Home Blog Page 2261

કોઈ પણ પુરાવા વગર મારી હકાલપટ્ટી કરવામાં આવી છેઃ મહુઆ મોઈત્રા

નવી દિલ્હીઃ ‘કેશ ફોર ક્વેરી’ કૌભાંડ મામલે આજે લોકસભામાંથી હકાલપટ્ટી પામેલાં મહુઆ મોઈત્રા પશ્ચિમ બંગાળમાં કૃષ્ણનગર બેઠક પરથી લોકસભામાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ 2019ની ચૂંટણીમાં આ મતવિસ્તારમાંથી વિજયી થયાં હતાં. પોતાની હકાલપટ્ટી વિશે એમણે આકરાં શબ્દોમાં એથિક્સ કમિટીની ઝાટકણી કાઢી છે. સંસદભવનની બહાર પ્રત્યાઘાત આપવાનું પત્રકારોએ કહેતાં મહુઆએ કહ્યું કે, ‘એથિક્સ કમિટીએ આ કેસમાં શું ખોટું થયું છે અને કેટલા નાણાંની લેવડદેવડ થઈ છે એનો પુરાવો મેળવ્યા વગર મારી હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો છે. મારી હકાલપટ્ટીની ભલામણનો આધાર માત્ર એ મુદ્દા પર છે કે મેં મારું લોકસભા પોર્ટલ લોગ-ઈન શેર કર્યું હતું. પણ લોગ-ઈન શેરિંગ કરવા મામલે કોઈ જ નિયમ લાગુ કરાયા નથી. જો આ મોદી સરકાર એવું વિચારતી હોય કે તેઓ મારો અવાજ બંધ કરીને અદાણી મુદ્દામાંથી છટકી જશે તો હું એટલું જ કહીશ કે આ એથિક્સ કમિટી કાંગારું કોર્ટ છે અને તેણે ઉતાવળ અને પ્રક્રિયાનો દુરુપયોગ કરીને દેશની જનતાને બતાવી આપ્યું છે કે અદાણી તમારા માટે કેટલા બધા મહત્ત્વના છે. અને તમે એક મહિલા સંસદસભ્યને હેરાન કરવા માટે કેટલી હદ સુધી જઈ શકો છો, જેથી એનો અવાજ બંધ કરી શકાય.’

મહુલા મોઈત્રા સંસદભવનની બહાર પત્રકારોને આમ કહેતાં હતાં ત્યારે કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી સહિત અન્ય વિપક્ષી નેતાઓ એમની પડખે ઊભાં હતાં.

મહુઆએ વધુમાં કહ્યું, ‘ફરિયાદી એમ કહે છે કે મેં એક ઉદ્યોગપતિના વ્યાપાર હિતને ખાતર એમની પાસેથી પૈસા લઈને ગૃહમાં સવાલ પૂછ્યા હતા, પરંતુ તે ઉદ્યોગપતિનું સુઓ-મોટ્ટો સોગંદનામું કહે છે કે, મેં મારી ઈચ્છા મુજબના સવાલો અપલોડ કરવા માટે તે ઉદ્યોગપતિ પર દબાણ કર્યું હતું. બેઉ વાત સાવ ખોટી છે. એથિક્સ કમિટીએ કેસના મૂળમાં ગયા વગર મને લટકાવી દેવાનું નક્કી કરી લીધું. એણે તે ઉદ્યોગપતિને પણ મૌખિક પૂછપરછ માટે બોલાવ્યા નહોતા અને આમાં ક્યાંય પણ કોઈ રોકડ રકમ કે ગિફ્ટ લેવાઈ હોવાનો પુરાવો જ નથી.’

લોકશાહીની હત્યા થઈ છેઃ મમતા બેનરજી

પોતાની તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રાની ગૃહમાંથી કરાયેલી હકાલપટ્ટીના મુદ્દે પક્ષનાં પ્રમુખ મમતા બેનરજીએ કહ્યું કે, આ ચુકાદાથી લોકશાહીની હત્યા થઈ છે.

