રાજ્યની જનતાને આપવા માટે ખાસ કેસૂડાંના ફૂલોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સાથે વિવિધ રંગોની સાથે આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

 

 

 

 

 

 

કોરાનાના 326 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 326 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત થયું નથી. દેશમાં અત્યાર સુધીમાં 220.64 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,88,693 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,30,775 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,41,54,842 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 220 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3076એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 63,085 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 91.93 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.08 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.9 ટકા છે.

દેશમાં 220.64 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,64,31,651 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2928 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

મહિલા દિન: આ વાત નોંધી લો…

તો, આજે છે વિશ્વ મહિલા દિવસ. વિચાર તો હતો કે લખવાની શરૂઆત જ કવયિત્રી અમૃતા પ્રીતમની અત્યંત જાણીતી આઝાદ રૂહ કી ઝલક પડે, સમજના વહી મેરા ઘર હૈ.. જેવી કોઇક પંક્તિથી કરવી, પણ પછી થયું કે આજે તો અખબારો, ટીવી ચેનલો અને સોશિયલ મિડીયામાં બધે નારીવાદ આવી પંક્તિઓ અને અવતરણોથી ફૂલ્યોફાલ્યો હશે એટલે રહેવા દો.

આમ પણ, આજે મહિલા દિનના કાર્યક્રમોમાં નાના-મોટા મોટીવેશનલ વક્તાઓ આવા અવતરણો ટાંકીવાના જ છે. કોઇ આધુનિક સમયમાં નારીની સફળતાના ઉદાહરણો આપી નારીશક્તિનો મહિમા ગાશે તો કોઇ વળી એકવીસમી સદીમાં ય નારી હજુ અબળા અને દયામણી છે એવું ઉદાહરણો આપીને પ્રસ્થાપિત કરશે. કોઇ વાતડાહ્યા વક્તા વળી બન્ને પાસાં રજૂ કરીને નવી મિસાલ પૂરી પાડશે. સુજ્ઞ શ્રોતાઓ આ બધું વાંચશે-સાંભળશે. મરમીઓ મનમાં મરકશે. કોઇથી રહી ન શકાય તો સોશિયલ મિડીયા પર કમેન્ટ લખશે. બીજે દિવસે સવારથી આવતા મહિલા દિવસ સુધી આ બધું ભૂલીને બધા કામે લાગી જશે.

એટલે જ, આજે વિશ્વ મહિલા દિન પર કોઇ એકાદ મુદ્દે વાત કરવાના બદલે કેટલાંક અવલોકનો રજૂ કરવા છે.

એકઃ વિશ્વ મહિલા દિવસની ઉજવણીની શરૂઆત 28 ફેબ્રુઆરી, 1909 ના રોજ સોશિયાલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકા દ્વારા ન્યૂયોર્કમાં થઇ હતી. થેરેસા મેલ્કી નામની મહિલા ચળવળકારે એનો વિચાર આપેલો. એ પછી 1910માં આંતરરાષ્ટ્રીય સોશિયાલિસ્ટ મહિલા કોન્ફરન્સમાં જર્મન ડેલિગેટ્સની મહિલા કાર્યકર્તાઓ ક્લારા ઝેટકીન, કેટ ડન્કર અને પૌલા થિડે દર વર્ષે મહિલા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. 1911 થી ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, જર્મની અને સ્વિત્ઝર્લેન્ડ જેવા કેટલાક દેશોમાં એની શરૂઆત થઇ. યુનાઇટેડ નેશન્સ દ્વારા તો છેક 1975માં આતરરાષ્ટ્રીય મહિલા વર્ષ ઉજવાયું ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે.

