સ્ટાર્કે તોડ્યો કમિન્સનો રેકોર્ડ; બન્યો આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી

દુબઈઃ આવતા વર્ષે રમાનાર આઈપીએલ ક્રિકેટ સ્પર્ધા માટે ખેલાડીઓની મિની હરાજીનો આજે અહીં કોકા-કોલા અરીના ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ લીગ સ્પર્ધામાં સૌથી મોંઘા ખેલાડી બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કએ. તેણે એની જ ટીમના કેપ્ટન પેટ કમિન્સનો રેકોર્ડ તોડ્યો છે. સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 24 કરોડ 75 લાખની રકમમાં ખરીદ્યો છે. 2008ની સાલથી રમાતી આઈપીએલ સ્પર્ધામાં કોઈ પણ ખેલાડી માટે આ અત્યાર સુધીની સૌથી મોટી બોલીની રકમ થઈ છે. આ પહેલાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે કમિન્સને રૂ. 20.5 કરોડમાં ખરીદ્યો હતો.

આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ-2023ની ફાઈનલમાં ભારતને હરાવવામાં ઓસ્ટ્રેલિયાનું નેતૃત્ત્વ કરનાર ફાસ્ટ બોલર પેટ કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે રૂ. 20 કરોડ 50 લાખમાં ખરીદ્યો છે. કમિન્સની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા હતી. એને ખરીદવા માટે મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સે ઘણું જોર લગાવ્યું હતું. બાદમાં હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુખ્ય હરીફાઈ જામી હતી. આખરે સનરાઈઝર્સ હૈદરાબાદ કમિન્સને સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદવામાં સફળ રહી.

ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિચેલને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 14 કરોડની ઊંચી ખરીદ્યો છે.

ફાસ્ટ બોલર હર્ષલ પટેલને પંજાબ કિંગ્સ ટીમે રૂ. 11 કરોડ 75ની માતબર રકમમં ખરીદ્યો છે.

ટ્રેવિસ હેડ પણ હૈદરાબાદનો થયો

ગત્ વર્લ્ડ કપ ફાઈનલમાં સેન્ચૂરી ફટકારીને ભારતને હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ઓપનિંગ બેટર અને વર્લ્ડ કપ-2023 હિરો ટ્રેવિસ હેડને પણ સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદી લીધો છે. આ બેટ્સમેનને ટીમે 6.8 કરોડ રૂપિયાની સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદ્યો છે. હેડની બેઝ પ્રાઈસ પણ બે કરોડ રૂપિયા હતી.

શાર્દુલ ઠાકૂર અને ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્રને ચેન્નાઈ સુપર કિંગ્સે ખરીદ્યા છે. ઠાકૂર 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ વતી રમ્યો હતો. કોલકાતા ટીમે તેને રિલીઝ કર્યો હતો. ચેન્નાઈ ટીમે એને 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઠાકૂરની બેઝ પ્રાઈસ પણ બે કરોડ રૂપિયા હતી.

રચિન રવિન્દ્રને ચેન્નાઈ ટીમે 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. એની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી.

ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટર સ્ટીવ સ્મિથ અને મનીષ પાંડે અનસોલ્ડ રહ્યા છે.