પાંચ વર્ષોમાં કેનેડામાં સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

નવી દિલ્હીઃ દેશમાંથી ભારે સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે. જોકે આ વિદ્યાર્થીઓથી સંકળાયેલા એક ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે વર્ષ 2018થી કુદરતી આફતો અને દુર્ઘટનાઓ સહિત વિવિધ કારણોને કારણે કમસે કમ 403 ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. આ દરમ્યાન 34 દેશોમાંથી સૌથી વધુ મોત કેનેડામાં થયાં છે.

આ ડેટા કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરને રાજ્યસભામાં રજૂ કર્યા હતા. મંત્રાલયે રજૂ કરેલા આંકડા અનુસાર કેનેડામાં વર્ષ 2018માં 91 ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. આ સિવાય બાકીના દેશો છે, જેમાં UK (48), રશિયા (40), અમેરિકા (36), ઓસ્ટ્રેલિયા (35), યુક્રેન (21), જર્મની (20)નું સ્થાન છે. ત્યાર બાદ સાયપ્રસ (14), ઇટાલી અને ફિલિપિન્સમાં દરેકમાં (10) વિદ્યાર્થીઓનાં મોત થયાં છે.

આ આંકડા રજૂ કરતી વખતે મુરલીધરને વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અને ભલાઈ માટે કેન્દ્રની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. આ દરમ્યાન તેમણે વ્યક્તિગત મામલાઓ પર ધ્યાન આપવા અને ભવિષ્યમાં કોઈ પણ અપ્રિય ઘટનાને અટકાવવાની દિશામાં કામ કરવા માટેં વચન આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે મુખ્ય અને વરિષ્ઠ અધિકારીઓ નિયમિત રૂપે કોલેજો અને યુનિવર્સિટીઓની મુલાકાત લઈ રહ્યા છીએ અને ભારતીય વિદ્યાર્થી સાથે વાતચીત કરી રહ્યા છે. વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા ભારત સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતામાંથી એક છે. જોકોઈ અપ્રિય ઘટના બને છે તો એને જેતે દેશના સંબંધિત અધિકારીઓ સામે ઉઠાવવમાં આવે છે. કોઈ મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીની ઇમર્જન્સી મેડિકલ સારવાર, ભોજન અને આવાસ સહિત કાઉન્સેલિંગની મદદ પણ આપવામાં આવે છે.

 

 

 

 

મહુઆ મોઈત્રાની લોકસભામાંથી હકાલપટ્ટી કરાઈ

નવી દિલ્હીઃ પૈસા લઈને લોકસભામાં સવાલ પૂછવાની ગેરકાયદેસર પ્રવૃત્તિના કૌભાંડ (કેશ-ફોર-ક્વેરી)માં સંડોવણીના કેસના મામલે તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સભ્ય મહુઆ મોઈત્રાની ગૃહમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ કેસમાં સંસદની નૈતિક્તા સમિતિ (એથિક્સ કમિટી)એ તપાસ કરી હતી અને તેનો અહેવાલ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો તથા એની પર ચર્ચા કરવામાં આવી હતી.  સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ એથિક્સ કમિટીના અહેવાલનો સ્વીકાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં મહુઆ મોઈત્રાની હકાલપટ્ટી કરવાની ભલામણ કરવામાં આવી હતી. તે પછી લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મતદાન કરાવ્યું હતું જેમાં મોઈત્રાની હકાલપટ્ટી કરવાની તરફેણમાં મત આવ્યા હતા.

મહુઆ મોઈત્રા પશ્ચિમ બંગાળમાં કૃષ્ણનગર બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે. તેઓ 2019ની ચૂંટણીમાં અહીંથી વિજયી થયાં હતાં. પોતાની હકાલપટ્ટી વિશે પ્રત્યાઘાત આપવાનું પત્રકારોએ કહેતાં મહુઆએ કહ્યું કે, એથિક્સ કમિટીએ આ કેસમાં શું ખોટું થયું છે અને કેટલા નાણાંની લેવડદેવડ થઈ છે એનો પુરાવો મેળવ્યા વગર હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો છે. આ કેસમાં જેમનું નામ આવ્યું છે તે ઉદ્યોગપતિને કમિટીના સભ્યોએ પૂછપરછ માટે પણ બોલાવ્યા નહોતા.

