Home Blog Page 2219

Google ની મોટી કાર્યવાહી, Play Store પરથી હટાવી દીધી 2500 એપ્સ

ટેક્નોલોજીના આ યુગમાં સાયબર ક્રાઈમમાં પણ ઝડપથી વધારો થયો છે. ઓનલાઇન છેતરપિંડી અને કૌભાંડના કિસ્સાઓ દરરોજ પ્રકાશમાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ગૂગલે પ્લે સ્ટોર પરથી લગભગ 2500 એપ્સ હટાવી દીધી છે. ભારત સરકારની અપીલ પર ગૂગલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ગૂગલ દ્વારા જે એપ્સ હટાવી દેવામાં આવી છે તે લોકોને લોનના નામે છેતરપિંડીનો શિકાર બનાવી રહી હતી. નાણાપ્રધાન નિર્મલા સીતારમને લોકસભામાં 18 ડિસેમ્બરે પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવેલી એપ્સ વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે, સરકાર લાંબા સમયથી ફ્રોડ લોન એપ્સને દૂર કરવાની યોજના બનાવી રહી છે. જે એપને હટાવી દેવામાં આવી હતી તે લોકોને લોન આપવાના નામે છેતરપિંડીનો શિકાર બનાવતી હતી. સરકાર હવે ઓનલાઈન ફ્રોડને લઈને કડક બની છે. જેને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર સતત નવા પગલાં ભરી રહી છે.

રિઝર્વ બેંક દ્વારા યાદી જાહેર કરવામાં આવી

નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, RBIએ ભારત સાથે સંકળાયેલી એપ્સની વ્હાઇટ લિસ્ટ બહાર પાડી છે. આ યાદી ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે Google સાથે શેર કરી છે. સરકાર છેતરપિંડી કરતી લોન એપ્સને નિયંત્રિત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક અને અન્ય નિયમનકારી અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે. ગૂગલે જ 2,500 એપ્સને પ્લે સ્ટોર પરથી દૂર કરી છે તે એપ્રિલ 2021 અને જુલાઈ 2022 વચ્ચે દૂર કરવામાં આવી હતી. આ તમામ એપ લોન આપવાના નામે લોકોને છેતરતી હતી. સરકાર હવે તમામ પ્રકારની લોન અરજીઓ પર ગંભીરતાથી નજર રાખી રહી છે.

Google દ્વારા અપડેટ કરાયેલી નીતિ

ઉલ્લેખનીય છે કે, ગૂગલે લોન આપતી એપ્સની પોલિસીમાં ફેરફાર કર્યો છે. ગૂગલે કેટલાક નવા નિયમો ઉમેર્યા છે. ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ એવી તમામ એપ્સ કે જે લોકોને લોન આપવાનો દાવો કરે છે તેના માટે નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. ગૂગલે લગભગ 3500 ફ્રોડ લોન એપ્સની ઓળખ કરી છે, જેમાંથી 2500 એપ્સને હટાવી દેવામાં આવી છે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૯ ડિસેમ્બર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૯ ડિસેમ્બર, ૨૦૨૩

કેક્ટસ-સક્યુલન્ટ્સ ધ ડેઝર્ટ પ્લાન્ટસ પર એક દિવસીય વર્કશોપ યોજાયો

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટીમાં કેક્ટસ-સક્યુલન્ટ્સ ધ ડેઝર્ટ પ્લાન્ટ્સ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 50 જેટલા બોટની વિષય પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેક્ટસના નિષ્ણાત ડો.વી.પી. બોડા દ્વારા વિદ્યાર્થીઓને કેક્ટસ-સક્યુલન્ટ્સ તથા તેના મહત્વ વિશે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,

આ ઉપરાંત “Opuntia Ficus-indica” નામની કેક્ટસની પ્રજાતિ ઉપર વિશેષ સમજણ આપવામાં આવી હતી. આ પ્રજાતિ દુનિયાભરમાં તેના વિવિધ ઉપયોગો તથા મહત્વને લીધે ખૂબ મોટા પાયામાં ઈકોનોમિકલ લેવલે ઉગાડવામાં આવે છે.

વિદ્યાર્થીઓ ખાસ કરીને આ વિષયમાં રસ દાખવી, ભવિષ્યમાં તેના પર વધારે રિસર્ચ કરી અને કારકિર્દિ બનાવી શકે એ અંગેનું માર્ગદર્શન ડો. બોડા તથા સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાયન્સ સિટીના લાઇફ સાયન્સ પાર્કના કેક્ટસ કોર્નરમાં જઈ વિદ્યાર્થીઓને કેક્ટસની વિવિધ પ્રજાતિઓની ઓળખ આપી અને તેનું મહત્વ સમજાવ્યું તથા વિવિધ કલ્ટિવેશન મેથડ પણ પ્રેક્ટિકલ કરી બતાવવામાં આવી હતી. ગુજરાત સાયન્સ સિટી અવિરતપણે આવા વિજ્ઞાનના પ્રચાર અને પ્રસારના કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે.

