મહુઆ મોઈત્રાની લોકસભામાંથી હકાલપટ્ટી કરાઈ

નવી દિલ્હીઃ પૈસા લઈને લોકસભામાં સવાલ પૂછવાની ગેરકાયદેસર પ્રવૃત્તિના કૌભાંડ (કેશ-ફોર-ક્વેરી)માં સંડોવણીના કેસના મામલે તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સભ્ય મહુઆ મોઈત્રાની ગૃહમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. આ કેસમાં સંસદની નૈતિક્તા સમિતિ (એથિક્સ કમિટી)એ તપાસ કરી હતી અને તેનો અહેવાલ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો તથા એની પર ચર્ચા કરવામાં આવી હતી.  સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ એથિક્સ કમિટીના અહેવાલનો સ્વીકાર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં મહુઆ મોઈત્રાની હકાલપટ્ટી કરવાની ભલામણ કરવામાં આવી હતી. તે પછી લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મતદાન કરાવ્યું હતું જેમાં મોઈત્રાની હકાલપટ્ટી કરવાની તરફેણમાં મત આવ્યા હતા.

મહુઆ મોઈત્રા પશ્ચિમ બંગાળમાં કૃષ્ણનગર બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે. તેઓ 2019ની ચૂંટણીમાં અહીંથી વિજયી થયાં હતાં. પોતાની હકાલપટ્ટી વિશે પ્રત્યાઘાત આપવાનું પત્રકારોએ કહેતાં મહુઆએ કહ્યું કે, એથિક્સ કમિટીએ આ કેસમાં શું ખોટું થયું છે અને કેટલા નાણાંની લેવડદેવડ થઈ છે એનો પુરાવો મેળવ્યા વગર હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો છે. આ કેસમાં જેમનું નામ આવ્યું છે તે ઉદ્યોગપતિને કમિટીના સભ્યોએ પૂછપરછ માટે પણ બોલાવ્યા નહોતા.