ફિલ્મનું નામ ‘ભીડ’, પણ થિયેટરો ખાલીખમ

મુંબઈઃ રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર અભિનીત ‘ભીડ’ ફિલ્મ ગઈ 24 માર્ચથી થિયેટરોમાં રિલીઝ થઈ છે. 2020ના માર્ચ-એપ્રિલમાં કોરોનાવાઈરસ મહામારીની પહેલી લહેર વખતે સંપૂર્ણ દેશમાં લોકડાઉન લાગુ કરાયું હતું. એ વખતે જે કઠિન પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેમજ એ કાળમાં જુદા જુદા લોકોને ભોગવવી પડેલી વેદનાને વિષય બનાવને દિગ્દર્શક અનુભવ સિન્હાએ ‘ભીડ’ ફિલ્મ બનાવી છે.

પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણી કરાવી શકી નથી અને ફ્લોપ સાબિત થઈ રહી છે. ફિલ્મનું બજેટ રૂ. 25 કરોડનું હોવાનું મનાય છે. પરંતુ ફિલ્મ આટલી રકમની કમાણી પણ કરાવી આપે એવું લાગતું નથી. કારણ કે દર્શકોના કંગાળ પ્રતિસાદને કારણે થિયેટરોમાં અનેક શો રદ કરવા પડી રહ્યા છે.

ફિલ્મમાં રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર ઉપરાંત આશુતોષ રાણા, આદિત્ય શ્રીવાસ્તવ, પંકજ કપૂર, દિયા મિર્ઝા જેવા અન્ય કલાકારો પણ છે. અનુભવ સિન્હા આ પહેલાં આર્ટિકલ 15, મુલ્ક જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. ફિલ્મની કથા સિન્હાએ તેમજ સૌમ્યા તિવારી, સોનાલી જૈને સાથે મળીને લખી છે. સિન્હા ફિલ્મના સહ-નિર્માતા પણ છે.