બેઃ આ સમયગાળો જ બતાવે છે મહિલાના અધિકારો, સમાનતા જેવા મુદ્દાઓ કે મહિલા સશક્તિકરણની જરૂરિયાત કોઇ એક જ દેશની નહોતી. વિકસિત, અલ્પવિકસિત કે અર્ધવિકસિત એવા કોઇપણ દેશમાં નારીના સામાજિક-આર્થિક દરજ્જાને લઇને પ્રશ્નો હતા જ એટલે આ સમસ્યા કે મુદ્દો યુનિવર્સલ હતો અને છે. આફ્રિકાના કોઇ ટચૂકડા દેશથી જગત જમાદાર અમેરિકા સુધી કોઇ દેશ હજુ જેન્ડર જસ્ટીસના મુદ્દાથી પર નથી.

ત્રણઃ ભારતમાં મહિલાઓના દરજ્જાને લઇને એક પ્રકારે ‘કલ્ચરલ પેરેડોક્સ’ છે. એક તરફ આ સંસ્કૃતિ નારીને નારાયણી કહીને બિરદાવે છે તો એ જ સંસ્કૃતિમાં બાળકીને દૂધ પીતી કરવાના અને સતીપ્રથા જેવા કુરિવાજો પ્રસરેલા હતા. જે દેશના મહાભારતમાં કુળવધુ ભર્યા રાજદરબારમાં વડીલ પુરુષો સાથે ખુલ્લેઆમ વાતચીત કરીને હાજર રહી શકે છે એ જ દેશના અનેક સમાજમાં સ્ત્રીએ ઘૂંઘટ ઓઢીને પુરુષથી અંતર રાખવાની કુ-પ્રથા ય અપનાવી છે. બીજા વિકસિત દેશોમાં હજુ મહિલાઓ રાજકારણમાં આવીને મોટા હોદ્દા સુધી નહોતી પહોંચી એ પહેલાં ભારતના આઝાદી સંગ્રામમાં અનેક વીરાંગનાઓના નામ સુવર્ણ અક્ષરે અંકાયેલા છે. અને આમ છતાં, એ જ દેશમાં મહિલાઓને સંસદમાં આરક્ષણ આપવાનો મુદ્દો વરસોથી પાછો ઠેલાતો જાય છે. મહિલા વિકાસના મામલે આપણે પ્રોગ્રેસિવ અને પછાત બન્ને છીએ. સિક્કાની બન્ને બાજુ સમાંતરે દેખાડી શકાય એવો અજાબોગરીબ વિરોધાભાસ છે આ.

ચારઃ છેલ્લાં કેટલાક વર્ષોથી ઉપભોક્તાવાદી બજારના કારણે તહેવારો અને મહિલા દિવસ જેવા વિશેષ દિવસોની ઉજવણીનું વ્યાપારીકરણ થતું જાય છે. સોશિયલ મિડીયાએ એમાં જબ્બર ફાળો નોંધાવ્યો છે. મહિલા દિનને અનુલક્ષીને ખાસ સેલ, અમુકતમુક ડિસ્કાઉન્ટ, ખાસ ભેટ કૂપનો, જાતજાતની સ્પર્ધાઓ, મહિલાઓને બસ-ટ્રેનભાડાંમાં વિશેષ છૂટ અને ઠગલાબંધ ઇનામો. આ બધા વેપારી ચક્કરોમાં ઉજવણીનો મૂળ ઉદ્દેશ કે સમસ્યાની મૂળ સમજણ સાવ ભૂલાઇને બાજુએ ઠેલાઇ ગઇ છે.

પાંચઃ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે, વર્ષ 2020માં ભારતમાં મહિલાઓ સામેના ગુનાની સંખ્યા 3.73,503 હતી એ વર્ષ 2021માં વધીને 4,28,278 થયેલી. 15.3 ટકાનો વધારો. એમાં ઘરેલુ અત્યાચારનો કેસનું પ્રમાણ 31.8, અવમાનના અને શોષણના કેસનું પ્રમાણ 20.8, અપહરણના કેસનું પ્રમાણ 17.8 અને બળાત્કારના કેસનું પ્રમાણ 7.4 ટકા છે. આ તો ફક્ત પોલીસના ચોપડે ચડેલા ગુનાઓના આંકડા છે.