કોંગ્રેસે અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી

અમદાવાદઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે કમર કસવા માંડી છે અને રાજ્યમાં અમદાવાદ સહિત 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે.  

કોંગ્રેસે ગુજરાત રાજ્યના સંગઠનમાં મોટા ફેરફાર કરતા 10 જિલ્લાઓના પ્રમુખોની નિમણૂક કરી છે, જેમાં અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ, રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયા, અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત, જૂનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા, પંચમહાલ જિલ્લામાં પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમાર, ખેડા જિલ્લાપ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી, આણંદ જિલ્લાપ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકી,  વડોદરા જિલ્લાપ્રમુખ તરીકે જશપાલસિંહ પઢિયાર, નર્મદા જિલ્લાપ્રમુખ તરીકે પ્રફુલ પટેલ અને ડાંગ જિલ્લાપ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત કોંગ્રેસે પોલિટિકલ અફેર કમિટીની પણ જાહેરાત કરી છે. જેમાં 40 સભ્યોની ગુજરાત પ્રદેશ ઈલેક્શન કમિટીની પણ જાહેરાત કરવામાં આવી છે.

 

 

 

 

 

એશિયા ચેમ્પિયનશિપમાં ACP જિતેન્દ્ર યાદવ ભારતનું પ્રતિનિધિત્વ કરશે

અમદાવાદઃ અમદાવાદના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ( સાયબર ક્રાઇમ)  જિતેન્દ્ર યાદવની  વિયેતનામમાં યોજાનાર બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન ચેમ્પિયનશિપ 2023-24 માં “45+” વર્ષની કેટેગરી માટે પસંદગી કરવામાં આવી છે. એશિયા સિનિયર ચેમ્પિયનશિપ 2023ની યોજાનારી  12 ડિસેમ્બરથી 17 ડિસેમ્બરમાં બેડમિન્ટનની સ્પર્ધામાં જિતેન્દ્ર યાદવ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

આ અંગે વધુ જણાવતાં તેમણે કહ્યું હતું કે બેડમિન્ટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા  દ્વારા વર્ષમાં યોજવામાં આવતી વિવિધ ટુર્નામેન્ટમાં અમારા પ્રદર્શન અને જીતને આધારે મળતા રેન્કિંગ પરથી અમારી પસંદગી આ ચેમ્પિયનશિપ માટે કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ ટુર્નામેન્ટની તૈયારીના ભાગરૂપે અમે રોજ સવારે છથી ૭ વાત વાગ્યા સુધી લગભગ પાંચ થી છ કિલોમીટર જેટલું એન્ડયુરન્સ રનિંગ કરીએ છીએ અને તે પછી લગભગ બે કલાક માટે ઓન કોર્ટ પ્રેક્ટિસ કરીએ છીએ. આ ટુર્નામેન્ટમાં “બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમી”ના હેડ કોચ સમીર અબ્બાસી પણ ભાગ લેશે.

 

 

 

 

 

ખેલાડીઓના દેખાવ પર નજર રાખવા ટીમ ઈન્ડિયાના સિલેક્ટરો સાઉથ આફ્રિકા રવાના

મુંબઈઃ આઈસીસી દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતી T20 વર્લ્ડ કપની નવી, 9મી આવૃત્તિ 2024ના જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાવાની છે. તે માટે ભારતીય ટીમને તૈયાર કરવાનું કાર્ય ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ અત્યારથી આરંભી દીધું છે. ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગઈ છે. ત્યાં તે ત્રણેય ફોર્મેટમાં  – T20I, વન-ડે ઈન્ટરનેશનલ અને ટેસ્ટ શ્રેણીઓ રમવાની છે. તે ઉપરાંત ઈન્ડિયા-A ટીમ પણ ત્રણ મેચ રમવાની છે. આ પ્રવાસમાં ભારતીય ટીમના ખેલાડીઓના દેખાવનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાની જવાબદારી બે પસંદગીકારને સોંપવામાં આવી છે – એસ.એસ. દાસ અને સલીલ અંકોલા.

