પટનાઃ પેપર લીક, શિક્ષણ વ્યવસ્થામાં કથિત ભ્રષ્ટાચાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે બુધવારે પટનામાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ રાજભવન સુધી માર્ચ કાઢી હતી. માર્ચ દરમિયાન તેઓ શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ ઉઠાવતા રહ્યા. ગાંધી મેદાન નજીક જેપી ગોલંબર પરથી આગળ વધવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસે રોક્યા હતા. પ્રદર્શનકારીઓ અને ઉગ્ર બનેલા વિદ્યાર્થીઓને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને આંસુ ગેસના શેલ છોડ્યા હતા. વિદ્યાર્થીઓ કોઈ પણ કિંમતે રાજભવન સુધી પહોંચવા માગતા હતા. ઓલ ઈન્ડિયા સ્ટૂડન્ટ્સ એસોસિયેશન (AISA)ના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ રાજભવન તરફ માર્ચ માટે નીકળ્યા હતા.
ભીડને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ
પ્રદર્શનકારીઓને આગળ વધતા અટકાવવા માટે પોલીસે ચાર રસ્તા પર બેરિકેડિંગ ગોઠવ્યું હતું. ત્યાર બાદ કેટલાક પ્રદર્શનકારીઓએ બેરિકેડિંગ હટાવી આગળ વધવાનો પ્રયાસ કર્યો, જેના જવાબમાં પોલીસે પહેલા તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો અને પછી ભીડને વિખેરવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો. જેપી ગોલંબરથી નીકળેલા વિદ્યાર્થીઓ ડાકબંગલા ચાર રસ્તા સુધી પહોંચી ગયા હતા. અહીં પરિસ્થિતિ બગડતાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો. જેને કારણે ગાંધી મેદાન આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.
AISAના બેનર હેઠળ વિદ્યાર્થીઓ એકત્રિત થયા
પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશનના વિદ્યાર્થી સંગઠન AISAના બેનર હેઠળ એકત્રિત થયા હતા. તેમને રાજ્યપાલ નિવાસસ્થાનથી આશરે ત્રણ કિલોમીટર દૂર ગાંધી મેદાન નજીક પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.
પોલીસે કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા
પોલીસે તાત્કાલિક રીતે એ સ્પષ્ટ કર્યું નથી કે આ પ્રદર્શનના સંબંધમાં કેટલા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ દરમિયાન ‘કોક્રોચ જનતા પાર્ટી’ (CJP)ના પ્રદર્શનકારીઓ બુધવારે પણ નવી દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર અડગ રહ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં તેમનું આંદોલન હવે બીજા મહિનામાં પ્રવેશી ગયું છે.




