Home Blog Page 2220

રાહેલબા વૃદ્ધાશ્રમમાં વડીલોને ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો

મગોડીઃ ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણાં વર્ષોથી લોકજરૂરિયાત આધારિત સામાજિક કાર્યો કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા ઇન્ગરસોલ રેન્ડ અને ગાર્ડનર ડેનવરના CSR હેઠળ શિયાળાની ઠંડીમાં જરૂરિયાત વંચિત વડીલોને હૂંફ આપવાના આશયથી ધાબળા વિતરણનો કાર્યક્રમ રાહેલબા વૃદ્ધાશ્રમ-મગોડીમાં યોજાયો હતો.આ કાર્યક્રમની શરૂઆતમાં ઉદગમના શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયૂર જોષીએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવોને આવકારીને ઉદગમ ટ્રસ્ટનાં કાર્યોની માહિતી આપી હતી. તેમણે વિશેષ વિવિધ સરકારી શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ, માનસિક અને શારીરિક વિકાસ માટે કરવામાં આવતાં કાર્યોની માહિતી આપતાં જણાવ્યું હતું કે ઇન્ગરસોલ રેન્ડ અને ગાર્ડનર ડેનવરના CSR હેઠળ ૨૦૦ વડીલોને ધાબળા, ચાદર અને ઓશિકાનાં કવર આપવામાં આવશે. એ સાથોસાથ લગભગ આઠ વર્ષ પહેલાં રાહેલબા વૃદ્ધાશ્રમનાં સંચાલિકા નિર્મળાબહેનને ઉદગમ વુમન્સ એચિવર્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલાં તે સમયને યાદ કરીને તેમની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ વડીલોને ધાબળા, ચાદર અને ઓશિકાનું કવર વિતરણ.

આ કાર્યક્રમના મહેમાનપદે પધારેલા ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંતભાઈ પટેલે ઉદગમનાં સેવા-કાર્યોને બિરદાવ્યાં હતાં અને વધુ ને વધુ સારી રીતે કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અતિથિ વિશેષપદે પધારેલા ઈંગરસોલ રેન્ડના વિશ્વાસ દેશમુખે ઉદગમનાં કાર્યોની પ્રશંસા કરતાં ભવિષ્યના દરેક કાર્ય માટે જરૂરિયાત મુજબ સહકારની ખાતરી આપી હતી. ત્યાર બાદ મહાનુભાવો અને ઇન્ગરસોલ રેન્ડ અને ગાર્ડનર ડેનવર ટીમના હસ્તે ધાબળા અને ચાદર, કવરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહેમાનોમાં ઈંગરસોલ રેન્ડના આરતી જહાં તથા તેમના કર્મચારીઓની ટીમ સાથે ઉદગમ ટ્રસ્ટના મનોજભાઈ જોષી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એ સાથોસાથ મનોજભાઈ દ્વારા સંસ્થાને મોટી સંખ્યામાં ધાર્મિક પુસ્તકો ભેટ આપવામાં આવ્યાં હતાં. રાહેલબા વૃદ્ધાશ્રમનાં સંચાલિકા નિર્મળાબહેનની સાથે વડીલો વતી જોસેફભાઈએ પધારેલા મહાનુભાવો અને દાતાઓનો આભાર માન્યો હતો.

 

 

 

 

 

બોલીવુડની આ હિરોઈન દાઉદની ગર્લફ્રેન્ડ હોવાનું મનાતું હતું

મુંબઈઃ નામીચો ગેંગસ્ટર, ભારતે ભાગેડૂ અને મોસ્ટ વોન્ટેડ ગુનેગાર ઘોષિત કરેલો દાઉદ ઈબ્રાહિમ એક સમયે મુંબઈમાં અત્યંત કુખ્યાત અને શક્તિશાળી માણસોમાંનો એક હતો. 90ના દાયકામાં એની ધાક શહેરમાં ઘણા ક્ષેત્રોમાં પ્રવર્તતી હતી. મુંબઈ હિન્દી ફિલ્મ ઉદ્યોગ – બોલીવુડનું કેન્દ્ર ગણાય છે. આ ફિલ્મ ઉદ્યોગમાં પણ દાઉદની દાદાગીરી ચાલતી હતી. ગ્લેમર અને પૈસો દાઉદને બોલીવુડ તરફ ખેંચી ગયો હતો. એણે ઘણી ફિલ્મોમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું. ઘણા ફિલ્મી સિતારાઓને એણે પોતાના મિત્રો બનાવ્યા હતા. કેટલાક ઉભરતા કલાકારોને એણે સ્ટાર પણ બનાવ્યા હતા. જોકે આ વિશે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.

બોલીવુડમાં કેટલીક હિરોઈનો દાઉદની ગર્લફ્રેન્ડ પણ હોવાનું ચર્ચાતું હતું. એમાંની એક હિરોઈન પર એવો આરોપ મૂકાયો હતો કે તે જાસૂસી કરે છે. એને જ કારણે દાઉદના માણસોએ મુંબઈમાં એક ફિલ્મ નિર્માતાને ઠાર કર્યા હતા.

દાઉદની એ ગર્લફ્રેન્ડનું નામ છે અનિતા અય્યૂબ

અનિતા અય્યૂબ મૂળ પાકિસ્તાની અભિનેત્રી હતી અને 80ના દાયકાના અંતભાગમાં ભારત આવી હતી. 1993માં, દેવ આનંદે પોતાના પ્રોડક્શન હેઠળની ‘પ્યાર કા તરાના’ ફિલ્મમાં અનિતાને લોન્ચ કરી હતી. અનિતાએ આ પહેલાં પાકિસ્તાનમાં ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું અને ત્યાં એ ઘણી જાણીતી થઈ હતી. 1994માં અનિતા ફરી દેવ આનંદની અન્ય ફિલ્મ ‘ગેંગસ્ટર’માં ચમકી હતી. એ વખતે એવા અહેવાલો હતા કે અનિતા દાઉદ ઈબ્રાહિમની ગર્લફ્રેન્ડ છે, પણ તે અહેવાલોને અનિતા અનેક વાર નકાર્યાં હતાં.

1995માં એક બનાવે બોલીવુડમાં હલચલ મચાવી દીધી હતી અને અનિતા તથા દાઉદ વચ્ચે ખરેખર કોઈક કનેક્શન હોવાની ઘણાયને ખાતરી થઈ ગઈ હતી. કહેવાય છે કે, જાવેદ સિદ્દિકી નામના એક ફિલ્મ નિર્માતાએ એમની એક નવી ફિલ્મમાં અનિતાને કરારબદ્ધ કરવાની ના પાડતાં દાઉદના માણસોએ એમને ઠાર માર્યા હતા. જોકે આ સમાચારને પણ સમર્થન નથી મળ્યું. 90ના દાયકામાં એક પાકિસ્તાની ફેશન મેગેઝિને એવું લખ્યું હતું કે અનિતા વાસ્તવમાં પાકિસ્તાનની જાસૂસ છે. એ પછી તરત જ અનિતા પાકિસ્તાન પાછી જતી રહી હતી. 90ના દાયકાના અંતભાગમાં અનિતાએ સૌમિલ પટેલ નામના એક ભારતીય ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યાં હતાં અને ન્યૂયોર્ક શિફ્ટ થઈ હતી. એમને એક પુત્ર થયો હતો – શાઝેર. પરંતુ અમુક વર્ષ બાદ દંપતિએ છૂટાછેડા લીધા હતા. અનિતાએ ત્યારબાદ પાકિસ્તાની ઉદ્યોગપતિ સુબક મજીદ સાથે લગ્ન કર્યાં હતાં. એ હવે ભારત કે પાકિસ્તાનથી દૂર, વિદેશમાં જ ક્યાંક રહેતી હોવાનું કહેવાય છે.

એશિયા ચેમ્પિયનશિપમાં જિતેન્દ્ર યાદવ, સમીર અબ્બાસીને બ્રોન્ઝ મેડલ

અમદાવાદઃ “જિતેન્દ્ર યાદવ” અને “સમીર અબ્બાસી”એ બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન ચેમ્પિયનશિપમાં મેન્સ ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

જિતેન્દ્ર યાદવ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, સાયબર ક્રાઇમ -અમદાવાદ અને સમીર અબ્બાસી “બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમી”ના હેડ કોચે વિયેતનામમાં યોજાયેલી બેડમિન્ટન એશિયા સિનિયર ઓપન ચેમ્પિયનશિપ 2023માં “45+” વર્ષની મેન્સ ડબલ્સ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

જિતેન્દ્ર યાદવ અને સમીર અબ્બાસીની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં વિયેટનામના Le Thanh Hong અને Nguyen Viet Thang ને 21-10 અને 23-21 થી હરાવીને જીત મેળવી હતી.

 

 

 

 

લોકસભામાંથી 41 સહિત અત્યાર સુધીમાં 141 સાંસદો સસ્પેન્ડ

નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ચૂક મામલે ગૃહપ્રધાનના નિવેદનની માગ કરી રહેલો વિપક્ષનો હંગામો જારી છે. લોકસભાના ચેરનું અપમાન કરનારા કેટલાય સાંસદોને આજે ફરીથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એમાં  નેશનલ કોન્ફરન્સના ફારુક અબદુલ્લા, કોંગ્રેસના શશિ થરૂર અને કાર્તિ ચિદંબરમ, સપા સાંસદ ડિમ્પલ યાદવ અને NCP સાંસદ સુપ્રિયા સુળેનું નામ પણ સામેલ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કાર્યવાહીમાં અડચણ કરવા માટે આ સાસંદોને સસ્પેન્ડ કરી દીધા હતા.

લોકસભા-રાજ્યસભામાં હંગામાની વચ્ચે લોકસભામાં વિપક્ષના 49 સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, અત્યાર સુધી કુલ 141 લોકસભાના સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લોકસભાની કાર્યવાહીને બે વાગ્યા સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.

સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે એ મર્યાદિત આચરણ નથી. સંસદની ગરિમાને સૌએ જાળવી રાખવી પડશે. ત્યાર બાદ પણ વિપક્ષી સાંસદોએ હંગામો જારી રાખ્યો હતો.કોંગ્રેસે કહ્યું હતું કે સંસદમાં સવાલ પૂછવો ગુનો થઈ ગયો છે. મોદી સરકારે વિપક્ષના 92 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે, કેમ કે તેઓ સવાલ પૂછી રહ્યા હતા. એ સાથે વિરોધમાં સંસદ સ્થિત ગાંદી પ્રતિમાની સામે વિપક્ષના સાંસદોએ વિરોધ નોંધાવ્યો હતો. આ પહેલાં સંસદ પુસ્તકાલય ભવનમાં ભાજપ સંસદીય દળની બેઠક થઈ હતી, જેમાં વડા પ્રધાન મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.

 

 

 

 

 

 

કેન્દ્ર સરકારની ચોખાની વધતી કિંમતો પર લાલ આંખ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી બાસમતી સિવાયના ચોખાની કિંમતો ઝડપથી વધી રહી છે, જેથી સરકાર ચિંતિત છે. જેથી ચોખાની વધતી કિંમતો પર કેન્દ્ર સરકારે આકરું વલણ અપનાવ્યું છે. સરકારે ચોખા ઉદ્યોગને કિંમતો પર કાબૂ મેળવવા નિર્દેશ આપ્યા છે. એ સાથે સરકારે નફાખોરોને કાર્યવાહી કરવા ચેતવણી આપી છે.

સોમવારે ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ કહ્યું હતું કે નવી દિલ્હીમાં ચોખા ઉદ્યોગના અગ્રણી પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. એ બેઠકમાં તેમણે બાસમતી સિવાયના ચોખાની કિંમતોને વાજબી સ્તરે લાવવા માટે પગલાં ભરવા કહ્યું હતું. સરકારે નિર્દેશમાં કહ્યું હતું કે દેશમાં સારી ગુણવત્તાના ચોખાનો સ્ટોક પર્યાપ્ત છે. એને ઓપન માર્કેટ સેલ્સ સ્કીમ (OMSS) હેઠળ ટ્રેડર્સ અને પ્રોસેસર્સને રૂ. 29 કિલોમાં આપવામાં આવે છે, પરંતુ ખુલ્લા માર્કેટમાં એને રૂ. 43-50 પ્રતિ કિલોના ભાવથી વેચવામાં આવી રહ્યા છે. જેથી સરકારે આ નિર્દેશ જારી કરવો પડ્યો હતો.

સરકારે જુલાઈમાં નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એ સાથે નિકાસ ડ્યૂટી પણ 20 ટકા વધારી દીધી હતી. સરકારના પ્રયાસો છે કે સ્થાનિક બજારમાં ચોખાની અછત ના થવી જોઈએ. ઓક્ટોબરમાં ચોખાની લઘુતમ એક્સપોર્ટ પ્રાઇસ 950 ડોલર પ્રતિ ટન કરી દેવામાં આવી હતી.

આ બેઠકમાં ચોપરાએ ઉદ્યોગને લોકલ બજારમાં કિંમતોને વાજબી સ્તરે લાવવા માટે પગલાં લેવા જણાવ્યું હતું. PIB દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગ સંગઠનોને તેમના એસોસિયેશનના સભ્યો સાથે આ મુદ્દો ઉઠાવવા અને ચોખાના છૂટક ભાવમાં તાત્કાલિક અસરથી ઘટાડો થાય તે સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સારા ખરીફ પાક, ભારતીય ખાદ્ય નિગમ (FCI) પાસે પર્યાપ્ત અનામત અને ચોખાની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં સ્થાનિક બજારમાં બિન-બાસમતી ચોખાના ભાવ કેમ વધી રહ્યા છે?સરકારે બિન બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ભાવમાં વધારો ચિંતાનો વિષય છે. છેલ્લા બે વર્ષમાં ચોખાના વાર્ષિક ફુગાવાના દરમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે. ચોખાના ભાવમાં સતત વધારાને લઈને સરકાર હવે કડક બની ગઈ છે અને તેને અંકુશમાં લેવા માટે કમર કસી છે.

 

 

 

 

 

કોરાનાના 142 નવા કેસો, એકનું મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 142 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,04,142 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,318 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,70,076 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 145 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1970 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,206,779,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 32 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

દાઉદ ઈબ્રાહિમના સાગરિત છોટા શકીલે કહ્યું, ‘બોસની તબિયત સારી છે’

નવી દિલ્હીઃ ભારતના દુશ્મન નંબર-1 અને દેશની સરકાર દ્વારા ‘મોસ્ટ વોન્ટેડ ગુનેગાર’ ઘોષિત કરાયેલા અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને કોઈએ ઝેર આપતાં એની તબિયત બગડતા એને કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાના અહેવાલોએ ખળભળાટ મચાવી દીધો છે. ગઈ કાલે એવી પણ અફવા હતી કે દાઉદનું મૃત્યુ થઈ ગયું છે.

67 વર્ષના દાઉદ વિશેના અહેવાલો પર સમગ્ર ભારતીય સુક્ષા તંત્ર ચાંપતી દેખરેખ રાખી રહ્યું છે. તેમણે દાઉદ વિશેની અફવાઓને સમર્થન આપ્યું નથી. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દાઉદના સૌથી ગાઢ સાગરિત છોટા શકીલે દાઉદ મરી ગયો હોવાની અફવાઓને રદિયો આપ્યો છે. સીએનએન-ન્યૂઝ18 સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં શકીલે કહ્યું કે, ‘દાઉદ ઈબ્રાહિમ જીવે છે. બોસને કંઈ નથી થયું. એની તબિયત સારી છે. એના વિશેના નકલી સમાચારોથી હું પણ ચોંકી ગયો હતો. હું ગઈ કાલે જ એને ઘણી વાર મળ્યો હતો.’

દાઉદ મુંબઈના એક ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ ઈબ્રાહિમ કાસકરનો દીકરો છે. શરૂઆતમાં એ દક્ષિણ મુંબઈના વિસ્તારોમાં નાના ગુનાઓ કરતો હતો, પણ બાદમાં મોટા ગુનાઓ કરતો થયો હતો. ધીમે ધીમે એણે મુંબઈના અઘોષિત ડોન તરીકે વરદરાજન મુદલિયારનું સ્થાન લઈ લીધું હતું. દાઉદને એ સ્તરે પહોંચવામાં મહારાષ્ટ્રના એ વખતના એક મોટા નેતાએ મદદ કરી હોવાનું મનાય છે. દાઉદ 1980ના દાયકાના મધ્યભાગમાં ભારતમાંથી દુબઈ ભાગી ગયો હતો. મુંબઈ પોલીસ પોતાને એન્કાઉન્ટરના નામે મારી નાખશે એવો ભય લાગતાં એ ભાગી ગયો હતો. દુબઈમાં થોડાક વર્ષો રહ્યો એ દરમિયાન દાઉદે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. 1993માં મુંબઈમાં ભયાનક શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો કરાવવામાં આઈએસઆઈએ દાઉદનો ઉપયોગ કર્યો હતો. એ પછી તેણે દાઉદને કરાચીમાં આશ્રય આપ્યો હતો. કરાચીમાંથી દાઉદ મારફત જાસૂસી સંસ્થાએ ડ્રગ્સની દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરાવી. દાઉદનો જન્મદિવસ 26 ડિસેમ્બરે આવે છે. ભૂતકાળમાં તો એ પોતાના જન્મદિવસે મોટી પાર્ટીનું આયોજન કરતો હતો જેમાં પાકિસ્તાનના સંરક્ષણ વિભાગના આગેવાનો, વરિષ્ઠ નેતાઓ અને સેલિબ્રિટી વ્યક્તિઓ હાજર રહેતી, પરંતુ આ વર્ષે તે ઉજવણી નાના પાયે રખાશે.

ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપથી વિનાશ; 116નાં મરણ

બીજિંગઃ ચીનના વાયવ્ય ખૂણે આવેલા ગાન્સૂ અને પડોશના કિંગાઈ પ્રાંતોમાં ગઈ મધરાતે આવેલા ભયાનક ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. રીક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.2ની નોંધાઈ છે. ભૂકંપમાં ઓછામાં ઓછા 116 જણ માર્યા ગયા હોવાનો અહેવાલ છે. બંને પ્રાંતમાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ચીની સત્તાવાર મીડિયાને ટાંકીને ન્યૂયોર્ક ટાઈમ્સે આપેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભૂકંપને કારણે 400 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે બચાવ કામગીરીમાં જોર લગાવવા અને અસરગ્રસ્ત લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરવાની પ્રાંતના સત્તાવાળાઓને સૂચના આપી છે.

આ ભૂકંપ સ્થાનિક સમય મુજબ ગઈ કાલે મધરાતે 11.59 વાગ્યે આવ્યો હતો અને તે જમીનની સપાટીથી 10 કિ.મી. નીચે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ લાઈગૂ નગરમાં હોવાનું માલૂમ પડ્યું હતું. નજરે જોનારાઓએ કરેલા વર્ણન મુજબ, ભૂકંપને કારણે અનેક મકાનો અને ઘરોને નુકસાન થયું છે. તે ઉપરાંત રસ્તાઓ તથા અન્ય પાયાગત સુવિધાઓને પણ નુકસાન થયું છે. અનેક ગામોમાં વીજળી અને પાણી પૂરવઠો ખોરવાઈ ગયો છે. ગાંસૂ પ્રાંતના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, 4,700થી વધારે મકાનો/ઘરોને નુકસાન થયું છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૯ ડિસેમ્બર, ૨૦૨૩

૧૯ ડિસેમ્બર, ૨૦૨૩