આમ, ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ભારતીય ટીમ મેચો જીતે તે ઉપરાંત એમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓને 2024ની T20 વર્લ્ડ કપની ટીમમાં માટે પસંદ કરવા ઉપર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દાસ અને અંકોલા સાઉથ આફ્રિકા સામેની મેચો વખતે ટેલેન્ટેડ ભારતીય ખેલાડીઓને પિછાણશે અને ખેલાડીના સાતત્યપૂર્ણ દેખાવનું મૂલ્યાંકન કરશે.

ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો, 3 ODI મેચ અને બે ટેસ્ટ મેચ રમશે. એ દરમિયાન ઈન્ડિયા-A ટીમ પણ ત્રણ મેચ રમશે અને એમાં જ સિલેક્ટરો ખેલાડીઓની ટેલેન્ટ પર નજર રાખશે.

મહિલા સશક્તીકરણની પહેલના ભાગરૂપે ફેશન શોનું આયોજન

મુંબઈઃ CFBPની મહિલા સશક્તીકરણની પહેલના ભાગરૂપે ચોથી ડિસેમ્બરે સોમવારે ફેશન શો યોજાયો હતો. આ ફેશન- શોમાં રેમ્પ વોક મહિલા સશક્તિકરણનો એક ભાગ હતો. આ ફેશન શો મુંબઈની હોટેલ તાજ લેન્ડ, બેન્ડસ્ટેડના લેન્ડ્સ એન્ડ બોલ રૂમમાં યોજાયો હતો. આ ફેશન શોનું આયોજન CFBP ક્રિયેટિવ આર્ટ્સ ફેસ્ટિવલ-2023 દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેશન શો સાંજે છ કલાકે યોજવામાં આવ્યો હતો.

આ ફેશન શોનાં મુખ્ય અતિથિ રાજશ્રી બિરલા, સીમા સિંહ, શેખર બજાજ, નવાઝ મોદી સિંઘાનિયા, રેખા ઝુનઝુનવાલા, દિલીપ પિરામલ, નુસરત ભરૂચા અને સાંઈ માંજરેકર હતાં. આ ફેશન શોનું આયોજન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સભ્ય પાયલ કોઠારી અને એડવાઇઝરી બોર્ડના સભ્ય શાઇના NCએ કર્યું હતું. આ સંસ્થાના પ્રમુખ છે સ્વપ્નીલ કોઠારી છે.

આ ફેશન શોનો ઉદ્દેશ ગ્લેમર છે, કેમ કે આ શો થકી થનારી આવકનો એક ભાગ ટાટા મેમોરિયલમાં V કેર કેન્સરના દર્દીઓને દાન કરવામાં આવશે.

કાઉન્સિલ ફોર ફેર બિઝનેસ પ્રેક્ટિસિસ (CFBP)ની સ્થાપના જેઆરડી ટાટા, નવલ ટાટા, રામકૃષ્ણ બજાજ, અરવિંદ મફતલાલ, એસ. પી. ગોદરેજ, હરીશ મહિન્દ્રા, જિમી ગઝદર, વિષ્ણુભાઈ હરિભક્તિના નેતૃત્વમાં કરવામાં આવી હતી, જેમાં તેમને એફટી ખોરાકીવાલા સહિત અન્ય 27 ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો, સામાજિક કાર્યકર્તાઓ, શિક્ષણવિદો અને પ્રોફેશનલોએ સહયોગ પૂરો પાડ્યો હતો.

આ યુનિક ઓર્ગેનાઇઝેશને ત્યારથી ગ્રાહકો અને કોર્પોરેટ્સ –બંને માટે મિશન, વિઝન અને આચારસંહિતાને આગળ વધારી છે.

