કરીનાએ ઉર્ફીની ફેશનનાં વખાણ કર્યાં

મુંબઈઃ અભિનેત્રી કરીના કપૂર-ખાન બોલીવુડની ફેશનેબલ હસ્તી તરીકે જાણીતી છે. 42 વર્ષની ઉંમરે પણ એની ફેશન સેન્સ સૌનું ધ્યાન આકર્ષિત કરે છે. એનાં વિવિધ લૂક સતત ચર્ચામાં રહેતાં હોય છે. એણે ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદનાં પરિધાન અંગે પ્રત્યાઘાત આપ્યાં છે. એણે તો ઉર્ફીનાં ખૂબ જ વખાણ કર્યાં છે.

ટાઈમ્સ નાઉને આપેલી મુલાકાતમાં ઉર્ફી જાવેદનાં વસ્ત્રો વિશેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કરીનાએ કહ્યું, ‘કયા પ્રકારનાં કપડાં પહેરવા અને કઈ ફેશન કરવી એની તમને અહીંયાં સંપૂર્ણપણે આઝાદી છે. ઉર્ફી જે આત્મવિશ્વાસ સાથે લોકો સમક્ષ આવે છે એ જોતાં સૌએ એની પ્રશંસા કરવી જોઈએ. મારું માનવું છે કે એ ખૂબ જ શાંત છોકરી છે અને ખૂબ જ સુંદર લાગે છે. સાચી વાત એ છે કે ઉર્ફી એને જે ગમે છે તે પહેરે છે અને એ જ સાચી ફેશન છે. હું પોતે એક સ્ત્રી છું, જેને સ્વયં પર સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે હું ઉર્ફીનાં આત્મવિશ્વાસની પ્રશંસા કરું છું. એને મારી સલામ છે.’