નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઓલ પાકિસ્તાન પેટ્રોલ પંપ ઓનર્સ એસોસિયેશન (APPPOA) અને સરકાર વચ્ચેની ચર્ચા નિષ્ફળ જતાં એસોસિએશને બુધવાર રાતથી દેશવ્યાપી અનિશ્ચિત કાળની હડતાળની જાહેરાત કરી છે. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ વિવાદનું મુખ્ય કારણ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ ફેરફાર કરવાની (ડેઇલી પ્રાઇસિંગ સિસ્ટમ) યોજના છે. મંગળવારે પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકની આગેવાની હેઠળ સરકાર અને APPPOAના પ્રતિનિધિઓ વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક યોજવામાં આવી હતી. જોકે બંને પક્ષો વચ્ચે કોઈ સહમતી થઈ શકી નહોતી. ત્યાર બાદ એસોસિયેશને દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી.
રોજિંદા ભાવ ફેરફાર સ્વીકાર્ય નથી
APPPOAના ઉપાધ્યક્ષ નૌમાન અલી બટ્ટે જણાવ્યું કે ઈંધણના ભાવમાં દરરોજ ફેરફાર કરવાનો નિર્ણય પેટ્રોલ પંપ સંચાલકો માટે સ્વીકાર્ય નથી અને તેને અમલમાં મૂકવો પણ વ્યવહારુ નથી. તેમણે માગ કરી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર દરરોજ નહીં, પરંતુ દર મહિને કરવામાં આવે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી પેટ્રોલ પંપ ડીલરોનું કમિશન વધારવામાં આવ્યું નથી, જેને કારણે વેપારીઓને સતત આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
નવી વ્યવસ્થાથી વેપારને નુકસાન થશે
એસોસિયેશનના અધ્યક્ષ હુમાયુ ખાને આરોપ લગાવ્યો કે રોજિંદી ભાવ નક્કી કરવાની વ્યવસ્થાનો ફાયદો માત્ર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને જ મળશે. તેમના જણાવ્યા મુજબ ભાવ ઘટે ત્યારે કંપનીઓ ઈંધણનો પુરવઠો રોકી શકે છે અને એડવાન્સ બિલિંગ દ્વારા લાભ મેળવી શકે છે, જ્યારે પેટ્રોલ પંપ સંચાલકોનો વ્યવસાય પહેલેથી જ ખૂબ ઓછા નફા પર ચાલી રહ્યો છે.
સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા
પાકિસ્તાન સરકારે મંગળવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 4.93 પાકિસ્તાની રૂપિયા અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ના ભાવમાં પ્રતિ લિટર 7.15 પાકિસ્તાની રૂપિયાનો વધારો કર્યો હતો.

પાકિસ્તાનમાં નવા ઈંધણના ભાવ
- પેટ્રોલ: 73 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર
- હાઈ-સ્પીડ ડીઝલ: 21 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર
પેટ્રોલિયમ વિભાગ દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર નવા ભાવ 22 જુલાઈ (બુધવાર)થી અમલમાં મૂકવામાં આવ્યા છે.