 

‘ફાઈટર’ ફિલ્મનું ટીઝર રિલીઝ કરાયું; જોમ, જુસ્સો, હૃતિક-દીપિકાનાં રોમાન્સની ઝલક

મુંબઈઃ ભારતની પ્રથમ એરિયલ (હવાઈ) એક્શન ફિલ્મ ‘ફાઈટર’નું ટીઝર તેના નિર્માતાઓએ આજે રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં હૃતિક રોશન, દીપિકા પદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ત્રણેય જણ ફિલ્મમાં ભારતીય હવાઈ દળના ઓફિસરોનો રોલ ભજવી રહ્યાં છે. એક મિનિટ અને 13 સેકંડના ટીઝરમાં જેટ યુદ્ધવિમાનોની ઝડપના વિઝ્યુઅલ ઈફેક્ટ્સની ઝલક જોવા મળે છે. બેકગ્રાઉન્ડ સંગીત પણ અસરદાર છે. ટીઝરમાં હૃતિક અને દીપિકાની રોમેન્ટિક કેમિસ્ટ્રી અને કિસિંગના દ્રશ્યો ઘણા નેટયૂઝર્સને પસંદ પડ્યા છે. એની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. ઘણા યૂઝર્સ ટીઝરના વખાણ કરતાં થાકતાં નથી.

‘વોર’ અને ‘પઠાણ’ ફિલ્મો બનાવનાર સિદ્ધાર્થ આનંદ ‘ફાઈટર’ના દિગ્દર્શક છે. ફિલ્મ આવતા વર્ષની 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ કરાશે.

ડિસેમ્બરમાં એક કરોડથી વધુ લોકોએ પ્લેટફોર્મ X પર સાઇનઅપ કર્યું: CEO

વોશિંગ્ટનઃ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર)નાં CEO લિન્ડા યાકારિનોએ એક પોસ્ટમાં કહ્યું હતું કે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ Xમાં ડિસેમ્બરમાં એક કરોડથી વધુ લોકોએ સાઇનઅપ કર્યું છે. જોકે વર્ષના અંત સુધીમાં કંપનીઓને એડ રેવેન્યુમાં 7.5 કરોડ ડોલરનું નુકસાન થવાની શક્યતા છે, કેમ કે મુખ્ય બ્રાન્ડોએ તેમનાં માર્કેટિંગ કેમ્પેન અટકાવી દીધાં છે, એમ ન્યુ યોર્ક ટાઇમ્સનો અહેવાલ કહે છે.

જોકે X નિયમિત રીતે યુઝર ડેટા જાહેર નથી કરતી, જેથી ડિસેમ્બરમાં કેટલા યુઝર્સ જોડાયા એના પર લિન્ડા તરત સંપર્ક સાધી શકાયો નહોતો. જોકે અબજોપતિ મસ્કે કહ્યું હતું કે જુલાઇમાં X વેબસાઇટ પર માસિક ધોરણે 54 કરોડ યુઝર્સ છે. વળી, વેબસાઇટ X પર એપલ, ડિઝની, વોર્નર બ્રધર્સ, ડિસ્કવરી, કોમકાસ્ટ, લાયન્સ ગેટ એન્ટરટેઇનમેન્ટ, પેરામાઉન્ટ ગ્લોબલ અને IBM સહિત અનેક કંપનીઓએ તેમની જાહેરાત વેબસાઇટ X પર અટકાવી દીધી હતી.

મસ્કે એ એડવર્ટાઇઝર્સને શાપ આપ્યો હતો કે જે ઉપયોગકર્તોથી સહમત થયા પછી મંચથી ભાગી ગયા હતા. તેમણે ટિપ્પણી કરી હતી કે યહૂદી લોકો ગોરા લોકો વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે. વોચડોગ ગ્રુપ મિડિયા મેટર્સના એક રિપોર્ટમાં X પોસ્ટની બાજુમાં મુખ્ય કંપનીઓની જાહેરાત મળી હતી, જે નાઝીવાદને ટેકો આપે છે. X પ્લેટફોર્મે મિડિયા મેટર્સની વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો.

 

 

 

ચૉકલેટ થિકશેક…. લીંબુ-મરી-મસાલા માર કે!

