બંગાળ વિધાનસભામાં ભારે હંગામો

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બુધવારે અભૂતપૂર્વ હંગામો અને અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વિધાયક કુણાલ ઘોષને વિધાનસભા અધ્યક્ષના આદેશ બાદ માર્શલ્સ દ્વારા બળજબરીપૂર્વક સદનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. ઘટનાની વિગત અનુસાર, વિધાનસભામાં TMC ના બળવાખોર વિધાયક અખરુજ્ઝમા ભાષણ આપી રહ્યા હતા. તે જ સમયે કુણાલ ઘોષ વેલમાં પહોંચી ગયા હતા અને તેમના ભાષણમાં અવરોધ ઊભો કરવા લાગ્યા હતા. આ જોઈને ભાજપના વિધાયકો પણ તુરંત કુણાલ ઘોષની નજીક પહોંચી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે તીખી બહેસ અને ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ હતી. વધતા હંગામાને જોઈને વિધાનસભા અધ્યક્ષે કુણાલ ઘોષને પોતાની સીટ પર પરત ફરવા વારંવાર અપીલ કરી હતી, પરંતુ સ્થિતિ વણસતા અધ્યક્ષના આદેશ પર માર્શલો બોલાવવામાં આવ્યા હતા. માર્શલોએ વિરોધ કરી રહેલા કુણાલ ઘોષને ઊંચકીને સદનની બહાર કાઢી મૂક્યા હતા.

મમતા બેનર્જીની પાર્ટીમાં ભંગાણની સ્થિતિ

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદથી જ મમતા બેનર્જીની પાર્ટી TMC તૂટવાના આરે પહોંચી ગઈ છે. પાર્ટીના અનેક વિધાયકો અને સાંસદો બળવાખોર વલણ અપનાવી ચૂક્યા છે. વિધાયક ઋતવ્રત બેનર્જીએ બળવો કરીને એક અલગ જૂથ બનાવ્યું છે, જેમાં આશરે 60 વિધાયકો સામેલ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકર રવીન્દ્ર નાથ બોસે ઋતવ્રત બેનર્જીને નેતા પ્રતિપક્ષ તરીકે માન્યતા આપી દીધી છે, જ્યારે મમતા બેનર્જીએ શોભનદેબ ચટ્ટોપાધ્યાયને નેતા પ્રતિપક્ષ જાહેર કર્યા હતા. પાર્ટીના 80 માંથી 60 વિધાયકોએ શોભનદેબ ચટ્ટોપાધ્યાયને નેતા પ્રતિપક્ષ માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.

લોકસભામાંથી TMC સાંસદ કલ્યાણ બેનર્જી સસ્પેન્ડ

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન દિલ્હીમાં પણ તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. લોકસભામાં મહિલા સભ્ય સામે કથિત રીતે વાંધાજનક અને અશોભનીય ભાષાનો ઉપયોગ કરવાના આરોપસર TMC સાંસદ કલ્યાણ બેનર્જીને સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લોકસભા ચેમ્બરમાં કલ્યાણ બેનર્જી અને NCPI ના કેટલાક સભ્યો વચ્ચે તીખી બહેસ થઈ હતી. ત્યારબાદ બપોરે 2 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતાં જ ધ્વનિમતથી તેમના નિલંબનનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ગૃહની અધ્યક્ષતા કરી રહેલા કૃષ્ણ પ્રસાદ ટેન્નેટીએ જણાવ્યું હતું કે કેટલાક સભ્યોએ સ્પીકરને લેખિત ફરિયાદ કરી હતી કે બેનર્જીની ટિપ્પણીથી ગૃહની ગરિમાને ઠેસ પહોંચી છે.

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કલ્યાણ બેનર્જીને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવ પસાર થયા બાદ ટેન્નેટીએ બેનર્જીને લોકસભા પરિસર છોડી જવા આદેશ આપ્યો હતો. આ દરમિયાન વિપક્ષી સાંસદો નીટ (NEET) પેપર લીક સહિતના મુદ્દે ભારે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જેના કારણે લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવી પડી હતી.