નવાજુદ્દીન સિદ્દીકીએ બાળકોની કસ્ટડી માટે કેસ ફાઇલ કર્યો

મુંબઈઃ બોલીવૂડ એક્ટર નવાજુદ્દીન સિદ્દીકી હાલના ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે. એક્ટરની પત્ની આલિયા સાથે ચાલતા ખટરાગને કારણે તેના જીવનમાં ઊથલપાથલ ચાલી રહી છે. બંને જણ કેટલાંક વર્ષો પહેલાં તલાક લેવાનો વિચાર કરી રહ્યા હતા, પણ પુત્રીઓને કારણે સમજૂતી કરી લીધી હતી. એક્ટરની માતાએ પણ વહુની સામે FIR નોંધાવતાં સંબંધો વધુ વણસ્યા હતા. હવે આલિયાએ પુષ્ટિ કરી છે કે તે તેનાં બાળકોની કસ્ટડી માટે લડશે, કેમ કે તે તેની સાથે નથી રહેવા ઇચ્છતી. તેણે એ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે બંને વચ્ચે તલાક ચોક્કસ થશે.

આ સપ્તાહના પ્રારંભે નવાજુદ્દીનના ભાઈ શમસુદ્દીન સિદ્દીકી અને આલિયાની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. એક્ટરે રૂ. 100 કરોડ અને એક માફીનામું માગ્યું છે. બંને વચ્ચે હવે બાળકોની કસ્ટડીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મારાં બંને બાળકો મારી સાથે રહેવા ઇચ્છે છે અને તેની સાથે નથી રહેવા ઇચ્છતા, એમ આલિયાએ જણાવ્યું હતું.

નવાજુદ્દીન સિદ્દીકીનું નિવેદન

સોશિયલ મિડિયા પોસ્ટમાં નવાજુદ્દીન સિદ્દીકીએ આલિયાના આરોપો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મારા ચૂપ રહેવાને કારણે મને દરેક જગ્યાએ ખરાબ આદમી કહેવામાં આવે છે.હું એટલા માટે ચૂપ છું કે આ બધો તમાશો મારાં બાળકો ના જુએ. તેણે કહ્યું હતું કે સૌથી પહેલાં હું અને આલિયા અનેક વર્ષોથી એકસાથે નથી રહેતાં. અમે પહેલેથી અલગ છીએ, પણ અમારી વચ્ચે બાળકો માટે સમજૂતી હતી. તેમણે એમ કહ્યું હતું કે મારાં બાળકો છેલ્લા દોઢ મહિનાથી સ્કૂલે નથી જતાં. સ્કૂલ મને દરરોજ પત્ર મોકલી રહી છે. મારાં બાળકોને 45 દિવસોથી બંધક બનાવી લેવામાં આવ્યા છે અને દુબઈમાં તેમને સ્કૂલની યાદ આવી રહી છે. મેં મારાં બાળકો માટે વર્સોવા, મુંબઈમાં એક શાનદાર સી ફેસિંગ અપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આલિયાને એ અપાર્ટમેન્ટમાં સહ માલિક બનાવવામાં આવી હતી.

નવાજુદ્દીન સિદ્દીકીની પોસ્ટ પહેલાં તેની પત્ની આલિયાએ એક વિડિયો શેર કર્યો હતો અને તેના પર બાળકોને ઘરથી બહાર કાઢવાનો આરોપ લગાવ્યો હતો. સિદ્દીકી અને આલિયાને એક પુત્ર અને એક પુત્રી છે.