હે દ્વારીકાધીશ. કેવું આ સપ્તાહ? કરણ જોહરની ફિલ્મ ‘કભી ખુશી કભી ઘમ’ જેવું. જેઓ મોડા પડ્યા છે એમને માટે એક ઝડપી રિરન. બૅડ ન્યુઝઃ ભારતીય ટેલિવિઝનના અતિલોકપ્રિય શો ‘સીઆઈડી’માં ફ્રેડીનું પાત્ર ભજવતા ઍક્ટર દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે અવસાન…. ફૉર્થ સ્ટેજના સ્ટમક કૅન્સરથી ગ્રસ્ત, કોમિક રોલ માટે જાણીતા અભિનેતા જુનિયર મેહમૂદનો ઈન્તેકાલ. 67 વર્ષી મોહમ્મદ નઈમ ઉર્ફે જુનિયર મેહમૂદની અંતિમ ઈચ્છા હતી જિતેન્દ્ર અને સચીનને મળવું. બન્નેએ એમની એ લાસ્ટ વિશ પૂરી કરી. ઈશ્વર એમના આત્માને સદગતિ આપે… ઠીક ઠીક ફેમસ એવા ટીવીઍક્ટર ભૂપીન્દર સિંહે પડોશી સાથે ઝઘડો થતાં પોતાની લાઈસન્સ ગનથી એને (પડોશીને) શૂટ કરી નાખ્યો એ સમાચાર. હાલ ભૂપીન્દરભાઈ જેલના સળિયા કાઉન્ટ કરી રહ્યા છે.

ગુડ ન્યુઝઃ આજે એટલે 8 ડિસેમ્બરે ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોરે બર્થડે છે. ધરમ પાજી 88 વર્ષ પૂરાં કરીને 89મા વર્ષમાં પ્રવેશશે જ્યારે શર્મિલા ટાગોર 80મા વર્ષમાં.

-અને વન મોર ગુડ ન્યુઝ તે એ કે ફિલ્મસ્ટાર્સનાં બાલૂડાંવને ચમકાવતી ‘ધ આર્ચીઝ’ ગઈ કાલે (7 ડિસેમ્બરે) નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. ‘લક બાય ચાન્સ’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘દિલ ધડકને દો,’ ‘ગલ્લી બૉય’ જેવી ફિલ્મનાં ડિરેક્ટર ઝોયા અખ્તરે જ્યારથી આ ફિલ્મના સર્જનની જાહેરાત કરી ત્યારથી એ ચર્ચામાં રહી. ખાસ તો, વગદાર સિનેસ્ટાર્સનાં સંતાન હોવા સિવાય બીજું કોઈ જ ક્વૉલિફિકેશન ન ધરાવતાં બચ્ચાં લોગને ડાયરેક્ટ ફિલ્મમાં એન્ટ્રી કરાવવા માટે. જો કે એ આખ્ખી જુદી ચર્ચાનો વિષય છે.

વાર્તા કંઈ આવી છેઃ ઉત્તર ભારતમાં કોઈ એક સ્થળે આવેલી એક કાલ્પનિક નગરી છે, રિવરડેલ. સમયકાળ છે 1964. રિવરડેલના નગરજનોમાં એન્ગ્લો ઈન્ડિયનની બહુમતી છે. બાય ધ વે હકીકત તે એ કે ઝોયા અખ્તરના નગરજનો ક્રિશ્ચન હોય તો જ ઓરિજિનલ આર્ચી-બેટ્ટી-વેરોનિકા-જગહેડ જેવાં પાત્રો તથા એમનાં જિવાતાં જીવન બતાવી શકાયને?

ઓક્કે. આર્ચી એન્ડ્ર્યુઝ (અગસ્ત્ય નંદા) આપણને એક લીલાછમ્મ ઉદ્યાન વિશે એની સાથે જોડાયેલો ઈતિહાસ વર્ણવે છે, જેનું નામ છેઃ ગ્રીન પાર્ક. આ આર્ચી બી એક ગમ્મત છેઃ ગ્રીન પાર્ક બચાવો ઉપરાંત એ વેરોનિકા (સુહાના ખાન) અને બેટ્ટી (ખુશી કપૂર)ને એકસાથે ચાહે છે. સુહાનાના મૂડીવાદી પપ્પા મિસ્ટર લોજ (અલી ખાન) ગ્રીન પાર્કનો ખુરદો બોલાવી એની પર ફાઈવસ્ટાર હોટેલ બાંધવાનું નક્કી કરે છે. અને આ સાંભળીને 17-17 વર્ષની સ્કૂલટોળકી ગ્રીન પાર્કને બચાવવાનું મિશન આદરે છેઃ સેવ ધ ગ્રીન.

