ચૉકલેટ થિકશેક…. લીંબુ-મરી-મસાલા માર કે!

હે દ્વારીકાધીશ. કેવું આ સપ્તાહ? કરણ જોહરની ફિલ્મ ‘કભી ખુશી કભી ઘમ’ જેવું. જેઓ મોડા પડ્યા છે એમને માટે એક ઝડપી રિરન. બૅડ ન્યુઝઃ ભારતીય ટેલિવિઝનના અતિલોકપ્રિય શો ‘સીઆઈડી’માં ફ્રેડીનું પાત્ર ભજવતા ઍક્ટર દિનેશ ફડનીસનું 57 વર્ષની વયે અવસાન…. ફૉર્થ સ્ટેજના સ્ટમક કૅન્સરથી ગ્રસ્ત, કોમિક રોલ માટે જાણીતા અભિનેતા જુનિયર મેહમૂદનો ઈન્તેકાલ. 67 વર્ષી મોહમ્મદ નઈમ ઉર્ફે જુનિયર મેહમૂદની અંતિમ ઈચ્છા હતી જિતેન્દ્ર અને સચીનને મળવું. બન્નેએ એમની એ લાસ્ટ વિશ પૂરી કરી. ઈશ્વર એમના આત્માને સદગતિ આપે… ઠીક ઠીક ફેમસ એવા ટીવીઍક્ટર ભૂપીન્દર સિંહે પડોશી સાથે ઝઘડો થતાં પોતાની લાઈસન્સ ગનથી એને (પડોશીને) શૂટ કરી નાખ્યો એ સમાચાર. હાલ ભૂપીન્દરભાઈ જેલના સળિયા કાઉન્ટ કરી રહ્યા છે.

ગુડ ન્યુઝઃ આજે એટલે 8 ડિસેમ્બરે ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોરે બર્થડે છે. ધરમ પાજી 88 વર્ષ પૂરાં કરીને 89મા વર્ષમાં પ્રવેશશે જ્યારે શર્મિલા ટાગોર 80મા વર્ષમાં.

-અને વન મોર ગુડ ન્યુઝ તે એ કે ફિલ્મસ્ટાર્સનાં બાલૂડાંવને ચમકાવતી ‘ધ આર્ચીઝ’ ગઈ કાલે (7 ડિસેમ્બરે) નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. ‘લક બાય ચાન્સ’, ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘દિલ ધડકને દો,’ ‘ગલ્લી બૉય’ જેવી ફિલ્મનાં ડિરેક્ટર ઝોયા અખ્તરે જ્યારથી આ ફિલ્મના સર્જનની જાહેરાત કરી ત્યારથી એ ચર્ચામાં રહી. ખાસ તો, વગદાર સિનેસ્ટાર્સનાં સંતાન હોવા સિવાય બીજું કોઈ જ ક્વૉલિફિકેશન ન ધરાવતાં બચ્ચાં લોગને ડાયરેક્ટ ફિલ્મમાં એન્ટ્રી કરાવવા માટે. જો કે એ આખ્ખી જુદી ચર્ચાનો વિષય છે.

વાર્તા કંઈ આવી છેઃ ઉત્તર ભારતમાં કોઈ એક સ્થળે આવેલી એક કાલ્પનિક નગરી છે, રિવરડેલ. સમયકાળ છે 1964. રિવરડેલના નગરજનોમાં એન્ગ્લો ઈન્ડિયનની બહુમતી છે. બાય ધ વે હકીકત તે એ કે ઝોયા અખ્તરના નગરજનો ક્રિશ્ચન હોય તો જ ઓરિજિનલ આર્ચી-બેટ્ટી-વેરોનિકા-જગહેડ જેવાં પાત્રો તથા એમનાં જિવાતાં જીવન બતાવી શકાયને?