 

 

 

 

BJP એ જનતાનો અભિપ્રાય જાણવા NaMo App પર સર્વે હાથ ધર્યો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ એક અગત્યની ઝુંબેશ હાથ ધરી છે. તેમણે ભાજપ સરકારે કરેલા અત્યાર સુધીના વિકાસલક્ષી કાર્યો પ્રત્યે જનતાનો અભિપ્રાય જાણવા NaMo App પર એક સર્વે હાથ ધર્યો છે. જેમાં કોઈપણ વ્યક્તિ સરકારી યોજના, જે-તે મતવિસ્તારના વિકાસ કાર્યો અને જે-તે મતવિસ્તારના ચૂંટાયેલા સાંસદોની કામગીરી પર જનતાનો પ્રતિસાદ શૅર કરવા માટે જણાવવામાં આવ્યું છે. મહત્ત્વનું છે કે, NaMo App પરનો #JanManSurvey એ લોકો માટે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ પર તેમના અભિપ્રાય વ્યક્ત કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે.

જે.પી નડ્ડાએ X પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી. પોસ્ટ કરતાં તેમણે લખ્યું કે, https://nm-4.com/janmansurvey પર તમે સરકારી યોજનાઓ, તમારા મતવિસ્તારના વિકાસ કાર્યો, તમારા સાંસદની કામગીરી વગેરે જેવા વિષયો પર તમારો પ્રતિસાદ શેર કરી શકો છો. એટલું જ નહીં, તેમણે તમામ ભારતવાસીઓને આ સર્વેક્ષણમાં જોડાવા માટે અને નવા ભારતના વિકાસનો હિસ્સો બનવા માટે અપીલ કરી છે.

https://nm-4.com/janmansurvey લિન્ક પર ક્લિક કરી કોઈપણ નાગરિક ભાજપ દ્વારા કરવામાં આવેલી કામગીરી પર પોતાનો અભિપ્રાય આપી શકે છે. આ સર્વેનો મુખ્ય હેતુ એ છે કે, કેન્દ્ર સરકારની યોજના થકી લાભો લાભાર્થીઓને સીધી રીતે મળી રહ્યા છે કે નહીં. આ ઉપરાંત ચૂંટાયેલા ભાજપના સાંસદો તેમના મતવિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો કરી રહ્યા છે કે નહીં. આ સર્વે દ્વારા ભાજપની કામગીરી વિશે લોકોના મત જાણવાનો એક પ્રયાસ છે.

શાહરૂખની પત્ની ગૌરીને EDની નોટિસ; રૂ.30 કરોડ પચાવી પાડવાનો આરોપ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ નિર્માત્રી અને ઈન્ટિરીયર ડિઝાઈનર પત્ની ગૌરી ખાનને કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી) તરફથી નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ રૂ. 30 કરોડ કથિતપણે પચાવી પાડવાના એક કેસના સંબંધમાં છે. મીડિયા અહેવાલો અનુસાર, ગૌરી ખાન લખનઉની રિયલ એસ્ટેટ કંપની તુલસિયાની ગ્રુપની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ કંપની પર આરોપ છે કે તેણે ઈન્વેસ્ટરો અને બેન્કોના રૂ. 30 કરોડ પચાવી પાડ્યા છે. ગૌરીને આજે ઈડી તરફથી નોટિસ મોકલવામાં આવી હોવાનો અહેવાલ છે. તપાસ એજન્સી આ કેસના સંબંધમાં ગૌરીને કદાચ પૂછપરછ માટે સમન્સ મોકલે એવી ધારણા છે. ગૌરીએ જોકે હજી સુધી આ નોટિસ અંગે કોઈ પ્રત્યાઘાત આપ્યાં નથી.

શું છે આ કેસ?

મીડિયા અહેવાલો અનુસાર, તુલસિયાની ગ્રુપ પર આરોપ છે કે તેણે ઈન્વેસ્ટરો અને બેન્કોને અંદાજે રૂ. 30 કરોડ જેટલું આર્થિક નુકસાન કર્યું છે. આ કેસના સંબંધમાં ઈડી અધિકારીઓ ગૌરીને તેના આર્થિક સોદાઓ વિશે પૂછપરછ કરે એવી ધારણા છે.

