કોઈ પણ પુરાવા વગર મારી હકાલપટ્ટી કરવામાં આવી છેઃ મહુઆ મોઈત્રા

નવી દિલ્હીઃ ‘કેશ ફોર ક્વેરી’ કૌભાંડ મામલે આજે લોકસભામાંથી હકાલપટ્ટી પામેલાં મહુઆ મોઈત્રા પશ્ચિમ બંગાળમાં કૃષ્ણનગર બેઠક પરથી લોકસભામાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ 2019ની ચૂંટણીમાં આ મતવિસ્તારમાંથી વિજયી થયાં હતાં. પોતાની હકાલપટ્ટી વિશે એમણે આકરાં શબ્દોમાં એથિક્સ કમિટીની ઝાટકણી કાઢી છે. સંસદભવનની બહાર પ્રત્યાઘાત આપવાનું પત્રકારોએ કહેતાં મહુઆએ કહ્યું કે, ‘એથિક્સ કમિટીએ આ કેસમાં શું ખોટું થયું છે અને કેટલા નાણાંની લેવડદેવડ થઈ છે એનો પુરાવો મેળવ્યા વગર મારી હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો છે. મારી હકાલપટ્ટીની ભલામણનો આધાર માત્ર એ મુદ્દા પર છે કે મેં મારું લોકસભા પોર્ટલ લોગ-ઈન શેર કર્યું હતું. પણ લોગ-ઈન શેરિંગ કરવા મામલે કોઈ જ નિયમ લાગુ કરાયા નથી. જો આ મોદી સરકાર એવું વિચારતી હોય કે તેઓ મારો અવાજ બંધ કરીને અદાણી મુદ્દામાંથી છટકી જશે તો હું એટલું જ કહીશ કે આ એથિક્સ કમિટી કાંગારું કોર્ટ છે અને તેણે ઉતાવળ અને પ્રક્રિયાનો દુરુપયોગ કરીને દેશની જનતાને બતાવી આપ્યું છે કે અદાણી તમારા માટે કેટલા બધા મહત્ત્વના છે. અને તમે એક મહિલા સંસદસભ્યને હેરાન કરવા માટે કેટલી હદ સુધી જઈ શકો છો, જેથી એનો અવાજ બંધ કરી શકાય.’

મહુલા મોઈત્રા સંસદભવનની બહાર પત્રકારોને આમ કહેતાં હતાં ત્યારે કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી સહિત અન્ય વિપક્ષી નેતાઓ એમની પડખે ઊભાં હતાં.

મહુઆએ વધુમાં કહ્યું, ‘ફરિયાદી એમ કહે છે કે મેં એક ઉદ્યોગપતિના વ્યાપાર હિતને ખાતર એમની પાસેથી પૈસા લઈને ગૃહમાં સવાલ પૂછ્યા હતા, પરંતુ તે ઉદ્યોગપતિનું સુઓ-મોટ્ટો સોગંદનામું કહે છે કે, મેં મારી ઈચ્છા મુજબના સવાલો અપલોડ કરવા માટે તે ઉદ્યોગપતિ પર દબાણ કર્યું હતું. બેઉ વાત સાવ ખોટી છે. એથિક્સ કમિટીએ કેસના મૂળમાં ગયા વગર મને લટકાવી દેવાનું નક્કી કરી લીધું. એણે તે ઉદ્યોગપતિને પણ મૌખિક પૂછપરછ માટે બોલાવ્યા નહોતા અને આમાં ક્યાંય પણ કોઈ રોકડ રકમ કે ગિફ્ટ લેવાઈ હોવાનો પુરાવો જ નથી.’

લોકશાહીની હત્યા થઈ છેઃ મમતા બેનરજી

પોતાની તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રાની ગૃહમાંથી કરાયેલી હકાલપટ્ટીના મુદ્દે પક્ષનાં પ્રમુખ મમતા બેનરજીએ કહ્યું કે, આ ચુકાદાથી લોકશાહીની હત્યા થઈ છે.