ઓક્કે. આર્ચી એન્ડ્ર્યુઝ (અગસ્ત્ય નંદા) આપણને એક લીલાછમ્મ ઉદ્યાન વિશે એની સાથે જોડાયેલો ઈતિહાસ વર્ણવે છે, જેનું નામ છેઃ ગ્રીન પાર્ક. આ આર્ચી બી એક ગમ્મત છેઃ ગ્રીન પાર્ક બચાવો ઉપરાંત એ વેરોનિકા (સુહાના ખાન) અને બેટ્ટી (ખુશી કપૂર)ને એકસાથે ચાહે છે. સુહાનાના મૂડીવાદી પપ્પા મિસ્ટર લોજ (અલી ખાન) ગ્રીન પાર્કનો ખુરદો બોલાવી એની પર ફાઈવસ્ટાર હોટેલ બાંધવાનું નક્કી કરે છે. અને આ સાંભળીને 17-17 વર્ષની સ્કૂલટોળકી ગ્રીન પાર્કને બચાવવાનું મિશન આદરે છેઃ સેવ ધ ગ્રીન.

The Archies. (L to R) Mihir Ahuja as Jughead Jones, Yuvraj Menda as DIlton Doiley, Agastya Nanda as Archie Andrews, Suhana Khan as Veronica Lodge, Vedang Raina as Reggie Mantle, Suhana Khan as Veronica Lodge, Dot as Ethel Muggs in The Archies. Cr. Courtesy of Netflix © 2023

આઠ દાયકા કરતાં વધુ સમયથી દુનિયાભરનાં ચિત્રપટ્ટીપ્રેમીઓને ઘેલું લગાડતા આર્ચીનાં પાત્રો પર આધારિત રીમા કાગતી, આયેશા દવિત્રે ઢિલ્લોં અને ઝોયા અખ્તરે લખેલી કથા-પટથામાં લાલચૂડા મૂડીવાદીઓથી શહેરની ઓળખ, પર્યાવરણ, નાના દુકાનદારોને બચાવવાવાળો વળાંક જ ફિલ્મમાં આપણો રસ જાળવી રાખે છે. બાકી આવી હાઈ સ્કૂલ મ્યુઝિકલની શ્રેણીમાં આવતી (આર્ચી કોમિક બુકથી પ્રેરિત) કેટલીયે ફિલ્મું આપણે જોઈ ચૂક્યા છીએઃ આપણા કુંદનભાઈ શાહની ‘કભી હા કભી ના’, ‘જો જીતા વોહી સિકંદર’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, વગેરે. વળી અમેરિકન ધનાઢ્ય પરિવારમાંથી આવતો આર્ચી મૂડીવાદ સામે બાંયો ચડાવે એ બી થોડું અજીબ લાગે છે.

હા, એક વાત માટે ઝોયાને સોમાંથી સો માર્ક્સ આપવા પડેઃ કાલ્પનિક નગરી રિવરડેલનો નયનરમ્ય માહોલ સર્જવા માટે. સોડા શૉપ, ડેટ્સ પર જતાં ટીનએજર્સ, કૅન્ડી-કલરના પેટીકોટ, પોલકાંડૉટ સ્કાર્ફ… હકીકતમાં આશરે અઢી કલાકની ‘ધ આર્ચીઝ’ના રિયલ સ્ટાર્સ આ છેઃ પ્રોડક્શન ડિઝાઈન, આર્ટ ડિરેક્શન, કૉસ્ચ્યૂમ્સ, સિનેમેટોગ્રાફી, લોકેશન (ઊટી, મુંબઈનું રૉયલ પામ્સ, વગેરે) અને શંકર-એહસાન-લૉયનાં દિલડોલ ગીતસંગીત. અરે હા, ‘સુનો’ સોંગમાં જાવેદ અખ્તરે ‘સુહાની’ અને ‘ખુશી’ જેવા વર્ડિંગ વાપર્યા છે તે શું અકસ્માત્ હશે કે પછી…?

અભિનયમાં મને, પર્સનલી, આર્ચી એટલે અગસ્ત્ય નંદા ગમી ગયો. બાકી બધા ઓકે-ટાઈપ. ઓવરઑલ, ઈન્ગ્લિશ ફિલ્મ પર હિંદીનો ઢોળ ચડાવ્યા જેવી, અમેરિકાના ચૉકલેટ થિકશેક પર દેશી લીંબુ-મરીમસાલા ભભરાવીને રજૂ કરવામાં આવેલી વર્ણસંકર ‘ધ આર્ચીઝ’ ક્રિસમસ વૅકેશનમાં ઉપર લખ્યાં તે રિયલ સ્ટાર્સ માટે જોઈ કાઢજો.