કંપનીના બ્રાન્ડ એમ્બેસેડરના પદ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા હતા. તેથી તપાસનીશ અધિકારીઓ ગૌરી પાસેથી સંબંધિત દસ્તાવેજો મેળવે એવી પણ ધારણા છે. લખનઉમાં, તુલસિયાની ગ્રુપને સુશાંત ગોલ્ફ સિટી તરીકે ઓળખવામાં આવે છે. મુંબઈના કિરીટ શાહ નામના ઈન્વેસ્ટરે 2015માં રૂ. 85 લાખમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. પણ કંપનીએ એમને ફ્લેટનો કબજો આપ્યો નથી કે એમને પૈસા રીફંડ પણ કર્યા નથી. તેથી શાહે તુલસિયાની ગ્રુપના ડાઈરેક્ટરો – અનિલકુમાર તુલસિયાની અને મહેશ તુલસિયાની તેમજ બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાન સામે ફરિયાદ નોંધાવી છે.

શાહનો આરોપ છે કે, એમણે 2015માં ફ્લેટ ખરીદ્યો હતો. તેઓ સુશાંત ગોલ્ફ સિટીમાં કંપનીની ઓફિસે ગયા હતા અને રૂ. 86 લાખમાં ફ્લેટ ખરીદવા તૈયાર થયા હતા. એમને ખાતરી આપવામાં આવી હતી કે 2016માં ફ્લેટનો કબજો આપવામાં આવશે. પરંતુ ઘણો બધો સમય પસાર થઈ ગયો અને એમને ફ્લેટ મળ્યો નહીં. બાદમાં એમને માલૂમ પડ્યું હતું કે એમણે જે ફ્લેટના બુકિંગ માટે એગ્રીમેન્ટ કર્યો હતો તે કંપનીએ કોઈક બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરી દીધો હતો.

‘માસ્ક પહેરો, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો’: કર્ણાટકમાં સરકારે એડવાઇઝરી જાહેર કરી

દેશભરમાં કોરોનાના કેસોમાં નવા વધારાને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકારે મંગળવારે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, અન્ય રોગોથી પીડિત લોકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ બહાર જતી વખતે ચહેરા પર માસ્ક પહેરવા વિનંતી કરી છે. તેમજ લોકોને ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે. રાજ્યની આ એડવાઈઝરી કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીના એક દિવસ બાદ આવી છે. કેરળમાં JN.1 કોવિડ સબ વેરિઅન્ટ મળી આવ્યા પછી છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ સલાહ અને પગલાં પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે, જે ભારતમાં આ પ્રકારનો પ્રથમ કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અમે ગઈકાલે એક દિવસ પહેલા એક મીટિંગ કરી હતી અને ગઈકાલે અમારી તકનીકી સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. અમારા અધિકારીઓ અને નિષ્ણાતો વચ્ચે નિવારણ પગલાં વિશે ચર્ચા થઈ હતી. હાલમાં પડોશી રાજ્ય કેરળના લોકોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી.કર્ણાટકની એડવાઈઝરીએ કેરળ અને તમિલનાડુની સરહદે આવેલા જિલ્લાઓમાં અધિકારીઓને સતર્ક રહેવા અને કોવિડ કેસના પૂરતા પરીક્ષણ અને સમયસર રિપોર્ટિંગની ખાતરી કરવા જણાવ્યું છે.

કેન્દ્ર સરકારે નવા સબવેરિયન્ટ JN1 અંગેની ચિંતાઓ પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે. રાજ્યોને તમામ આરોગ્ય સુવિધાઓમાં જિલ્લાવાર ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બિમારી (SARI) કેસોનું નિરીક્ષણ કરવા અને રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે.

 

SB પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવ લર્નિંગથી માહિતગાર કરાયા

ચાંગાઃ ચારુસેટ યુનિવર્સિટી, ચાંગા સ્થિત CREDP યુનિટે ૧૫ ડિસેમ્બરે એસ.બી.પટેલ હાઈસ્કૂલ, પાડગોલ શાળાના વિદ્યાર્થીઓ માટે ચારુસેટ કેમ્પસ મુલાકાતનું આયોજન કર્યું હતું. તેનો ઉદ્દેશ ચારુસેટ કેમ્પસથી પરિચિત થવાનો તેની સંલગ્ન કોલેજો, કાર્યક્રમો અને અભ્યાસક્રમોનો પરિચય કરાવવાનો હતો. ચારુસેટના સાત વિદ્યાર્થી સ્વયંસેવકોએ શાળાના વિદ્યાર્થીઓને સમાન જૂથમાં વહેંચીને તેમની સેવા આપી અને તમામ સંલગ્ન કોલેજો અને તેમના ચાલી રહેલા કાર્યક્રમોનો પરિચય કરાવ્યો.