છઃ અવલોકન ક્રમાંક ચાર અને પાંચને સાથે રાખીને જૂઓ તો સ્પષ્ટ થાય છે કે મહિલા દિવસને અનુલક્ષીને યોજાતા લોકજાગૃતિના કાર્યક્રમો અને પ્રવચનોની કોઇ અસર જોવા મળતી નથી. મહિલાઓ જે ન્યાય, અધિકાર અને સમ્માન ઝંખે છે એ આટઆટલી ઉજવણી પછી ય એને મળતું નથી અથવા તો જે મળે છે એમાં આવી ઉજવણીઓનો કોઇ ફાળો નથી.

સાતઃ આ દિવસે વિવિધ ક્ષેત્રોમાં સફળતાની ટોચે પહોંચેલી મહિલાઓના દાખલા અપાય છે. એમની મુલાકાતો લેવાય છે. એમના સંઘર્ષની વાતો કરાય છે. સામસામે મંડાતી દલીલોમાં સામે નિર્ભયા અને હાથરસ જેવી ઘાતકી બળાત્કારની ઘટનાઓ પણ રજૂ કરાય છે. એ ભૂલાઇ જાય છે કે સફળતા વ્યક્તિગત સંઘર્ષ અને સંજોગોનું ય પરિણામ હોઇ શકે અને બળાત્કારની ઘટનાથી બધા જ પુરુષો હવસખોર કે સમાજ બળાત્કારી નથી બની જતો. દરેક સમાજમાં, દરેક કાળખંડમાં સારું અને નરસું સમાંતરે જ ચાલતું આવે છે એ હકીકત છે. એને ધ્યાનમાં રાખીને વિચારીએ તો જ સમસ્યાનું સમાધાન નીકળશે.

આઠઃ આપણી ભાષાના જાણીતા કવયિત્રી પન્ના ત્રિવેદીએ ‘ચાંદ કે પાર’ નામનું સરસ પુસ્તક લખ્યું છે. એની પ્રસ્તાવનામાં એ સરસ વાત લખે છેઃ વાત પુરુષપ્રધાન કે સ્ત્રીપ્રધાન સમાજની નથી. વાત કોણ ચડિયાતું છે એની પણ નથી. વાત એટલી જ છે કે, પુરુષ નામનો માણસ સ્ત્રી નામની માણસને માણસ તરીકે કેમ ન સ્વીકારી શકે?

એમની વાતમાં વજૂદ છે. સ્ત્રીએ પુરુષ સમોવડી થવાની હોડ માંડવાની જરૂર જ ક્યાં છે? કે પુરુષનું આધિપત્ય સ્વીકારાવાની ય ક્યાં જરૂર છે?

નવઃ વાત આમ તો એટલી અઘરી ય નથી. સ્ત્રી એ સ્ત્રી છે. પુરુષ એ પુરુષ. બન્ને વચ્ચે શારીરિકની સાથએ આવેગો-લાગણીઓના મનોવૈજ્ઞાનિકસ્તરે ય મૂળભૂત ભેદ અથવા તફાવત છે. એને ધ્યાનમાં રાખીને એકબીજાનો સમાન ભૂમિકાએ સ્વીકાર અને સમ્માન કરાય તો ય ઘણું.

ચાલો, સૌને મહિલા દિવસની શુભેચ્છાઓ.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)  

 

સાત મહિલાનું ભાવવિશ્વ: વિશ્વ મહિલા દિવસ વિશેષ..

જમીની સરહદોને અને વ્યક્તિગત ઓળખને ઓગાળીને વિશ્વના આકાશમાં કેવળ ‘સ્ત્રી’ તરીકે અભિવ્યક્ત થતી આ સાત વિખ્યાત કવયિત્રીનું કેવુંક છે કલમવિશ્વ?