The Archies. (L to R) Mihir Ahuja as Jughead Jones, Yuvraj Menda as DIlton Doiley, Agastya Nanda as Archie Andrews, Suhana Khan as Veronica Lodge, Vedang Raina as Reggie Mantle, Suhana Khan as Veronica Lodge, Dot as Ethel Muggs in The Archies. Cr. Courtesy of Netflix © 2023

આઠ દાયકા કરતાં વધુ સમયથી દુનિયાભરનાં ચિત્રપટ્ટીપ્રેમીઓને ઘેલું લગાડતા આર્ચીનાં પાત્રો પર આધારિત રીમા કાગતી, આયેશા દવિત્રે ઢિલ્લોં અને ઝોયા અખ્તરે લખેલી કથા-પટથામાં લાલચૂડા મૂડીવાદીઓથી શહેરની ઓળખ, પર્યાવરણ, નાના દુકાનદારોને બચાવવાવાળો વળાંક જ ફિલ્મમાં આપણો રસ જાળવી રાખે છે. બાકી આવી હાઈ સ્કૂલ મ્યુઝિકલની શ્રેણીમાં આવતી (આર્ચી કોમિક બુકથી પ્રેરિત) કેટલીયે ફિલ્મું આપણે જોઈ ચૂક્યા છીએઃ આપણા કુંદનભાઈ શાહની ‘કભી હા કભી ના’, ‘જો જીતા વોહી સિકંદર’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, વગેરે. વળી અમેરિકન ધનાઢ્ય પરિવારમાંથી આવતો આર્ચી મૂડીવાદ સામે બાંયો ચડાવે એ બી થોડું અજીબ લાગે છે.

હા, એક વાત માટે ઝોયાને સોમાંથી સો માર્ક્સ આપવા પડેઃ કાલ્પનિક નગરી રિવરડેલનો નયનરમ્ય માહોલ સર્જવા માટે. સોડા શૉપ, ડેટ્સ પર જતાં ટીનએજર્સ, કૅન્ડી-કલરના પેટીકોટ, પોલકાંડૉટ સ્કાર્ફ… હકીકતમાં આશરે અઢી કલાકની ‘ધ આર્ચીઝ’ના રિયલ સ્ટાર્સ આ છેઃ પ્રોડક્શન ડિઝાઈન, આર્ટ ડિરેક્શન, કૉસ્ચ્યૂમ્સ, સિનેમેટોગ્રાફી, લોકેશન (ઊટી, મુંબઈનું રૉયલ પામ્સ, વગેરે) અને શંકર-એહસાન-લૉયનાં દિલડોલ ગીતસંગીત. અરે હા, ‘સુનો’ સોંગમાં જાવેદ અખ્તરે ‘સુહાની’ અને ‘ખુશી’ જેવા વર્ડિંગ વાપર્યા છે તે શું અકસ્માત્ હશે કે પછી…?

અભિનયમાં મને, પર્સનલી, આર્ચી એટલે અગસ્ત્ય નંદા ગમી ગયો. બાકી બધા ઓકે-ટાઈપ. ઓવરઑલ, ઈન્ગ્લિશ ફિલ્મ પર હિંદીનો ઢોળ ચડાવ્યા જેવી, અમેરિકાના ચૉકલેટ થિકશેક પર દેશી લીંબુ-મરીમસાલા ભભરાવીને રજૂ કરવામાં આવેલી વર્ણસંકર ‘ધ આર્ચીઝ’ ક્રિસમસ વૅકેશનમાં ઉપર લખ્યાં તે રિયલ સ્ટાર્સ માટે જોઈ કાઢજો.