તેમણે વિવિધ પ્રયોગશાળાઓ અને સર્વર રૂમ, પુસ્તકાલયો, વહીવટી મકાન અને ઉચ્ચ સજ્જ લેબની પણ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં ચાર શિક્ષકો સાથે આશરે ૧૨૦ જેટલા શાળાના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ચારુસેટના ફેકલ્ટી મેમ્બર્સ અને સ્ટાફ મેમ્બરોએ હાજરી આપી હતી.

ચારુસેટના વિદ્યાર્થી સ્વયંસેવકોની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ વિભાગો, પુસ્તકાલયો, પ્રયોગશાળાઓ, રમતગમતનું મેદાન, ચારુસેટ હોસ્પિટલ અને મનોરંજનના વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં પ્રશ્નોત્તરીમાં ઇન્ટરેક્ટિવ લર્નિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. પાડગોલ શાળાના આચાર્ય કેતનભાઈએ ચારુસેટ કેમ્પસમાં આવેલી વિવિધ સંસ્થાઓના પ્રિન્સિપાલ અને વડાઓ સાથે ચર્ચા કરતાં શાળા અને ચારુસેટ યુનિવર્સિટી વચ્ચે સહયોગની સંભવિત તકો વિશેની વાત કરી હતી, જેમાં સંભવિત વર્કશોપ, શૈક્ષણિક ભાગીદારી અને જ્ઞાનની વહેંચણીની પહેલનો સમાવેશ થાય છે. ઇન્ટરેક્ટિવ સત્રો અને હેન્ડ-ઓન પ્રવૃત્તિઓએ ઉચ્ચ અભ્યાસ માટે તેમની જિજ્ઞાસા અને આકાંક્ષાને પ્રજ્વલિત કરવામાં મદદ કરી હતી. સ્કૂલના આચાર્ય કેતનભાઈએ વિદ્યાર્થીઓની ભાવિ આકાંક્ષાઓને આકાર આપવામાં આવી શૈક્ષણિક યાત્રાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો.

 

 

 

 

 

વિરોધ બાદ VHPએ અડવાણી, જોશીને રામ મંદિરનું આમંત્રણ મોકલ્યું

નવી દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદે વધતા વિવાદને જોતાં મંગળવારે રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવા માટે ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને નિમંત્રણ પાઠવ્યું છે. આ ઘટનાક્રમ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયની એ ટિપ્પણી બાદ થયેલી પ્રતિક્રિયા પછી આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે બંને નેતાઓને તેમની વૃદ્ધાવસ્થાને કારણે સમારંભમાં ના આવવાની વિનંતી કરવામાં આવી છે.  

અયોધ્યામાં રામ મંદિર બનાવવાને લઈને આંદોલન કરનારા વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણી હતા. તેમને 22 જાન્યુઆરી 2024ના દિવસે રામ મંદિર ઉદઘાટન સમારંભમાં આવવાનું આંમત્રણ આપવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે રામ મંદિર આંદોલનના પ્રણેતા લાલકૃષ્ણ અડવાણી અને ડો. મુરલી મનોહર જોશીને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ મળ્યું છે. બંને વરિષ્ઠોએ કહ્યું હતું કે રામ મંદિર ઉદઘાટન સમારોહમાં આવવા માટે તેઓ પૂરો પ્રયાસ કરશે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2024માં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેને લઈને રામ ભક્તોમાં ઉત્સાહ છે અને આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશભરમાંથી  નેતાઓ, ક્રિકેટર સહિત અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે ત્યારે હવે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આ મહોત્સવમાં ન આવવાની અપીલ કરી છે.

 

 

 

 

સ્ટાર્કે તોડ્યો કમિન્સનો રેકોર્ડ; બન્યો આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી

દુબઈઃ આવતા વર્ષે રમાનાર આઈપીએલ ક્રિકેટ સ્પર્ધા માટે ખેલાડીઓની મિની હરાજીનો આજે અહીં કોકા-કોલા અરીના ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ લીગ સ્પર્ધામાં સૌથી મોંઘા ખેલાડી બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કએ. તેણે એની જ ટીમના કેપ્ટન પેટ કમિન્સનો રેકોર્ડ તોડ્યો છે. સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 24 કરોડ 75 લાખની રકમમાં ખરીદ્યો છે. 2008ની સાલથી રમાતી આઈપીએલ સ્પર્ધામાં કોઈ પણ ખેલાડી માટે આ અત્યાર સુધીની સૌથી મોટી બોલીની રકમ થઈ છે. આ પહેલાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે કમિન્સને રૂ. 20.5 કરોડમાં ખરીદ્યો હતો.

આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ-2023ની ફાઈનલમાં ભારતને હરાવવામાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્ત્વ કરનાર ફાસ્ટ બોલર પેટ કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે રૂ. 20 કરોડ 50 લાખમાં ખરીદ્યો છે. કમિન્સની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા હતી. એને ખરીદવા માટે મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સે ઘણું જોર લગાવ્યું હતું. બાદમાં હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુખ્ય હરીફાઈ જામી હતી. આખરે સનરાઈઝર્સ હૈદરાબાદ કમિન્સને સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદવામાં સફળ રહી.

ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિચેલને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 14 કરોડની ઊંચી ખરીદ્યો છે.

ફાસ્ટ બોલર હર્ષલ પટેલને પંજાબ કિંગ્સ ટીમે રૂ. 11 કરોડ 75ની માતબર રકમમં ખરીદ્યો છે.

ટ્રેવિસ હેડ પણ હૈદરાબાદનો થયો

ગત્ વર્લ્ડ કપ ફાઈનલમાં સેન્ચૂરી ફટકારીને ભારતને હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઓપનિંગ બેટર અને વર્લ્ડ કપ-2023 હિરો ટ્રેવિસ હેડને પણ સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદી લીધો છે. આ બેટ્સમેનને ટીમે 6.8 કરોડ રૂપિયાની સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદ્યો છે. હેડની બેઝ પ્રાઈસ પણ બે કરોડ રૂપિયા હતી.

શાર્દુલ ઠાકૂર અને ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યા છે. ઠાકૂર 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ વતી રમ્યો હતો. કોલકાતા ટીમે તેને રિલીઝ કર્યો હતો. ચેન્નાઈ ટીમે એને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઠાકૂરની બેઝ પ્રાઈસ પણ બે કરોડ રૂપિયા હતી.

રચિન રવિન્દ્રને ચેન્નાઈ ટીમે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. એની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી.

ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટર સ્ટીવ સ્મિથ અને મનીષ પાંડે અનસોલ્ડ રહ્યા છે.

જ્ઞાનવાપી કેસના કમિશનર વિશાલ સિંહને જીવનું જોખમ, CMને પત્ર લખ્યો

વારાણસીઃ જ્ઞાનવાપીના ભૂતપૂર્વ કોર્ટના કમિશનર વિશાલ સિંહે જીવનું જોખમ હોવાનું જણાવતાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. તેમણે એક સમુદાય વિશેષથી જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. વિશાલને પહેલાં સુરક્ષા મળી હતી, જેને હાલમાં દૂર કરવામાં આવી હતી. આ પત્રમાં તેમણે સુરક્ષા ફરીથી આપવાની માગ કરી હતી.

જ્ઞાનવાપીમાં ASI સર્વેથી પહેલાં કોર્ટે કમિશનર નિયુક્ત કરીને સર્વેનો આદેશ આપ્યો હતો. વિશાલ સિંહે સર્વેની કાર્યવાહી પૂરી કરીને રિપોર્ટ કોર્ટમાં સોંપ્યો હતો. એ રિપોર્ટને આધારે જ્ઞાનવાપીમાં ભારતીય આર્કિયોલોજી સર્વેક્ષણ (ASI)નો સર્વેનો આદેશ થયો હતો અને સર્વે પૂરો થઈ ચૂક્યો છે. વારાસણીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે અંજુમને ઇન્તેજામિયા મસ્જિદ કમિટી અને અન્યની બધી પાંચ અરજીઓ પર અલાહાબાદ હાઇકોર્ટ મંગળવારે ચુકાદો આપશે. એ અરજીઓ વારાણસીની એક કોર્ટમાં લંબિત એક દીવાની એક અરજીને પડકાર આપતાં દાખલ કરવામાં આવી હતી. એ અરજીમાં વારાણસીની કોર્ટમાં આઠ એપ્રિલ, 2021ના એ નિર્દેશ ને પણ પડકારવામાં આવ્યો હતો, જેમાં જ્ઞાનવાપી મસ્જિદનો સર્વેક્ષણ કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ પહેલાં આઠ ડિસેમ્બરે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલને અરજીકર્તા અંજુમન ઇતેજામિયા મસ્જિદ કમિટી અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ અને પ્રતિવાદી મંદિર પક્ષની દલીલો સાંભળ્યા પછી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.