કેક્ટસ-સક્યુલન્ટ્સ ધ ડેઝર્ટ પ્લાન્ટસ પર એક દિવસીય વર્કશોપ યોજાયો

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટીમાં કેક્ટસ-સક્યુલન્ટ્સ ધ ડેઝર્ટ પ્લાન્ટ્સ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 50 જેટલા બોટની વિષય પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેક્ટસના નિષ્ણાત ડો.વી.પી. બોડા દ્વારા વિદ્યાર્થીઓને કેક્ટસ-સક્યુલન્ટ્સ તથા તેના મહત્વ વિશે વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,

આ ઉપરાંત “Opuntia Ficus-indica” નામની કેક્ટસની પ્રજાતિ ઉપર વિશેષ સમજણ આપવામાં આવી હતી. આ પ્રજાતિ દુનિયાભરમાં તેના વિવિધ ઉપયોગો તથા મહત્વને લીધે ખૂબ મોટા પાયામાં ઈકોનોમિકલ લેવલે ઉગાડવામાં આવે છે.

વિદ્યાર્થીઓ ખાસ કરીને આ વિષયમાં રસ દાખવી, ભવિષ્યમાં તેના પર વધારે રિસર્ચ કરી અને કારકિર્દિ બનાવી શકે એ અંગેનું માર્ગદર્શન ડો. બોડા તથા સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાયન્સ સિટીના લાઇફ સાયન્સ પાર્કના કેક્ટસ કોર્નરમાં જઈ વિદ્યાર્થીઓને કેક્ટસની વિવિધ પ્રજાતિઓની ઓળખ આપી અને તેનું મહત્વ સમજાવ્યું તથા વિવિધ કલ્ટિવેશન મેથડ પણ પ્રેક્ટિકલ કરી બતાવવામાં આવી હતી. ગુજરાત સાયન્સ સિટી અવિરતપણે આવા વિજ્ઞાનના પ્રચાર અને પ્રસારના કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે.